Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિશ્વ હ્રદય દિવસ : વર્ષ ૨૦૨૩ની થીમ ‘‘Use heart, know heart’’છે એટલે કે તમારા હ્રદયને જાણો અને કાળજી લો

  • September 30, 2023 

વલસાડ સિવિલ હોસ્પિટલના તબીબે હાર્ટ એટેકના કારણો અને તેનાથી બચવા માટેના ઉપાયો પણ સૂચવ્યા વર્તમાન સમયમાં અત્યાધુનિક જીવનશૈલી અને સ્ટ્રેસના કારણે નાની ઉંમરમાં હ્રદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે. હ્રદયના સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા દર વર્ષે ૨૯ સપ્ટેમ્બરને વિશ્વ હ્રદય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ ‘‘Use heart, know heart’’ રાખવામાં આવી છે. એટલે કે તમારા હ્રદયને જાણો, તેના વિશે લોકો સાથે વાત કરો, લોકોમાં જાગૃતિ આવશે તો કાળજી રાખશે. પરંતુ બદલાતી જતી લાઈફ સ્ટાઈલની સાથે સાથે હાર્ટ એટેકના બનાવો પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને આજકાલ ૨૫થી ૪૦ વર્ષની યુવા વયમાં જ હાર્ટ એટેકથી મોતના વધતા બનાવોએ બધાને હચમચાવી દીધા છે. ત્યારે વાત કરીએ વલસાડ જિલ્લાની તો વલસાડ જિલ્લામાં એક મહિનામાં અંદાજે ૧૮૦થી ૨૦૦ જેટલી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે.



હાર્ટની બિમારીના વધતા જતા બનાવો વચ્ચે ભારત સરકારના આયુષ્યમાન કાર્ડએ હજારો લોકોને જીવલેણ હાર્ટની બિમારી સામે કવચ પુરૂ પાડી નવુ જીવન આપ્યુ છે. વર્તમાન પત્રો કે સોશિયલ મીડિયામાં આપણે દર બીજા ત્રીજા દિવસે એવા દુઃખદ સમાચાર વાંચીએ છીએ કે, જીમ કરતા કરતા યુવકનું હાર્ટ એટેકથી મોત, પાર્કિગમાં વાત કરતા કરતા યુવક ઢળી પડ્યો, બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરતા યુવકનું હ્રદય રોગના હુમલાથી મોત, સ્કૂલમાં ભણતા ભણતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત. પહેલાના સમયમાં હાર્ટ એટેકના બનાવ ૫૦ કે ૬૦ વર્ષની ઉંમર બાદ જોવા મળતા હતા પરંતુ હવે ૨૫-૩૦ વર્ષમાં પણ હાર્ટ એટેકથી મોતના બનાવ વધ્યા છે. તેની સામે જાગૃત્તિ કેળવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો થઈ રહ્યા છે.



વિશ્વ હ્રદય દિવસ નિમિત્તે વલસાડ સિવિલ હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ ડો. અકેન દેસાઈએ જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં મહિનામાં ૪૦ થી ૫૦ દર્દી હાર્ટને લગતી બિમારીના આવે છે. જો જિલ્લાની ખાનગી હોસ્પિટલોની પણ વાત કરીએ તો મહિનામાં ૨૦૦ જેટલા કેસમાં એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડે છે. અત્યારના સમયમાં ૪૦ વર્ષની નીચેની વયમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. જેના માટે માનસિક તાણ, સ્પર્ધાત્મક લાઈફ, અનિયમિત ઉંઘ, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ, સ્મોકિંગ અને આલ્કોહોલ, અનિયમિત ખોરાક, જંકફૂડનું વધતુ પ્રમાણ, જીનેટીક ફેકટર અને બેઠા બેઠા કામ કરવુ (બેઠાળુ જીવન) સહિતના પરિબળો કામ કરી રહ્યા છે. હાર્ટ એટેકના બનાવમાં વિદેશોની તુલનાએ ભારત ૧૦ વર્ષ આગળ છે. વિદેશમાં દર ૧ લાખની વસ્તીએ ૨૩૫ તો ભારતમાં ૨૭૨ લોકોના હાર્ટ એટેકના કારણે અકાળે મોત થાય છે.



આ સિવાય ડાયાબીટીસ અને હાઈપર ટેન્શનનું પ્રમાણ વધતા હાર્ટ એટેકનું પ્રમાણ પણ વધે છે. ધરમપુર અને કપરાડા તાલુકાના આદિવાસી વિસ્તારોમાં હજુ પણ હાર્ટની બિમારીને લગતી જાગૃતિનો અભાવ જોવા મળે છે. જો છાતીમાં દુઃખાવો થાય તો સોડા પી લે છે અથવા તો હિંગ લગાવી લે છે. ટૂંકમાં કહીએ તો જાતે જ ઘરગથ્થુ ઉપાય કરી લે છે. હાર્ટની બિમારીમાં તત્કાલ સારવાર મળવી જરૂરી છે, જેટલો વિલંબ થાય તેટલુ જોખમ વધી જાય છે. હાર્ટ એટેકના કારણે અચાનક મોત થાય એવુ હોતુ નથી પરંતુ હકીકતમાં લોકો ડાયગ્નોસીસ કરાવતા નથી. સમયાંતરે ઈસીજી, ઈકો અને ટ્રેડ મિલ ટેસ્ટ કરાવતા રહે તો પોતાના હાર્ટની કાળજી લઈ શકાય છે. હાર્ટ એટેકના બનાવોને અટકાવવા માટેના ઉપાયો જણાવતા ડો. દેસાઈએ વધુમાં કહ્યું કે, માનસિક તાણમાંથી મુક્તિ મેળવવા માટે યોગ અને મેડિટેશન જરૂરી છે.



એમ કહેવાય છે કે, રોજની ૫ સિગારેટ પીવા થી જેટલુ નુકસાન થાય છે એટલુ નુકસાન બેઠાળુ જીવનથી થાય છે. જેથી ઓછામાં ઓછી રોજના ૩૦ મિનીટ કસરત કરવી જોઈએ. સ્મોકીંગ અને આલ્કોહોલ બંધ કરવુ, ખોરાકમાં લીલા શાકભાજી અને ફળનો ઉપયોગ. ફરસાણ અને મીઠાઈનું પ્રમાણ ઘટાડવુ અને નિયમિત હેલ્થ ચેકઅપ કરાવતા રહેવુ જોઈએ. આ સિવાય ખાંડ, મીઠુ, સાબુદાણા, પોલીશ્ડ રાઈસ અને મેદા સહિતની પાંચ સફેદ કલરની વસ્તુને એવોઈડ કરવી જોઈએ. આ કારણસર પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ ઓછુ જોવા મળે છે સિવિલ હોસ્પિટલના ડો. અકેન દેસાઈ જણાવે છે કે, સ્ત્રીની સરખામણીએ પુરૂષોમાં હાર્ટ એટેકના બનાવ વધુ જોવા મળે છે. સ્ત્રીમાં માસિક સ્ત્રાવ બંધ થયા પછી હાર્ટ એટેકનું પ્રમાણ વધુ જોવા મળે છે.



માસિકધર્મ ચાલુ હોય ત્યાં સુધી હોર્મોન્સ કુદરતી રીતે કાર્ડિયો પ્રોટેકટ કરતા હોવાથી હાર્ટ એટેકની શક્યતા ઓછી રહે છે. આ સિવાય સ્ત્રીઓમાં સ્ટ્રેસ અને વ્યસનનું પ્રમાણ પણ પુરૂષોની તુલનાએ ઓછુ હોય છે. જેથી સ્ત્રીઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ ઓછુ જોવા મળે છે. હાર્ટના દર્દીઓ માટે ખરા અર્થમાં આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન ભવઃ સાબિત થયો હાર્ટ એટેકના વધતા જતા બનાવો સામે ભારત સરકારની આયુષ્યમાન કાર્ડ યોજના વરદાન સમાન બની હોવાનું જણાવતા ડો. અકેન દેસાઈ વધુમાં કહે છે કે, વલસાડ જિલ્લામાં ૨૦૦ એન્જીયોપ્લાસ્ટી થતી હોય તેમાંથી અંદાજે ૧૬૦ દર્દી આયુષ્યમાન કાર્ડ ધરાવતા હોય છે. પહેલા આયુષ્યમાન કાર્ડ ન હોવાથી ગરીબ વર્ગના લોકો આર્થિક સમસ્યાને કારણે ઈલાજ કરાવી શકતા ન હતા પરંતુ હવે આ કાર્ડથી લોકો નિશ્ચિત બનીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પહોંચી જાય છે.



જેના કારણે તેઓ હવે લાંબુ આયુષ્ય જીવે છે. આયુષ્યમાન કાર્ડ હકીકતમાં દર્દીઓ માટે આયુષ્યમાનભવ સાબિત થઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં બે વર્ષમાં ૧૪૫ બાળકોમાં જન્મજાત હ્રદયની બિમારી જોવા મળી રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરબીએસકેની વલસાડ જિલ્લામાં કુલ ૩૦ ટીમ કાર્યરત છે. જેના કુલ ૧૨૦ સ્ટાફ દ્વારા સમયાંતરે શાળા અને આંગણવાડીઓમાં બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે. આ સિવાય સરકારી દવાખાનાના સ્ટાફ દ્વારા પણ બાળકોની તપાસ કરવામાં આવે છે. જે અંગે વલસાડ જિલ્લા આરોગ્ય ખાતાના આરસીએચઓ ડો.એ.કે.સિંઘે જણાવ્યું કે, જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૦૭ અને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૩૮ બાળકો એવા મળ્યા છે કે જેઓમાં જન્મજાત હ્રદય રોગની બિમારી છે. જેથી તેઓને અમદાવાદ યુ.એન.મહેતા હાર્ટ ઈન્સ્ટીટ્યુટમાં રીફર કરી આયુષ્યમાન કાર્ડ હેઠળ સર્જરી કરાવી નવુ જીવન આપવામાં આવ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application