મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : વ્યારાથી ભેંસકાત્રી તરફ જતાં હાઈવે રોડ ઉપર કેલવણ ગામનાં પુલ પાસે એક બાઈક ચાલકે પોતાના કબ્જાનું બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પુલ નીચે પટકાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક સવાર ઈજાગ્રસ્ત થયો હતો અને બાઈક પાછળ સવાર યુવકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ડાંગનાં વઘઈ તાલુકાનાં ભેંસકાત્રી ગામનાં નાકા ફળિયામાં રહેતા અમિતભાઈ વીરાભાઈ ગામીત નાઓ પોતાના કબ્જાની એક બજાજ કંપનીની ડ્યુક બાઈક નંબર GJ/30/E/0538ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી વ્યારાથી ભેંસકાત્રી તરફ જતાં હાઈવે રોડ ઉપર કેલવણ ગામનાં પુલ નીચે સંરક્ષણ દીવાલનાં કોંક્રીટ તથા પથ્થર પાસે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા.
જેમાં બાઈક પાછળ બેસેલ યાકુબભાઈ કાશીરામભાઈ વાઘમારે (રહે.ભદરપાડા ગામ, ઉપલું ફળિયું, તા.વઘઈ, જિ.ડાંગ)નાંઓને માથાના પાછળનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમજ શરીરે ઓછી-વત્તી ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. જયારે બાઈક સવાર અમિતભાઈ ગામીતનાને ઈજાઓ પહોચતા સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગે કાશીરામભાઈ વાઘમારે નાંએ રવિવારનાં રોજ બાઈક ચાલક અમિત ગામીત વિરુદ્ધ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500