Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુવા મતદારો ભારતીય લોકશાહીનું ભવિષ્ય : વિદ્યાર્થીઓ મતદાતા બને તે પહેલા શાળા કક્ષાએ જ તેમનામાં લોકશાહીના બીજ રોપાય તે જરૂરી

  • January 26, 2024 

તા.૨૫મી જાન્યુઆરી-૧૯૫૦ના રોજ ભારતીય ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી, જેને વર્ષ ૨૦૧૧થી રાષ્ટ્રીય મતદાતા દિવસ (NVD) તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિનની ઉજવણીનો ઉદ્દેશ્ય ભારતના નાગરિકોને મતદાર તરીકે તેમના અધિકારો અને જવાબદારીઓથી વાકેફ કરવાનો છે. આ વર્ષે 'Nothing Like Voting, I Vote for Sure' (મતદાન જેવું શ્રેષ્ઠ બીજું કઈ નથી, હું ચોક્કસપણે મતદાન કરીશ) થીમ પર મતદાતા દિનની ઉજવણી થઈ રહી છે. ભારતના ચૂંટણી પંચ (ECI)ની સ્થાપના ૨૫/૦૧/૧૯૫૦ના રોજ પ્રથમ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કરવામાં આવી હતી. બંધારણ સભાએ આર્ટિકલ ૩૨૪ હેઠળ કમિશનને તેની કામગીરી અને નિર્ણય લેવામાં સ્વતંત્ર રીતે કાર્ય કરવા સક્ષમ બનાવવા માટે બંધારણીય દરજ્જો આપ્યો હતો. એ સમયમાં સાક્ષરતાનું ઓછું પ્રમાણ અને મતદાર યાદીના અભાવ વચ્ચે પુખ્ત મતાધિકારના આધાર પર ચૂંટણીઓ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.



આ માટે કાયમી, કેન્દ્રીય અને સ્વાયત્ત કમિશનની સ્થાપના બંધારણ સભાની દીર્ઘદ્રષ્ટિ દર્શાવે છે. આ સંસ્થાની કાર્યક્ષમતા, નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા અત્યાર સુધી યોજાયેલી ૧૭ લોકસભા ચૂંટણીઓ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદની ૧૬ ચૂંટણીઓ અને ૪૦૦થી વધુ વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રતિબિંબિત થાય છે. પ્રસંગોપાત આંતરરાષ્ટ્રીય અનુભવથી વિપરીત ભારતમાં ચૂંટણી પરિણામોને લઈને ક્યારેય વિવાદ થયો નથી. ચૂંટણી પરિણામો સંબંધિત ચૂંટણી પિટિશન પર સંબંધિત હાઈકોર્ટ માટે નિર્ણયો આપવાની જોગવાઈ છે. આયોગે રાજકીય પક્ષો અને ભારતના નાગરિકોનો વિશ્વાસ સંપાદિત કર્યો છે. આ વિશ્વાસને વધુ મજબૂત કરવાનો ચૂંટણી આયોગનો સંકલ્પ છે. મજબૂત લોકશાહીના નિર્માણ માટે સક્ષમ અને સર્વસમાવેશક ચૂંટણી સહભાગિતા મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ ચૂંટણીને વધુ સહભાગી અને મતદાર-હિતેષી બનાવવાના કમિશનના પ્રયાસોને અભિવ્યક્ત કરે છે.



જીવંત લોકશાહીમાં, ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ, નિયમિત અને વિશ્વસનીય હોય તે પૂરતું નથી, પરંતુ લોકોનો વિશ્વાસ જીતનારી અને પ્રજાલક્ષી હોવી જોઈએ, જેથી શાસન વ્યવસ્થા પર તેની સંપૂર્ણ અસર દેખાય. મતદાનનો અધિકાર ત્યારે જ શક્તિના રૂપમાં પરિણમશે જ્યારે તેનો યોગ્ય-સાર્થક ઉપયોગ કરવામાં આવે. મહાત્મા ગાંધીજીનું એક અવતરણ યાદ કરવા જેવું છે:- ‘જો આપણે આપણી ફરજો નિભાવવાને બદલે અધિકારોની પાછળ દોડીશું તો તે દુર્લભ ચીજવસ્તુની માફક આપણી પકડમાં નહીં આવે..’ ૯૪ કરોડથી વધુ નોંધાયેલા મતદારો સાથે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. તેમ છતાં, છેલ્લી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯માં થયેલા ૬૭.૧ ટકા મતદાનના પ્રમાણને વધારી શકવા માટેની ઘણી ગુંજાઈશ રહેલી છે. બૂથ સુધી ન પહોંચતા ૩૦ કરોડ મતદારોને પ્રોત્સાહિત કરવાના પડકારનો સામનો કરવાના ચૂંટણી પંચના પ્રયાસો રહ્યા છે. યુવા મતદારો ભારતીય લોકશાહીનું ભવિષ્ય છે.



વર્ષ ૨૦૦૦ની આસપાસ અને ત્યારબાદ જન્મેલી યુવા પેઢી ખાસ્સી જાગૃત્ત થઈ છે. તેઓ લોકશાહીના પર્વ અને મતદાનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા મતદાર તરીકે તેમની ભાગીદારી લગભગ સમગ્ર સદી સુધી લોકશાહીના ભાવિને આકાર આપશે. એટલે જ, વિદ્યાર્થીઓ મતદાનની ઉંમરે પહોંચે તે પહેલા શાળા કક્ષાએ જ તેમનામાં લોકશાહીના બીજ રોપાય તે જરૂરી છે. મતદારો મતદાન માટે ઉદાસીન રહેવાના કારણોમાં શહેરી વસ્તી અને યુવાધનની ઉદાસીનતા, ઉદાર લોકતંત્ર કે જ્યાં મતદાર નોંધણી અને મતદાન સ્વૈચ્છિક છે; રોજગારી માટે સ્થળાંતર વગેરે. આવા સંજોગોમાં મતદારોને પ્રોત્સાહિત અને મતાધિકાર પ્રત્યે જાગૃત્ત કરવા અને શક્ય તેટલી વધુ સુવિધા આપીને તેમને મતદાન મથક સુધી લાવવા એ મતદાન વધારવા એ શ્રેષ્ઠ વ્યૂહરચના છે. ખાસ કરીને ચૂંટણી પંચે દેશના ૮૫ લાખ દિવ્યાંગ મતદારો, એંસી વર્ષ અને તેથી વધુ વયના બે કરોડથી વધુ મતદારોની સુવિધા અને ૪૭,૫૦૦ થી થર્ડ જેન્ડરના નાગરિકોની નોંધણી કરવા માટે નોંધનીય પ્રયાસો કર્યા છે.



વર્ષ પહેલા દેશના બે લાખથી વધુ શતાયુ મતદારોને લોકશાહી પ્રત્યેની તેમની મતદાર તરીકેની પ્રતિબદ્ધતા અને જાગૃત્તિ બદલ વ્યક્તિગત પત્રો પાઠવીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણી-૧૯૫૧ માં પ્રથમ મતદાર તરીકે નોંધાયેલા હિમાચલ પ્રદેશના કલ્પાના વતની શ્રી શ્યામશરણ નેગીએ ૧૦૬ વર્ષની વયે આ દુનિયા છોડીને અંતિમ વિદાય લીધી, ત્યારે તેમણે પોતાના જીવનકાળમાં તમામ ચૂંટણીઓમાં મતદાન કરવાનું ચૂક્યા ન હતા. સ્વ.નેગીજીનું ઉદાહરણ આપણને નિષ્ઠાથી મતદાન કરવા માટે પ્રેરિત કરે છે. ચૂંટણી પંચે પોતાની ઝુંબેશમાં યુવા મતદારોને સ્વ. શ્યામશરણ નેગીની નાગરિક ફરજમાંથી પ્રેરણા લેવા હંમેશા ઉલ્લેખ કર્યો છે.



દેશના મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી રાજીવ કુમારના નેતૃત્વમાં ભારતીય ચૂંટણી પંચે દરેક મતદાન મથક પર શૌચાલય, પીવાનું પાણી, દિવ્યાંગજનો માટે રેમ્પ વગેરે જેવી લઘુત્તમ સુવિધાઓ પૂરી પાડવાનું સુનિશ્ચિત કર્યું છે. C-Vigil જેવી મોબાઈલ એપ્સ થકી સામાન્ય નાગરિક આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની ઘટનાઓની જાણ કરી શકે છે, જેનાથી ચૂંટણી નિરીક્ષકોને ગુનેગારો સામે તાત્કાલિક પગલાં (૧૦૦ મિનિટની અંદર) શરૂ કરવામાં સક્ષમ બનાવે છે. આજે સોશ્યલ અને ડિજીટલ મીડિયાનો યુગ છે, ત્યારે દરેક ચૂંટણી દરમિયાન સેંકડો ભ્રમ અને અફવા ફેલાવે એવા નકલી વિડિયો/સમાચાર સામગ્રી અપલોડ અને સર્ક્યુલેટ કરવામાં આવે છે. જે ચૂંટણીઓ પૂરી થયા પછી પણ ડિજિટલ સ્પેસમાં ટકી રહે છે, જે ચૂંટણી પ્રક્રિયાઓ અને જનમાનસ પર નકારાત્મક અસર કરે છે.




જેને અનુલક્ષીને ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમની વ્યાપક ક્ષમતાઓ, AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને આવા નકારાત્મક પ્રયાસો પર રોક લગાવે એ અંગે સતત પ્રયાસરત છે. નોંધનીય છે કે, તા.૨૫મીએ બપોરે ૩.૦૦ વાગ્યે સુરત જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને એલ.પી. સવાણી એકેડેમી, આરસીસી કેનાલ રોડ, અણુવ્રત દ્વાર પાસે, વેસુમાં યોજાશે તમામ દેશવાસીઓ પોતાની સભ્ય નાગરિકના રૂપના તરીકેની જવાબદારી તરીકે મતદાર તરીકે ગર્વ અનુભવશે, ત્યારે તેની અસર લોકશાહી શાસનના તમામ સ્તરે તેનો પ્રભાવ ચોક્કસપણે અનુભવાશે. દેશના પ્રત્યેક મતદાતાને નમન સાથે સૌને મતદાતા દિવસની હાર્દિક શુભકામનાઓ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application