ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં મુસાફરોને રિક્ષામાં બેસાડીને કિંમતી માલ સામાનની ચોરી કરી લેવામાં આવે છે ત્યારે મહેસાણામાં આ પ્રકારના નોંધાયેલા ગુનામાં એલસીબી દ્વારા ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને બે રિક્ષા અને ચોરીનું બાઈક મળી 1.60 લાખનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગર એલસીબી દ્વારા કલોલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું.
તે દરમિયાન બાતમી મળી હતી કે, મુસાફરોને રીક્ષામાં બેસાડી સામાન ચોરી લેતી રીક્ષા ગેંગ હાલ મહેસાણા હાઇવેથી કલોલ તરફ આવી રહી છે. જે બાતમીના પગલે વોચ ગોઠવીને પોલીસ દ્વારા રીક્ષા સાથે ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પૂછપરછમાં તેમના નામ શાહરુખ સિકંદરભાઈ કલાલ (રહે.કડી કલાલ વાસ), સંજય મુસ્તાકભાઈ પટણી (રહે.કડી), અજય ઉર્ફે ભોપો રમેશભાઈ ઠાકોર (રહે.લક્ષ્મીપુરા, કડી) અને હિરેન ઉર્ફે લાલો અમરતભાઈ પરમાર (રહે.બુડાસણ કડી) હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓની પૂછપરછમાં કલોલમાં અને ઉનાવામાં થયેલી એક એક ચોરીનો ભેદ ઉકેલાયો હતો. તેમની પાસેથી કુલ બે રીક્ષા ચોરીનું એક બાઈક અને મોબાઈલ મળી 1.60 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીઓ પૈકી શાહરુખ સામે ચોરી અને દુષ્કર્મ તેમજ સંજય સામે ચોરીનો ગુનો નોંધાયેલો છે. આરોપીઓની પૂછપરછમાં વધુ ગુના ઉકેલવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500