નવસારીના જલાલપુર ગણદેવી ખાતે રહેતા અને મંડપ કોન્ટ્રાક્ટનો ધંધો કરતા શખ્સે પોતાના મિત્રના પરિચિત બિલ્ડરની બહેન માટે સગાઈ માટે મંડપનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો જે અંગે એડવાન્સ નાણા મેળવ્યા હતા. પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયાને ઘણા દિવસો વીતી જવા છતાં પણ બિલ્ડર દ્વારા બાકી નીકળતા નાણાં અંગે યોગ્ય જવાબ ના મળતા બિલ્ડરની ઓફિસે મિત્રને લઈને પહોંચી જતા ગુસ્સે ભરાયેલા બિલ્ડરે ગાળાગાળી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો મરોલી પોલીસ સ્ટેશનમાં પહોંચતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત એવી છે કે, નવસારી છાપરા રોડ સ્થિત ન્યુ પટેલ સોસાયટી ખાતે રહેતા બિલ્ડર સાગરભાઇ દવેએ ગત તારીખ 12 નવેમ્બરના રોજ પોતાની બહેનના સગાઈ પ્રસંગને લઈને વિરાવળ ખાતે રહેતા તેમના મિત્ર પ્રકાશભાઈને આ અંગે વાતચીત કરતા તેમણે પોતાના મંડપ કોન્ટ્રાક્ટનો ધંધો કરતા અને જમાલપોર ગણદેવી રોડ મજૂર મહાજન સોસાયટી પાછળ માતા ફળિયા ખાતે રહેતા 40 વર્ષીય ઘનશ્યામ કિશનભાઇ દેશમુખને આ અંગે વાત કરતા તેઓ બિલ્ડર સાગરભાઇ દવે સાથે વાતચીત કરીને અગાઉ માટેનો મંડપ રૂપિયા 1.44 લાખમાં નક્કી કર્યું હતું અને તે પેટે રૂપિયા 61,000/- એડવાન્સ ચૂકવ્યા હતા.
જોકે સગાઈ અંગેનો કાર્યક્રમ પૂર્ણ થયાના કેટલા દિવસો બાદ કોન્ટ્રાક્ટર ઘનશ્યામભાઈએ બાકી નીકળતા રૂપિયા 89 હજાર માટેની ઉઘરાણી કરતા તેઓને યોગ્ય જવાબ ના મળતા છેવટે તેઓના મિત્ર પ્રકાશભાઈ સાથે બિલ્ડર સાગરભાઇ દવેની મરોલી ચાર રસ્તા ખાતે આવેલી ઓફિસમાં જઈ પહોંચ્યા હતા. પરંતુ ઓફિસે આવેલા જોઈને બિલ્ડર ભડકી ઉઠ્યા હતા અને ઘનશ્યામભાઈ સાથે ઉગ્ર વાતચીત કરી ગળાગાળી કરતાં મામલો ગરમાયો હતો અને બિલ્ડરે મંડપ કોન્ટ્રાક્ટરને બીજી વાર ઉઘરાણી માટે આવવાની ના પાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઘનશ્યામભાઈએ મરોલી પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સાગરભાઇ દવે વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500