તા.૨ ફેબ્રુઆરી એટલે પ્રકૃતિ અને વિશિષ્ટ જીવસૃષ્ટિના સંરક્ષણ માટે વેટલેન્ડ્સનું મહત્વ જાણવાનો દિવસ. પૃથ્વી પર આ વેટલેન્ડ્સ કેટલા મહત્વના છે? તે યાદ કરાવવા માટે અને તે અંગે જાગૃતિ લાવવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે બીજી ફેબ્રુઆરીએ ‘વર્લ્ડ વેટલેન્ડ્સ ડે’ ની ઉજવણી કરવામાં આવે છે. તા.૦૨ ફેબ્રુઆરી ૧૯૭૧માં ઈરાનના રામસરમાં વેટલેન્ડ્સના વૈશ્વિક મહત્વ વિશે આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. તેની જયંતિરૂપે પણ આજના દિવસની ઉજવણી ‘વર્લ્ડ વેટલેન્ડ્સ ડે’ તરીકે કરવામાં આવે છે. દેશમાં ૭૫ આર્દ્રભૂમિને તેની વિશિષ્ટ જૈવ ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખી રામસર સાઈટની માન્યતા આપવામાં આવી છે. જેમાંથી ગુજરાતમાં ૪ આર્દ્રભૂમિને આ દરજ્જો મળ્યો છે. વેટલેન્ડ્સ એવી મહામૂલી સંપત્તિ છે, જે જળવાયુ પરિવર્તન ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
હવે સવાલ એ થાય કે આ જળપ્લાવિત વિસ્તારો એટલે કે વેટલેન્ડ્સ શું છે ? વેટલેન્ડ એવો વિસ્તાર છે, જ્યાં વૃક્ષો-જળ-જમીન સાથે જીવસૃષ્ટિની પ્રજાતિઓનું વૈવિધ્યપૂર્ણ સહઅસ્તિત્વ જોવા મળતું હોય છે અને વર્ષ દરમિયાન પાણીથી ભરેલો રહે છે. આખા વર્ષ દરમિયાન ભૂગર્ભજળ લગભગ જમીનના સ્તરે હોય છે, તેથી આ વિસ્તારોમાં જળચર છોડનો પુષ્કળ વિકાસ થાય છે. છોડ અને પ્રાણીઓની સમૃદ્ધ શ્રેણી સાથેની વેટલેન્ડ્સમાં જૈવવિવિધતા અન્ય તમામ ઈકોસિસ્ટમ્સ કરતાં વધુ હોય છે, જે તેને અમૂલ્ય બનાવે છે. વેટલેન્ડ્સ એ યાયાવર પક્ષીઓનું પ્રિય સ્થળ છે. વિશ્વભરમાં પક્ષીઓની અનેક જાતો વિવિધ ઋતુઓમાં અન્ય દેશોમાં પ્રવાસ કરે છે.
આ પ્રવાસી પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન હેતુ વર્ષ-૧૯૬૦ના દાયકામાં જે આર્દ્રભૂમિ પર સૌથી વધુ પ્રવાસી પક્ષીઓ આવતાં હોય તે સાઈટના રક્ષણ માટે વિવિધ દેશોની સરકાર વચ્ચે મંત્રણાઓ થઈ હતી. વર્ષ-૧૯૭૧માં ઈરાનના ‘રામસર’ શહેરમાં નિષ્ણાંતો વચ્ચે ચર્ચાઓ થઈ હતી. જેને રામસર સંધિ તરીકે ઓળખવામાં આવે છે. તા.૨૧ ડિસેમ્બર,૧૯૭૫ના રોજ પૂર્ણરૂપથી આ સંધિ લાગુ કરવામાં આવી હતી. ભારતે આ સંધિ તા.૧ ફેબ્રુઆરી, ૧૯૮૨ના દિનથી અપનાવી છે. પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ હોય એવાં ભેજવાળા સ્થળોને રામસર આંતરરાષ્ટ્રીય સંધિ પ્રમાણે સંરક્ષણ આપવામાં આવે છે. દર વર્ષે તેમાં નવા-નવા સ્થળો ઉમેરવામાં આવે છે. રામસર સાઈટ નિયત કરવાં માટે કેટલાંક આંતરરાષ્ટ્રીય માપદંડો છે.
જેમાં એવાં સ્થળો કે, જ્યાં જૈવ ભૌગોલિક વિસ્તારમાં જૂજ અને વિશિષ્ટ પ્રકારની આર્દ્રભૂમિ હોવી જોઈએ. ‘રામસર સાઈટ’ જાહેર કરવાં માટે નિયત પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. યુનેસ્કોને જે-તે આર્દ્રભૂમિને ‘રામસર સાઈટ’ જાહેર કરવાં માટે દરખાસ્ત કરવામાં આવે છે. યુનેસ્કોની ટીમ દ્વારા જરૂરી તપાસ કરીને જે-તે સ્થળને ‘રામસર સાઈટ’ જાહેર કરવામાં આવે છે. દેશમાં ‘રામસર સાઈટ’ જાહેર થયાં બાદ જે-તે વિસ્તારને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ ઓળખ મળવાની સાથે તેની જૈવસંપદાના સંરક્ષણ માટે વિશેષ બળ અને પ્રયત્ન થાય છે. આ ઉપરાંત, જે તે રાજ્ય સરકાર દ્વારા ‘રામસર સાઈટ’ માટે વિશેષ અનુદાન આપવામાં આવે છે. ગુજરાતમાં આવેલા વઢવાણ, નળસરોવર, થોળ અને ખીજડીયા બર્ડ અભયારણ્યનો રામસર સાઈટમાં સમાવેશ થાય છે, આ ચાર સાઈટ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આપણાં દેશમાં અત્યાર સુધીમાં ૭૫ આર્દ્રભૂમિ (વેટલેન્ડ) વાળા વિસ્તારોમાં પોષિત થઈ રહેલી જૈવ વિવિધતાને ધ્યાને રાખીને તેને ‘રામસર સાઈટ’ તરીકે જાહેર કરવામાં આવી છે. ભારતમાં ‘રામસર સાઈટ’ હોય તેવી આર્દ્રભૂમિનો કુલ વિસ્તાર ૧૩,૨૬,૬૭૭ હેક્ટર જેટલો છે. ગુજરાતમાં ‘રામસર સાઈટ’ તરીકે ચાર સ્થળોમાં વર્ષ-૨૦૧૨માં અમદાવાદ નજીક નળ સરોવર પક્ષી અભયારણ્ય, વર્ષ-૨૦૨૧માં મહેસાણા જિલ્લાના થોળ તળાવ પક્ષી અભયારણ્ય, વડોદરા જિલ્લાના ડભોઈ નજીક વઢવાણા તળાવ અને જામનગર જિલ્લાના ખીજડિયા પક્ષી અભયારણ્યને ‘રામસર સાઈટ’ જાહેર કરવામાં આવી છે. આ ચારેય સાઈટનો કુલ વિસ્તાર ૧૩,૮૪૧ હેક્ટર જેટલો થાય છે. કુલ ત્રણ પ્રકારની ‘રામસર સાઈટ’ હોય છે.
જેમાં દરિયાઈ અને દરિયાઈ પટ્ટી, આંતરિક આર્દ્રભૂમિ અને માનવ સર્જિત આર્દ્રભૂમિ એમ ત્રણ પ્રકાર છે. દેશમાં કુલ ૭૫ ‘રામસર સાઈટ’ છે. જેમાં સૌથી વધુ ‘રામસર સાઈટ’ તામિલનાડુમાં ૧૪, તે બાદ ઉત્તરપ્રદેશમાં ૧૦ સાઈટ છે. જ્યારે, હિમાચલ પ્રદેશમાં ૩, કર્ણાટક, ત્રિપુરા, ઉત્તરાખંડ, ગોવા, મણિપૂર, મિઝોરમ, આસામ, આંધપ્રદેશ અને બિહારમાં એક-એક સાઈટ આવેલી છે. જમ્મુ કાશ્મીરમાં પાંચ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, લદ્દાખમાં બે-બે, કેરળ અને મહારાષ્ટ્રમાં ત્રણ-ત્રણ, પંજાબ, ઓડિશામાં છ-છ, એવી જ રીતે ગુજરાત અને મધ્યપ્રદેશમાં ચાર-ચાર રામસર સાઈટ છે. રાજ્યની ચારેય ‘રામસર સાઈટ’ ઉપર શિયાળામાં મધ્ય એશિયાથી આવતા સેંકડો યાયાવર પક્ષીઓનો જમાવડો થાય છે.
રાજ્ય સરકાર દ્વારા પણ આ સાઈટને વિકસાવવાં માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. વિકાસ સાથે પ્રકૃતિનું પણ જતન અને સંવર્ધન થાય તે સમયની માંગ છે. પ્રકૃતિની સમતુલા જાળવવાં માટે તે જરૂરી છે તેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પણ નવી નવી સાઈટોને ‘રામસર સાઈટ’ તરીકે જાહેર કરવામાં આવે તે માટે રાજ્યના વન વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સુરતના તાપી કિનારા સહિત શહેરના અન્ય વિસ્તારમાં શિયાળાની શરૂઆત સાથે જ વિદેશી પક્ષીઓનું આગમન થઈ જાય છે. સુરતમાં આવતા આ વિદેશી પક્ષીઓ માર્ચ મહિનો શરૂ થાય એટલે સુરતમાંથી વિદાય પણ લઈ લેતા હોય છે.
શિયાળો શરુ થતા જ સુરતમાં વિવિધ પ્રજાતિના યાયાવર-સ્થળાંતર કરતા પક્ષીઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે. વિદેશી પક્ષીઓ માટે તાપી નદી તેમજ ગવિયર લેક પસંદગીની જગ્યાઓ છે. સાઇબિરિયન ક્રેઈન્સ, ગ્રેટર ફ્લેમિંગો, રફ્ફ, બ્લેક વિંગ્ડ સ્ટિલ્ટ, બ્લુ થ્રોટ, બ્રાહ્મિણી, એસ્પ્રે, હેરિયરની, ઈગલ, કુટ, વિદેશી બતક, લાર્ક, વિજયન(પિયાસણ), શોવલર( ગયણો), પિનટેઈલ( સિંગપર),ગાર્ગેની (ચેતવા), કોટન ટીલ (ગિરજા), કોમન ટીલ (નાની મુરઘાબી), સ્પોટબોઈલ ડક( ટીલીયાળી બતક), કોમન પોચાર્ડ ( રાખોડી કારચીયા) જેવી અનેક પ્રજાતિના પક્ષીઓ સુરત સહિત દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવે છે. સુરતમાં કજાકિસ્તાન, ઓસ્ટ્રિયા જેવા દેશોના પક્ષીઓ પણ મહેમાન બને છે. કેટલાય પક્ષીઓ તો હજારો કિલોમીટરનો દરિયો પાર બનીને નિયત જગ્યા પર પહોંચી જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application