નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી અને નવસારી જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ગુજરાત ન્યુ પેટર્ન અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષની નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. બેઠકમાં પ્રભારીમંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું કે, રાજ્ય સરકાર આદિજાતિ સમાજના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સહિતના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ કટિબધ્ધ છે. છેવાડાના વિસ્તારોમાં કૌશલ્યવર્ધન સાથે રોજગારીની તકો ઉપલબ્ધ થાય તેમજ ખુટતી સુવિધાના સાથેના કામોને અગ્રતા આપવાની હિમાયત કરી હતી. પદાધિકારીઓએ સુચવેલા વિકાસકાર્યોને અગ્રતામાં લઈ નિયતસમયમર્યાદામાં વિકાસકામો પૂર્ણ કરવાનો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો.
પ્રભારીમંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ૨૦૨૩-૨૪ના વર્ષમાં ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત ૯૬ ટકા વિવેકાધિન ગ્રાંટ હેઠળ ૬ તાલુકાઓમાં ૨૦૮૯ લાખની જોગવાઈ સામે રૂા.૨૪૪૩ લાખનું આયોજન કરીને ૬૫૪ કામોને બહાલી આપવામાં આવી હતી. જયારે જિલ્લાના ગણદેવી, નવસારી અને જલાલપોર તાલુકાઓમાં ૪ ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળ રૂા.૧૨૩ લાખની જોગવાઈના ૭૫ કામોને મંજુર કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે લોક કલ્યાણલક્ષી કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તથા પ્રગતિ હેઠળના કામોને ઝડપથી પૂર્ણ કરવામાં આવે તથા શરૂ ન થયેલા કામોને તાત્કાલિક શરૂ કરી દેવા સૂચના આપી અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. ગુજરાત પેટર્ન જોગવાઈ હેઠળ માર્ગ, શિક્ષણ, પાણી પુરવઠો, સિંચાઈ, કૃષિ અને પશુપાલન, વીજળી, સામૂહિક આરોગ્ય ઉપરાંત અન્ય વિકાસકામોમાં રોજગાર, પોષણ, ભૂમિસંરક્ષણ, ડેરી વ્યવસાય, મહિલા કલ્યાણ, ભૂમિ અને જળસંરક્ષણ વનવિકાસ જેવા કાર્યોનો સમાવેશ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500