'રાત્રી સભા'નો રાજય સરકારનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા નિવાસી અધિક કલેક્ટર પી.એ.ગાવિતે પ્રજા અને પ્રશાસનની હકારાત્મક અભિગમથી વ્યક્તિગત તથા સામુહિક પ્રશ્નોના નિકાલ માટે વહિવટી તંત્રની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શિંગાણા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં યોજાયેલી રાત્રી સભામાં અધ્યક્ષ સ્થાનેથી નિવાસી અધિક કલેક્ટર પદ્મરાજ ગાવિતે ગ્રામીણજનોના પ્રશ્નો પરત્વે સંવેદનશીલતા સાથે તેના નિરાકારણની દિશામાં કાર્યવાહી હાથ ધરવાની અમલીકરણ અધિકારીઓને અપીલ કરી હતી.
પ્રાંત અધિકારી રાજેન્દ્રસિંહજી ચોહાણે રાત્રી સભાના પ્રશ્નો પરત્વે હકારાત્મક અભિગમ સાથે તેનો નિકાલ કરવાની હિમાયત કરી હતી. દરમિયાન નાયબ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ જોશીએ પ્રશ્ન નિકાલ માટેની વહીવટી પ્રક્રિયા સ્પષ્ટ કરી પૂરક વિગતો રજુ કરી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓની જાણકારી આપતા પ્રોગ્રામ ઓફિસર જ્યોત્સના પટેલે 'કુપોષણ'ને નાથવા માટે લેવામાં આવી રહેલા વિવિધ પગલાઓની જાણકારી આપી હતી. જ્યારે જિલ્લાના આરોગ્ય અધિકારી ડો.હિમાંશુ ગામિતે 'PMJAY' કાર્ડની સ્પષ્ટતા કરી, ગ્રામજનોને ફરજિયાત કાર્ડ મેળવી લેવાની અપીલ કરી હતી.
જિલ્લા ખેતીવાડી અધિકારી હર્ષદ પટેલે ખેડૂત કલ્યાણની જુદી જુદી યોજનાઓની જાણકારી પુરી પાડી હતી. આદિજાતિ વિકાસ અધિકારી રણજીત કનુજાએ આદિજાતિ વિકાસ વિભાગની સામાજિક-શૈક્ષણિક અને વ્યક્તિગત તથા સામુહિક યોજનાઓની જાણકારી આપી હતી. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર આર.આર.ગાવિતે જળસંચય અભિયાનની માહિતી પુરી પાડી હતી. વન અધિકારી કેયુર પટેલે વિવિધ વન યોજનાઓની વિસ્તૃત જાણકારી સાથે સૌને વૃક્ષ જતન સંવર્ધનની અપીલ કરી હતી. મનરેગા યોજનાની વિગતો આપતા ગ્રામ વિકાસ વિભાગના પ્રતિનિધિએ ઘર આંગણે વર્ષેદાડે સો દિવસની રોજગારી આપતી યોજનાનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.
દરમિયાન મીશન મંગલમ, સ્વચ્છ ભારત મિશન યોજનાની પણ જાણકારી ગ્રામજનોને પુરી પાડવામાં આવી હતી. પાણી પુરવઠા વિભાગના નાયબ ઈજનેર શ્રી જયેશ માહલાએ નલ સે જલ યોજના સહિત વિવિધ જુથ પાણી પુરવઠા યોજનાની જાણકારી આપી હતી. પ્રશાસન પ્રજાને દ્વારે કાર્યક્રમના ભાગરૂપે આયોજિત સુબિર તાલુકાની બીજી રાત્રી સભામાં ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓનુ સુબિર તાલુકા વહિવટી તંત્રે સ્વાગત કરી કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત મામલતદાર શ્રી વી.બી.દરજીએ કર્યું હતું.
જ્યારે કાર્યાન્તે આભારવિધી તાલુકા વિકાસ અધિકારી પુનમ ડામોરે આટોપી હતી. પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના તથા સ્વાગત ગીત રજુ કર્યું હતું. મહાનુભાવોએ દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. રાત્રી સભાના કાર્યક્રમમાં સ્થાનિક સરપંચ, તાલુકા/જિલ્લાના પદાધિકારીઓ, સામાજિક કાર્યકરો, ગ્રામજનો તથા જુદા જુદા વિભાગના જિલ્લાકક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500