જમ્મુ કાશ્મીરમાં છેલ્લા દોઢ મહિનાથી આતંકી હુમલાનું પ્રમાણ વધી ગયું છે. કાશ્મીર ઘાટી બાદ આતંકીઓ જમ્મુ પ્રાંતને નિશાન બનાવી રહ્યા છે. હવે આતંકીઓએ કુપવાડામાં હુમલો કર્યો હતો જેમાં એક જવાન શહીદ થયો હતો, જ્યારે એક આતંકીને પણ ઠાર મારવામાં આવ્યો હતો. બીજી તરફ અમેરિકાએ ભારતમાં આવતા તેમના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે અને જમ્મુ કાશ્મીર તેમજ મણિપુરમાં ન જવાની સલાહ આપી છે. જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના લોલાબ વિસ્તારમાં સૈન્ય અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન લોંચ કરવામાં આવ્યું હતું, આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. જ્યારે તપાસ અભિયાન ચાલી રહ્યું હતું ત્યારે આતંકીઓએ સૈન્ય પર ગોળીબાર કરી દીધો હતો.
આ દરમિયાન એક જવાનને ગોળી વાગતા તે ઘાયલ થયો હતો, બાદમાં શહીદ થયો હતો. જ્યારે જવાબી કાર્યવાહીમાં એક આતંકી પણ ઠાર મરાયો હતો. કુપવાડામાં આતંકીઓ સામે ઓપરેશન ચાલી રહ્યું છે, આ સ્થિતિ વચ્ચે પઠાણકોટમાં પણ આતંકીઓ સક્રિય હોવાની માહિતી સામે આવી છે. પઠાણકોટમાં એક મહિલાને સાત શંકાસ્પદ આતંકીઓ દેખાયા હતા, જેની માહિતી બાદમાં પોલીસને આપવામાં આવી હતી. આતંકીઓએ મહિલાના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને પાણી માગ્યું હતું. મહિલાએ પાણી આપ્યું જે દરમિયાન શંકાસ્પદોએ મહિલાની પૂછપરછ કરતા કહ્યું હતું કે તમારો પતિ શું કામ કરે છે, શું તમે ઘરમાં એકલા રહો છો. બાદ તમામ આતંકીઓ જંગલ તરફ જતા રહ્યા હતા.
બાદમાં પોલીસે મહિલા પાસેથી આતંકીઓ અંગે વધુ માહિતી મેળવીને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે સાતેય શંકાસ્પદોના ખભા પર બેગ લટકેલી હતી. મહિલાએ આપેલી માહિતીના આધારે પોલીસે શંકાસ્પદોનો સ્કેચ તૈયાર કર્યો હતો જેના આધારે શોધખોળ શરૂ કરી હતી. ભારતમાં અમેરિકાના પર્યટકો પણ આવતા હોય છે, અમેરિકાએ આ અમેરિકન નાગરિકોને સલાહ આપી છે કે, તેઓ ભારતમાં જાય તો જમ્મુ કાશ્મીર અને મણિપુરમાં જવાનું ટાળે, સાથે જ એલઓસી પાસે અથવા તો મધ્ય અને પૂર્વ ભારત તરફ જાય તો પણ સતર્ક રહે. મણિપુરમાં એક વર્ષથી હિંસાની ઘટના સામે આવી રહી છે, જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા વધ્યા છે, મધ્ય અને પૂર્વ વિસ્તારમાં નક્સલી હુમલા થતા હોય છે આ તમામ સ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકાએ પોતાના નાગરિકોને ભારત ભ્રમણ દરમિયાન આ વિસ્તારોમાં ના જવાની સલાહ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500