વન અને પર્યાવરણ, પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘જલ હી જીવન હૈ ઔર સંરક્ષણ હી ભવિષ્ય હૈ’ સૂત્રને સાકાર કરતાં રેઈન વૉટર હાર્વેસ્ટિંગ અંગે સુરત અને નવસારી જિલ્લાના અધિકારી-પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સુરત અને નવસારી જિલ્લાના ૯૯૦ ગામોમાં રેઈન હાર્વેસ્ટિંગ બોરની કામગીરી કરી જળસંગ્રહ અને સંરક્ષણના નિર્ધારને પૂર્ણ કરવામાં આવશે એમ સહારા દરવાજા સ્થિત સુરત એપીએમસી-કૃષિબજાર ખાતે આયોજિત બેઠકમાં પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું. મંત્રી મુકેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે, જળશક્તિ મંત્રી સી.આર.પાટિલની આગેવાની હેઠળ સુરત અને નવસારી જિલ્લામાં રેઈન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી તેજ ગતિમાં કરવામાં આવી રહી છે.
ભૂગર્ભ જળસ્તર દિવસે-દિવસે નીચે ઉતરી રહ્યું છે, અને અમૂલ્ય વરસાદી પાણી દરિયામાં વહી જાય છે, ત્યારે જળસંરક્ષણ માટે નવસારી જિલ્લાના ૩૬૦ ગામો અને સુરત જિલ્લાના તેમજ સુરત મનપા વિસ્તારના ૬૩૦ ગામ મળી કુલ ૯૯૦ ગામોમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અન્ય રાજ્યોમાં હાલની પરિસ્થિતિ મુજબ પાણીની તંગી સર્જાઈ રહી છે, ત્યારે ગુજરાતના મહેસાણા, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને પાટણ સહિત અન્ય જિલ્લાઓમાં પણ ભૂગર્ભ જળસ્તર નીચે ચાલ્યા ગયા છે. જેના નિવારણ માટે અટલ ભૂજલ યોજના-૨૦૧૯માં શરૂ કરી હતી, જેમાં ૨૦૨૫ સુધીમાં જે જિલ્લાઓમાં નદીઓ સુકાઈ ગઈ છે અને જમીનમાં પાણીના સ્તર નીચે ઉતર્યા છે તેને ઉપર લાવવાની કામગીરી પ્રગતિમાં છે.
રાજ્ય સરકાર દ્વારા સુકાઈ ગયેલા ૧૦ હજાર જેટલા બોરોને રિચાર્જ કરવા માટે મંજૂરી અપાઈ ચૂકી છે એમ મંત્રીએ ઉમેર્યું હતું. મંત્રીએ ભવિષ્યમાં પાણીની અછત ટાળવા, જમીનમાં પાણીના સ્તરમાં સુધારો કરવા તેમજ વરસાદી પાણીનો સંગ્રહ રેઈન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા કરી શકાય છે એમ જણાવી કહ્યું કે, સુરત જિલ્લાના તાલુકાઓમાં મેઘરાજાની મહેર થઈ છે, ત્યારે વરસાદી પાણી સીધું દરિયામાં જતું અટકાવવા અને જળસમસ્યાને નિવારવા રેઈન વોટર હાર્વેસ્ટિંગ ખૂબ આશીર્વાદરૂપ છે. હાલમાં જમીનમાં જેટલું પાણી ઉતારવામાં આવે છે, એના કરતા વધુ પાણી આપણા દ્વારા ભૂગર્ભમાંથી ઉલેચી લેવામાં આવે છે. જેના કારણે પાણીના સ્તર નીચા ગયા છે. ઓલપાડ તાલુકાના ૭૫ જેટલા ગામોનો રેઈન વોટર હાર્વેસ્ટિંગની પહેલમાં સમાવેશ કર્યો છે, જેના પરિણામે આ વિસ્તારોમાં જળસ્તર ઉપર આવ્યા છે.
વધુમાં તેમણે સુરત અને નવસારી જિલ્લાના અધિકારી-પદાધિકારીઓને ૯૯૦ જેટલા ગામોમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગમાં મોટા ગામોમાં ૪ અને નાના ગામોમાં ૨ જગ્યાઓ નક્કી કરી યાદી આપવા જણાવ્યું હતું. આ બેઠકમાં સુરત કલેકટર ડૉ.સૌરભ પારધીએ જણાવ્યું કે, વરસાદી પાણીના સંગ્રહ માટેના ‘કેચ ધ રેઈન’ કાર્યક્રમમાંથી પ્રેરણા લઈ વરસાદી પાણીને જમીનમાં ઉતારવા અને પાણીને દરિયામાં વહી જતું અટકાવવા લોકો જાગૃત્ત બને તે આવશ્યક છે. આ માટે ગામડાઓમાં રિવર્સ બોર કરી પાણીનો સંગ્રહ કરવામાં આવે, ગામડાઓમાં એવા વિસ્તાર પસંદ કરવામાં આવે જ્યાં વરસાદી પાણીને સીધું જમીનમાં ઉતારી શકાય એના પર તેમણે ભાર મૂક્યો હતો, વધુમાં સુરતના મેયર દક્ષેશ માવાણી, પૂર્વ આદિજાતિમંત્રી અને વર્તમાન ધારાસભ્ય નરેશભાઈ પટેલે રેઈન વોટર હાર્વેસ્ટિંગના આયોજન અંગે સ્વવિચારો વ્યક્ત કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500