Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે યોજાયો 'વિશ્વ આદિવાસી દિવસ'

  • August 09, 2021 

'વિશ્વ આદિવાસી દિવસ' એ ફક્ત વિશ્વના આદિવાસીઓનો ઉત્સવ નથી, પરંતુ એ વિશ્વને જીવંત રાખનાર આદિવાસીઓનો ઉત્સવ છે તેમ જણાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આહવા ખાતે પ્રકૃતિપૂજક આદિવાસી પ્રજાએ વિશ્વને હિંદુ સંસ્કૃતિની શીખ આપી છે તેમ જણાવ્યુ હતુ.

 

 

 

 

રાજ્યના આદિજાતિ વિસ્તારોમા વનબંધુઓના વિકાસ માટે કટિબધ્ધતા અને પ્રતિબધ્ધતાનો આમ જનતાને અહેસાસ કરાવતી રાજ્ય સરકારના અભિગમનો ખ્યાલ આપતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પાંચ વર્ષના સુશાસનમા આદિજાતિ લોકોનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે, તેમ આહવા ખાતે જણાવ્યુ હતુ.

 

 

 

રાજ્યભરમા તા.૯મી ઓગસ્ટે ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિતે જૂદા જુદા ૫૩ આદિવાસી તાલુકાઓમા વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરી, વનબંધુહિતલક્ષી દિર્ઘદ્રષ્ટીપુર્ણ યોજનાઓની સાથોસાથ છેવાડાના લાભાર્થી સુધી તે યોજનાનો લાભ મળે તેનુ રીયલ ટાઇમ ફોલોઅપ, અને સમયબધ્ધ આયોજનને કારણે રાજ્ય આદિજાતિ વિસ્તારના લોકોની આર્થિક, સામાજિક વિકાસની પ્રક્રિયા ઝડપી બની છે તેમ જણાવ્યુ હતુ.

 

 

 

આદિજાતિ વિસ્તારની માળખાકીય સુવિધાઓ તેમજ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક એમ સર્વાંગી વિકાસની દિશામા આદિજાતિ સમુદાયે નવા આયામો સિધ્ધ કર્યા છે, તેમ જણાવી રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વનબંધુ કલ્યાણ યોજના ફેઝ-૨ અંતર્ગત આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રૂ।.૧ લાખ કરોડ ફાળવ્યા છે,જેના થકી નવ લાખ આદિજાતિ પરિવારો માટે રોજગારીની તકોનું નિર્માણ થયુ છે, તેમ જણાવ્યુ હતુ.

 

 

 

ઇતિહાસમા આદિવાસીઓના પરાક્રમો, બલિદાનો સ્વર્ણ અક્ષરે આલેખાયા છે, તેમ જણાવતા ત્રિવેદીએ  પારદર્શક અને નિર્ણાયક સરકાર દ્વારા ખુબ જ સંવેદનશીલતા સાથે સર્વસમાવેશક સમતોલ વિકાસ કાર્યો કરીને જ્ઞાતી, જાતિલક્ષી વિકાસના સિમાડાઓને રાજ્યમાંથી ઉખાડી બતાવ્યા છે. રાજ્યના અંતરિયાળ તથા સાવ છેવાડાના વિસ્તારોમા પણ મહાનગરોની માફક જ અનેક વિકાસ પ્રોજેક્ટ્સ મુકીને રાજ્ય સરકારે ગુજરાત મોડેલને સ્માર્ટ સ્ટેટ બનાવવાની દિશા તરફ અનેકવિધ નવતર આયામો હાથ ધર્યાં છે જેના પરિણામે ગુજરાત આજે દેશનું રોલમોડલ પૂરવાર થઈ રહ્યું છે, તેમ ઉમેર્યું હતુ.

 

 

 

અંબાજી થી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીના વિસ્તારમા ૧૪ જિલ્લાઓ, ૫૩ જેટલા તાલુકાઓ, ૪ હજાર કરતાવધારે ગામડાઓમા૯૦ લાખ જેટલાઆદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. આ સમાજના સર્વાંગી વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘સબકા સાથ,સબ કા વિકાસ’ના સૂત્રને સાર્થક કરવા વનબંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. અત્યાર સુધીમાઆદીવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રોડ, રસ્તા, સિંચાઇ, શિક્ષણ, આરોગ્ય, પીવાનુ પાણી વિગેરે સગવડો માટેના કામો થયા છે, અને આ જ યોજનાને આગળ ધપાવી રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વનબંધુ કલ્યાણ યોજના ફેઝ-૨ની જાહેરાત કરીને આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રૂ।.૧લાખ કરોડની ફાળવણી કરી છે. જે અંતર્ગત નવ લાખ આદિજાતિ પરિવારો માટે રોજગારીની તકોનું નિર્માણ કરવામાઆવશે. છેલ્લા ૧૩ વર્ષમા વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત રૂ।.૯૭ હજાર કરોડની રકમ આદિજાતિ વિસ્તારના વિકાસ માટે વાપરવામા આવી છે, તેમ જણાવતા ત્રિવેદીએ રાજયના આદિજાતિ વિસ્તારની માળખાકીય સુવિધાઓ તેમજ આદિજાતિ સમુદાયના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક એમ સર્વાંગી વિકાસની દિશામાઆદિજાતિ સમુદાયે નવા આયામો સિધ્ધ કર્યા છે, તેમ ઉમેર્યું હતુ. 

 

 

 

આદિવાસી સંસ્કૃતિના ભવ્ય વારસાને દેશ અને દુનિયા સમક્ષ પ્રસ્તુત કરવા તથા આ ભવ્ય સાંસ્કૃતિક ધરોહરથી લોકો માહિતગાર થાય એ માટે રૂ. ૧૦૩ કરોડના ખર્ચે આદિજાતિ વીર સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદમારાજયના નર્મદા જિલ્લામા“રાષ્ટ્રીય કક્ષાનુઆદિવાસી વીર સ્વાતંત્ર્ય સેનાની" નુ ભવ્ય મ્યુઝિયમ ઉભુ કરવામા આવી રહ્યુ છે તેમ જણાવી અધ્યક્ષશ્રીએ રાષ્ટ્રીય મ્યુઝિયમમા મુખ્ય આકર્ષણો તરીકે ૩ડી પેનોરમા, ડી ડિસ્પ્લે, લેસર, અને કમ્પ્યુટર ટેકનિકથી આદિવાસી સાંસ્કૃતિક વારસો પ્રસ્તુત કરાશે તેમ જણાવ્યુ હતુ.આ સાથે આદિવાસી સ્વાતંત્ર્ય વીરોની ભવ્ય જીવન ઝાંખીની સહેલાણીઓને જાણકારી પણ ઉપલબ્ધ થશે. ૭૦ એકર જમીનમા ઊભુ થનારુ આ મ્યુઝિયમ દેશ અને રાજ્યોની એકતા અને અખંડિતતાને સુપેરે પ્રસ્તુત કરશે. 

 

 

 

આદિવાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે રાજ્યભરમા ટેકનોલોજીથી સજજ ૩૪ એકલવ્ય મોડેલ સ્કૂલ કાર્યરત છે. જેમા ડિજિટલ બોર્ડ, ઓવરહેડ પ્રોજેકશન, કમ્પ્યુટર અને ઈન્ટરનેટ સાથે આધુનિક શિક્ષણની સવલતો ઉપલબ્ધ કરાવાઈ છે, અને આદિવાસી બાળકોને વર્લ્ડ ક્લાસ અધતન સવલતો સાથે અભ્યાસની તક પૂરી પાડી છે. સાથે સાથે ૭૬૫ જેટલી આશ્રમ શાળાઓ, આદર્શ નિવાસી શાળાઓ અને એક્લવ્ય શાળાઓના ૧ લાખ ૩૫ હજાર વિધાર્થીઓને રહેવા, જમવા તથા અભ્યાસની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. 

 

 

 

રાજ્ય સરકારે નર્મદા જિલ્લામા“ગુજરાત રાજય ટ્રાયબલ યુનિવર્સિટી” સ્થાપવાનો નિર્ણય કયો છે, તેમ જણાવતા આ યુનિવર્સિટીની સ્થાપનાનો મુખ્ય હેતુ રાજયના આદિજાતિ સમુદાયના વિધાર્થીઓને ઉચ્ચ અને ગુણવત્તાયુકત શિક્ષણ પુરૂ પાડવા સાથે,રોજગારક્ષમ ટેકનીકલ ડીપ્લોમા, સર્ટીફીકેટ કોર્સ જેમાઆદિજાતિ વિસ્તારના રોજગાર ક્ષેત્રોને કાર્યક્ષમ બનાવવા ડેરી, અને ડેરી આધારિત ઉધોગ, કૃષિ તથા વન આધારિત કુશળતાઓનો વિકાસ, વિજ્ઞાન, ટેકનીકલ, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોનાવિભાગો શરૂ કરવામાઆવી રહ્યા છે, તેમ પણ તેમને આ વેળા જણાવ્યુ હતુ. બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની સ્થાપના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાનર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતનગર ગામના૧૬ હેકટર જેટલી જમીન રાજય સરકારે ફાળવી છે તેમ પણ અધ્યશશ્રીએ આ વેળા જણાવ્યુ હતુ.

 

 

 

રાજ્ય સરકારના સુશાસનના કાર્યક્રમો અંતર્ગત તા. ૯મી ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ ગુજરાતભરમા‘વિશ્વ આદિવાસી દિવસ’ અંતર્ગત ૫૩ આદિવાસી તાલુકામા વિવિધ કાર્યક્રમો યોજવામા આવ્યો છે, તેમ જણાવી રાજેન્દ્ર ત્રિવેદીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે રાજપીપળા ખાતેથી  પ લાખ વિદ્યાર્થીઓને પ્રીમેટ્રીક શિષ્યવૃત્તિ હેઠળ રૂ. ૮૦ કરોડની ચુકવણી, બીરસા મુંડા આદિવાસી વિશ્વ વિદ્યાલયનુ ખાતમુહૂર્ત, હળપતી આવાસ યોજના હેઠળ ૨૦૦૦ આવાસો તેમજ અન્ય આવાસ યોજના હેઠળ ૧૦૦૦ આવાસોના હુકમો, વ્યક્તિગત યોજનાના કુલ ૨૦૦૦૦ લાભાર્થીઓને રૂ. ૫૬ કરોડની સહાયનુવિતરણ,  રૂ.૩૫૫ કરોડના ખર્ચે ૧૪૯ કામોનુ લોકાર્પણ, અને રૂ. ૪૬૨ કરોડના ખર્ચે ૩૭ કામોનુ ખાતમુહર્ત એમ કુલ ૮૧૭ કરોડ રૂપિયાના વિકાસકામોનો લાભ રાજ્યભરની આદિવાસી જનતાને અર્પણ કરી રહ્યા છે, તેમ પણ તેમણે જણાવ્યુ હતુ.

 

 

 

 

ઉજવણી કાર્યક્રમ દરમિયાન આદિવાસી ઈતિહાસની ઝાંખી કરાવી ભાજપા પ્રમુખ દશરથભાઈ પવારે સ્થાનિક ડાંગી બોલીમા પેસા એકટની વિગતો આપી પ્રકૃતિના જતન સવર્ધન સાથે વન વિસ્તારને વિકૃતિથી બચાવવાની હિમાયત કરી હતી. તો જિલ્લાના સંગઠન પ્રભારી શ્રીમતી સીતાબેન નાયકે ઉપસ્થિત સૌને સુખ, સમૃદ્ધિની શુભકામનાઓ પાઠવી આ ઉજવણી ત્યારે જ સાર્થક બને જયારે સમાજનો સર્વાંગીણ વિકાસ થાય તેમ જણાવ્યુ હતુ. ટીમ ડાંગને ઉત્કૃષ્ઠ કામગીરી દાખવવા બદલ પણ તેમણે અભિનંદન પાઠવ્યુ હતુ.

 

 

 

આહવા ખાતે યોજાયેલા 'વિશ્વ આદિવાસી દિવસ' ઉજવણી કાર્યક્રમ દરમિયાન રમતગમત ક્ષેત્રે ડાંગ સહીત રાજ્ય અને દેશને ગૌરવ અપાવનાર ડાંગની દીકરી અને ગોલ્ડન ગર્લ કુ.સરિતા ગાયકવાડ સહીત સંરક્ષણ ક્ષેત્રે વિશિષ્ઠ કામગીરી કરનારા પોલીસકર્મીઓ, શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ઠ સિદ્ધિ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓ, ખેતી ક્ષેત્રે નવિનતમ ટેકનોલોજીના ઉપયોગ સાથે અન્યો માટે પ્રેરણારૂપ બનનારા અગ્રણી ખેડૂત, આરોગ્ય સેવાના કર્મયોગીઓ, અને ડાંગ જિલ્લાની પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિનો વ્યાપ વધારાના વૈધરાજો નુ યથોચિત સન્માન કરાયુ હતુ.

 

 

 

 

આ ઉપરાંત અહી વન અધિકાર ધારો, પ્રધાનમંત્રી વનધન વિકાસ કાર્યક્રમ, વન વિભાગની માલિકી યોજના, આદિજાતિ વિકાસ વિભાગની કુવરબાઈનુ મામેરૂ, વ્યકતિગત મકાન, માનવ ગરિમા યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ, ખેતીવાડી અને બાગાયત વિભાગની યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભો એનાયત કરાયા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application