યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ આખરે ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કમલમ ખાતે હાર્દિક પટેલને ભાજપનો ખેસ ધારણ કરાવ્યો હતો. જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે હાર્દિકને ટોપી પહેરાવી હતી. આ સાથે કોંગ્રેસના મહિલા નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે આજે કેસરિયો ખેસ ધારણ કર્યો છે.
હાર્દિક પટેલે આજે સવારે પોતાના ઘરે દુર્ગા પૂજા કરી હતી અને ત્યાર બાદ સ્વામીનારાણય મંદિર ખાતે પૂજા કરીને સંતોના આશીર્વાદ લીધા હતા.હાર્દિક પટેલે ભાજપમાં જોડાતા પહેલા કમલમ્ સુધીના રસ્તામાં જોરદાર શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું.
હાર્દિક પટેલના સ્વાગતમાં કમલમથી ગાંધીનગર તરફ અને અમદાવાદ તરફ જતા રોડ પર પોસ્ટર્સ લગાવીને તેને આવકાર આપવામાં આવ્યો હતો. પોસ્ટર્સમાં હાર્દિકને રાષ્ટ્રપ્રેમી યુવા નેતા ગણાવવામાં આવ્યો છે. અન્ય એક પોસ્ટરમાં હાર્દિકને યુવા હૃદય સમ્રાટ ગણાવવામાં આવ્યો હતો.
જોકે બીજી તરફ કોંગ્રેસના મહિલા નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે આજે કેસરિયો ખેસ ધારણ કર્યો છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કમલમ ખાતે કોંગ્રેસના ભૂતપૂર્વ આગેવાન શ્વેતા બ્રહ્મભટ્ટને કેસરિયો ખેસ ધારણ કરાવ્યો હતો. મોદીની બેઠક ઉપર ભાજપ સામે લડનારા શ્વેતા બ્રહ્મભટ્ટ હવે ભાજપમાં જોડાઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, શ્વેતા બ્રહ્મભટ્ટ 2017ની વિધાનસભા ચૂંટણી વખતે મણિનગર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. જાણવા મળ્યા મુજબ હાર્દિક પટેલે શ્વેતા બ્રહ્મભટ્ટની સાથે કેસરિયો ખેસ પહેરવાની ના પાડી દીધી હતી. આ કારણે બે અલગ અલગ કાર્યક્રમ રાખવા પડયા હતા. તે અંતર્ગત પહેલા શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500