વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગત તા.5મી સપ્ટેમ્બર 2022ના રોજ શિક્ષક દિન નિમિત્તે PM SHRI યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનામા દેશની 14500 શાળાઓ, કે જે કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/કેન્દ્ર શાસિત પ્રદેશ/સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા (પંચાયત) દ્વારા સંચાલિત હોય તેવી શાળાઓને PM SHRI શાળા તરીકે વિકસાવવાનો લક્ષ નિર્ધાર કરાયો હતો. જેમાં જવાહર નવોદય વિદ્યાલયો, અને કેન્દ્રિય વિદ્યાલયોનો પણ સમાવેશ થાય છે. PM SHRI યોજનામા ચેલેંજ મેથડ દ્વારા પસંદગી માટે ત્રણ સ્તરની પ્રક્રિયા પાર કરવામા આવે છે. જેમા ચેલેંજ મેથડમાં જરૂરી લઘુત્તમ ગુણાંકન હાંસલ કરતી શાળાઓની ભલામણ, રાજ્ય/KVS/JNV દ્વારા સ્થળ તપાસ કર્યા પછી કરવામાં આવે છે. સમગ્ર ભારતમાં કુલ શાળાઓની સંખ્યાની મર્યાદા સાથે બ્લોક દીઠ મહત્તમ બે શાળાઓ (એક પ્રાથમિક અને એક માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ) PM SHRI યોજના અંતર્ગત પસંદ કરવામાં આવે છે.
રાજ્ય દીઠ શાળાઓની પસંદગી માટે કોઈ ક્વોટા નથી. PM SHRI શાળાઓની અંતિમ પસંદગી કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયની આગેવાની હેઠળ એક નિષ્ણાત સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ યોજના હેઠળ ડાંગ જિલ્લામા તાલુકા દીઠ 2 શાળાઓ PM SHRI યોજના માટે પસંદગીપાત્ર ઠરે છે. જેમા વધઇ તાલુકાની ઝાવડા પ્રાથમિક શાળાનો સમાવેશ કરવામા આવ્યો છે. આ ઉપરાંત આહવા તાલુકાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા-આહવા તથા સુબિર તાલુકાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા-ગારખડીનો સમાવેશ કરવામા આવ્યો છે. આવનાર સમયમા યોજનાના માપદંડો અનુસાર વધુ શાળાઓનો સમાવેશ કરવામા આવશે. PM SHRI શાળાઓને 21મી સદીની માંગને પૂર્ણ કરતી શ્રેષ્ઠ શાળાઓ તરીકે તૈયાર કરવાની કલ્પના કરવામાં આવી છે. આ શાળાઓ exemplar (ઉદાહરણરૂપ) શાળાઓ તરીકે ઉભરી આવશે, અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના હેતુઓ હાંસલ કરવા માટે, અન્ય શાળાઓને માર્ગદર્શન પૂરું પાડશે. PM SHRI શાળાઓ આદર્શ શાળાઓના નેટવર્ક તરીકે કાર્ય કરશે.
આ શાળાઓ પોતાના વિસ્તારમાં સમાનતાભર્યા, સમાવેશી અને આનંદકારક વાતાવરણમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા માટે નેતૃત્વ લેશે. આ શાળાઓને ગ્રીન સ્કૂલ તરીકે વિકસાવવામાં આવશે. જેમા સૌર પેનલ અને એલઇડી લાઇટનો ઉપયોગ, કુદરતી ખેતી દ્વારા કીચન ગાર્ડન, કચરાનું વ્યવસ્થાપન, પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ, જળ સંરક્ષણ, સંસ્કૃતિક રીતિરીવાજો/પ્રણાલીનો અભ્યાસ વગેરેનો સમાવેશ કરવામા આવશે. વઘઇ તાલુકાની ઝાવડા પ્રાથમિક શાળા કે જેનો PM SHRI યોજનાઓના માપદંડો અનુસાર સમાવેશ થયો છે. ઝાવડા પ્રાથમિક શાળા વર્ષોથી જ શિક્ષણમાં મોખરે રહી છે. પૂર્વ આચાર્ય દ્વારા શાળાને પ્રગતિના પંથ પર લાવી, ગામનું નામ રોશન કર્યું છે. આ શાળાને ચિત્રકુટ એવોર્ડ, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, રાજ્ય પારિતોષિક દ્વારા સન્માનિત કરવામાં આવી છે. આ શાળા સ્કુલ ઓફ એક્સિલન્સ અંતર્ગત માત્ર 100 દિવસમાં પસંદગી પામી હતી.
જે મુજબ લક્ષ્યાંક હાંસલ કરવા માટે શિક્ષકો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્ય કરવામાં આવ્યું હતુ. આ સાથે અન્ય પપ્રવૃત્તિઓમાં પણ શાળા મોખરે રહી છે. જેમા ગ્રીન એન્ડ સસ્ટેનેબલ કોમ્પિટિશન અંતર્ગત દેશમાં પ્રથમ પાંચમાં સ્થાલ મેળવ્યુ છે, અને સ્વચ્છતા સ્પર્ધામાં જિલ્લામાં બીજા ક્રમમા રહેવા પામી હતી. આ સાથે બાહ્ય પરીક્ષામાં 100 ટકા ભાગીદારી નોંધાવી હતી. જેમા એન.એમ.એમ.એસ મેરીટમાં, પી.એસ.ઈ મેરીટમાં, જવાહર નવોદય પરીક્ષામાં સ્થાન મેળવેલ છે. ધોરણ 5 અને 6 માટેની કોમન એન્ટ્રસ એક્ઝામમાં પણ 100 ટકા ભાગીદારી નોંધાવેલ છે. આ સાથે ખેલમહાકુંભ હોય કે ડાંગ સમેંલન, ઉત્સાહપૂર્વક દરેક કાર્ય કરવા હમેશા તત્પર રહેતી આ શાળા આજે સ્કુલ ઓફ એક્સિલન્સ સાથે પી.એમ.શ્રી સ્કુલમાં પણ સ્થાન મેળવેલ છે. જે શાળા પરીવાર અને માર્ગદર્શક અધીકારીઓની મહેનતની ફલશ્રુતિ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500