ધરમપુરનાં આવધા ગામે વહેલી સવારે માન નદી તરફ લટાર મારવા નીકળેલા સ્થાનિક રહીશે અચાનક એક દિપડાને જોતા જ તેના હોશકોશ ઉડી ગયાં હતાં. વન વિભાગની ટીમે આશરે 3 કલાકની જહેમત બાદ આશરે અઢી વર્ષની વયના દિપડાને જાળની મદદથી પકડી પાડીને તપાસ કરતા તેના કમરના ભાગે ઇજા થઈ હોવાનું જણાયુ હતું. જેથી પાંજરામાં પૂરીને ધરમપુર ખાતે લાવી પશુચિકિત્સક પાસે સારવાર કરાઇ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ધરમપુરનાં આવધા ગામના ગદિયાપાડા ફળિયામાંથી પસાર થતી માન નદીના કાંઠે આવેલા વાંસ સહિતના ઝાડી-ઝાખરમાં નદી તરફ ગતરોજ વહેલી સવારે લટાર મારવા નિકળેલા એક રહીશે અચાનક નજર સમક્ષ એક દિપડાને નિહાળ્યો હતો. આ સાથે જ તે ભયભીત થઇ ગયો અને જીવ બચાવવા ઘર તરફ દોટ મૂકી હતી. ગામના રહીશોને જાણ થતાં વન વિભાગના આવધા રાઉન્ડ ફોરેસ્ટર કૌલવ પટેલનો સંપર્ક સાધ્યો હતો. જે બાદ આર.એફ.ઓ.ના માર્ગદર્શન હેઠળ આવધા રાઉન્ડ ફોરેસ્ટર તથા જીવદયા પ્રેમી, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ, નવસારી, ધરમપુર, કપરાડા વિભાગની ટીમના સહિતના કાર્યકરોએ આશરે 3 કલાકની ભારે જહેમત બાદ કદાવર દિપડાને જાળમાં સપડાવી ઝબ્બે કર્યો હતો. જે બાદ દિપડાની તપાસ કરી તો કોઈક તિક્ષ્ણ ચીજવસ્તુમાં ફસાઈ જવાને કારણે તેના કમરના ભાગે ઈજા થઇ હોવાનું જણાયુ હતું. આ ઈજાને કારણે જ દિપડો સ્થળ પરથી અનયત્ર જઈ શક્યો ન હોવાનું અનુમાન લગાવવામાં આવ્યુ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500