રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા અત્યંત આધુનિક અને આરામ દાયક બસો રાજ્યના જાહેર મુસાફર જનતાની સેવામા મૂકાતા, ગુજરાત એસ.ટી. પણ આધુનિક પરિવહન સેવાઓ માટે કીર્તિમાન સ્થાપી રહી છે. જેના ભાગરૂપે, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કાર્યરત એસ.ટી ડેપોને પણ નવીન, આરામ દાયક અને સુવિધાયુક્ત બસો આપતા ડાંગના મુસાફરોમા ખુશીની લાગણી પ્રસરવા પામી છે.
જેના ભાગરૂપે આહવા તાલુકા પંચાયતના પ્રમુખના હસ્તે ગ્રામજનો, તથા મુસાફર જનતાની ઉપસ્થિતિમા આહવાથી સવારે ૯:૦૦ કલાકે ઉપડતી આહવા-અમદાવાદ રૂટ ઉપર નવીન બસ ફાળવી તેને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. આ અવસરે આહવા તાલુકા સદસ્ય, આહવા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ, ડેપો મેનેજર તથા એસ.ટી.કર્મીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. જયારે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા, મુસાફરોની સરળતા માટે ગુજરાત રાજ્યની બસોના આધુનિકરણ સાથે, આકર્ષક કલર અને ડિઝાઈન સાથેની બસો, કે જે ખાનગી બસોને પણ પડકાર આપે તેવી સુંદર બસો પ્રવાસીઓની સેવામાં સમર્પિત કરવામાં આવી રહી છે. ડાંગ જેવા દુર્ગમ અને છેવાડે આવેલા જિલ્લાએથી અમદાવાદ તરફ મુસાફરી કરનાર જિલ્લાના વિધ્યાર્થીઓ, અને અન્ય મુસાફરોને આ બસ ખુબ જ ઉપયોગી સાબીત થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500