સાહિત્ય અકાદમીએ હિન્દી માટે બદ્રીનારાયણ, અંગ્રેજી માટે અનુરાધા રૉય અને ઉર્દૂ માટે અનીસ અશફાક સહિત 24 ભારતીય ભાષાઓના લેખકોને વર્ષ-2022 માટે પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કર્યો હતો. આ લેખકોને અકાદમીના છ દિવસના સાહિત્યોત્સવના પહેલા દિવસે આયોજિત કાર્યક્રમમાં આ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. સાહિત્યોત્સવનું ઉદઘાટન કેન્દ્રીયમંત્રી અર્જુન રામ મેઘવાલે કર્યું હતું. અકાદમી વતી જારી એક નિવેદન અનુસાર અકાદમીની સંપન્ન થયેલી ચૂંટણીમાં માધવ કૌશિકને અધ્યક્ષ અને કુમુદ શર્માને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
જયારે મેઘવાલે અકાદમીનાં એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યા પછી કહ્યું કે, આપણે સમાજમાં એવી સકારાત્મકતા પેદા કરવી પડશે કે આપણો દેશ વિકાસશીલ દેશને બદલે વિકસિત રાષ્ટ્રનો દરજ્જો મેળવી શકે. સાંસ્કૃતિક રાજ્ય મંત્રીએ કહ્યું કે, કલા અને સાહિત્ય સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓએ સમાજમાં સર્જનાત્મક અને સકારાત્મક વાતાવરણ જાળવવા સહકાર આપવો જોઈએ. કમાની ઓડિટોરિયમમાં આયોજિત એવોર્ડ સમારંભમાં નારાયણને હિન્દીમાં તેમના કાવ્યસંગ્રહ 'તુમડી કે શબ્દ' માટે પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
રોયને અંગ્રેજીમાં તેમની નવલકથા 'ઓલ ધ લાઈવ્સ વી નેવર લિવ્ડ' માટે અને અશફાકને ઉર્દૂમાં તેમની નવલકથા 'ખ્વાબ સરબ' માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. નિવેદનમાં જણાવાયું કે, મનોજ કુમાર ગોસ્વામી (આસામી), તપન બંદ્યોપાધ્યાય (બંગાળી), રશ્મિ ચૌધરી (બોડો) અને વીણા ગુપ્તા (ડોગરી)ને પણ સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે ગુલામ મોહમ્મદ શેખ (ગુજરાતી), મુડનાકુડુ ચિન્નાસ્વામી (કન્નડ), ફારૂક ફયાઝ (કાશ્મીરી), માયા અનિલ ખરગેટ (કોંકણી), અજીત આઝાદ (મૈથિલી), એમ. થોમસ મેથ્યુ (મલયાલમ), કોઈજમ શાંતિબાલા (મણિપુરી) , પ્રવિણ દશરથ બાંદેકર (મરાઠી) અને કે. બી. નેપાળી (નેપાળી) ને પણ વર્ષ 2022 માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
સાહિત્ય અકાદમી પુરસ્કારથી નવાજાયેલા લેખકોને કોતરેલી તાંબાની પ્લેટ જેવી ટ્રોફી, શાલ અને એક લાખ રૂપિયાની રકમ આપવામાં આવી હતી. સમારોહની અધ્યક્ષતા નવા ચૂંટાયેલા અકાદમીના પ્રમુખ માધવ કૌશિક દ્વારા કરવામાં આવી હતી અને સમાપન વક્તવ્ય નવા ચૂંટાયેલા ઉપપ્રમુખ કુમુદ શર્માએ આપ્યું કર્યું હતું. સમારોહના મુખ્ય અતિથિ અંગ્રેજી લેખક અને વિદ્વાન ઉપમન્યુ ચેટર્જી હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500