બીલીમોરાનાં શાંતિ નિવાસની ગલીમાં વર્ષોથી રહેતા અને ઝવેર જીવણ મહેતા હાઈસ્કૂલ માંથી નિવૃત્ત આચાર્ય ઉમેશભાઈ કાંતિલાલ મહેતાની ફિઝીયોથેરાપિસ્ટ પુત્રીનો આગામી દિવસોમાં લગ્ન પ્રસંગ હોવાથી તેમણે બેંક પોસ્ટ માંથી પોતાની બચતની રકમ ઉપાડી હતી. તેમજ બેંક લોકર્સ માંથી સોનાના દાગીના પણ લાવી ઘરે મૂક્યા હતા. જોકે ગત તારીખ 19ના રોજ ઉમેશ મહેતા અને તેમના શિક્ષિકા પત્ની માતાજીના દર્શન કરવા અંબાજી ગયા હતા.
તેમની પુત્રી શહેરના ખાનગી હોસ્પિટલમાં નોકરી માટે ગઈ હોવાથી મકાનને બંધ કરી તાળુ માર્યું હતું. જયારે બપોરે 12.30 કલાકનાં અરસામાં પુત્રી હોસ્પિટલથી કોઈ કામ માટે ઘરે આવી હતી ત્યારે તેને મકાન ખુલ્લું દેખાયું હતું આથી તેને એવું લાગ્યું કે પડોશના રહેતા પરિવારના સભ્યએ કદાચ દરવાજો ખોલ્યો હશે એવું માનીને તે ઉપરના રૂમમાં બાથરૂમમાં ગઈ હતી.
જ્યારે તે રૂમમાં આવી ત્યારે તેણે લોખંડનો કબાટ ખુલ્લો અને તેમાંથી કપડા લતા સર સામાન વેરવિખેર જોતા તેને ઘરમાં ચોરી થયાની આશંકા ગઈ હતી જે કબાટને તપાસતા સાચી ઠરી હતી આથી યુવતીએ અડોશ પડોશમાં રહેતા લોકો અને અંબાજી ગયેલા માતા-પિતાને જાણ કરી હતી. ત્યાંથી પિતાએ નીચેના રૂમમાં કબાટો ચેક કરવા જણાવ્યું હતું જે ચેક કરતા તેમાં પણ ચોરી થઈ હોવાનું સમજાયું હતું. જેને પગલે નિવૃત આચાર્ય અને તેમના પત્ની પ્રવાસ ટુકાવી તુરંત ઘરે પરત ફર્યા હતા અને બીલીમોરા પોલીસમાં જાણ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500