Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ૯મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

  • August 09, 2024 

નર્મદા જિલ્લાના દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે ૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને મધ્યમ ઉદ્યોગ, લેખન સામગ્રી, પ્રોટોકોલ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોધ્યોગ, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જગદિશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સાદગી અને ગૌરવપૂર્ણ રીતે ઉજવણી કરાઈ હતી. પ્રારંભમાં મંત્રીએ યાહામોગી ચોકમાં બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી ભાવ વંદના કરી હતી. તેમની સાથે ભરૂચના સાંસદ, આદિવાસી અગ્રણીઓ પણ જોડાયા હતા. મંત્રી સભા સ્થળે આવી પહોંચતા સૌ પ્રથમ ભગવાન બિરસા મુંડા અને યાહામોગી માતાની પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખૂલ્લો મૂક્યો હતો. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે બે આદિવાસી યુવકોના મોતની ઘટના અંગે બે મિનિટ મૌન પાળી પરિવાર પર આવી પડેલી દુઃખની ઘડી સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી.


અને પ્રોટોકોલ મંત્રીએ સ્વાગતમાં પુષ્પો અને સાંસ્કૃતિક કાર્યક્રમને મોકુફ કરવામાં આવ્યા હતા. અને સીધા જ આદિવાસી બાંધવોને પ્રેરક ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી જગદિશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારથી ગાંધીનગરથી નીકળ્યો ત્યારથી શહેરના ઘોંઘાટ અને શહેરી વાતાવરણમાંથી જેવો નર્મદા જિલ્લામાં પ્રવેશ્યો ત્યારે કુદરતના ખોળે પ્રકૃતિ વચ્ચે આહલાદક વાતાવરણમાં એક તાજગીનો મેં અનુભવ કર્યો અને તમને મળીને ખૂબ આનંદ અને ગૌરવ અનુભવું છું. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, જળ, જંગલ, જમીન અને પર્યાવરણ સાથે જોડાયેલી આદિવાસી સમાજની ભવ્ય પ્રાચીન સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવા માટે આ દિવસનું અનોખું મહત્વ છે.


ત્યારે રાજ્યના ૨૭ તાલુકાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી આજે થઈ રહી છે. સમગ્ર વિશ્વમાં પર્યાવરણ બચાવવાનું, સંસ્કૃતિને બચાવવાનું કામ જો કોઈએ કર્યું હોઈ તો તે તમેજ છો. અને મારા આદિવાસી સમાજે કર્યું છે. પ્રકૃતિના ખોળે રહેતી આ પ્રજા પડકારોને પહોંચી વળવાની ક્ષમતા ધરાવતી ખમીરવંતી ‘‘પરિશ્રમી પ્રજા’’ છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિજાતિના અનેક સપૂતોની ત્યાગ, સમર્પણ અને બલિદાનની યશ ગાથાઓ આજે આપણને પ્રેરણા આપે છે. દેશની આઝાદીની લડાઈમાં દેશના અનેક રાજ્યોના આદિવાસીઓએ બલીદાનો આપ્યા. જેમાં બિરસા મુંડા, તાત્યા ભીલ, રાણી ગેડીનુલીયું, તિરોતસિંગ, અલોરી સીતારામ રાજુ, જાંબુઘોડાના રૂપા નાયકા વગેરેનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે.


માનગઢમાં ગોવિંદ ગુરુની આગેવાની હેઠળ અંગ્રેજો સામે લડતા જલિયાવાલા બાગ કરતાં પણ વધુ ૧૫૦૦ જેટલા આદિવાસીઓએ માતૃભૂમિ અને દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. મહિસાગર જિલ્લામાં માનગઢ ક્રાંતિના મહાનાયક શ્રી ગોવિંદગુરૂ અને તેમના અનુયાયીઓ એવા આદિવાસી સમાજે અંગ્રેજોને ધુળ ચાટતા કર્યા હતાં અને લડતાં લડતાં ૧૫૦૦ આદિવાસીઓ શહીદ થયા હતા. ૧૮૫૭ના વિપ્લવ વખતે ઝાંસીની રાણીને મધ્ય ગુજરાત આદિવાસીઓ મેવાસી સ્ટેટના ભીલ શાસકોએ મદદ કરી હતી. ગુજરાતમાં અંબાજી થી ઉમરગામ સુધીના ૧૪ જિલ્લાઓના ૫૨ તાલુકામાં ૯૦ લાખ જેટલો આદિવાસી સમાજ વસવાટ કરે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે બહાદુર આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓને સન્માનિત કરવા બિરસા મુંડાના જન્મદિવસ ૧૫ નવેમ્બરને ‘જન જાતીય ગૌરવ દિવસ’ તરીકે મનાવવાનું નક્કી કર્યું.


શ્રી નરેન્દ્રભાઇ મોદી જે વખતે મંખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૦૭માં આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનાની જાહેરાત કરી જેના થકી આદિવાસી વિસ્તારોમાં શાળાઓ, કોલેજો, રસ્તાઓ, પીવાના પાણીની સગવડ, ૨૪ કલાક વિજળી આપણને મળી. વનબંધુ કલ્યાણ યોજના-૧, વર્ષ ૨૦૦૭થી વર્ષ ૨૦૨૦-૨૧ સુધી અમલીત હતી, જેની ભવ્ય સફળતા બાદ વર્ષ ૨૦૨૧-૨૨ થી વર્ષ - ૨૦૨૪-૨૪ સુધી વનબંધુ કલ્યાણ યોજના - ૨ અંતર્ગત રૂપિયા એક લાખ કરોડના આયોજનની વિચારણા ક૨વામાં આવેલ છે. આ માટે પ્રથમ વર્ષ ૨૦૨૦-૨૧ માં રૂપિયા ૧૪૪૬૩ કરોડ બજેટ જોગવાઈ ક૨વામાં આવેલ જે વધારીને વર્ષ ૨૦૨૪-૨૫માં રૂપિયા ૨૨૦૨૫ કરોડ ક૨વામાં આવી છે. આદિવાસી લોકોના શિક્ષણ માટે ગોધરા ખાતે ગોવિંદગુરુ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં આદિજાતિ વિસ્તારના હજ્જારો વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ લઈ રહ્યાં છે.


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ લાલકિલ્લા પરથી જાહેરાત કરીને રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે દેશનું પહેલું ટ્રાયબલ ફ્રિડમ ફાઇટર મ્યુઝીયમ ગુજરાતને આપ્યું છે. રાષ્ટ્રીય કક્ષાનું આ મ્યુઝિયમ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે ઉભુ થઇ રહ્યું છે. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓના અમલીકરણ માટે દર વર્ષે ગુજરાત સરકાર સરેરાશ રૂપિયા ૨૫૦૦ કરોડનો ખર્ચ કરે છે. PM જનમન અભિયાન હેઠળ આદિમજૂથના કુટુંબો અને વિસ્તારની જરૂરીયાતોની ખુટતી સુવિઘાઓની પૂર્તિ માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આદિમજૂથના કુટુંબોને આવાસની સુવિધા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ ૭૧૨૩ લાભાર્થીઓને આવાસ સહાય મંજૂર કરેલ છે. આદિમજૂથના બાળકોનો શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભા૨ત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ૧૧ નવી છાત્રાલયો શરૂ ક૨વાની દરખાસ્તને મંજૂરી આપેલ છે.


અંતરીયાળ તેમજ ઉંચાણવાળા વિસ્તારોમાં વસવાટ ક૨તા ૨૮૦૩ આદિમજૂથ કુટુંબોને શુદ્ધ પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી. ૬૪૭૩ આદિમજૂથ કુટુંબોને વીજ જોડાણની સુવિધા પૂરી પાડી છે. ૧૦૫૧ આદિમજૂથના ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડની ફાળવણી ક૨વામાં આવી છે. PM જનધન યોજના હેઠળ ૧૨૨૨૯ આદિમજૂથના વ્યક્તિઓના બેંક ખાતાઓ ખોલવામાં આવેલ છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં આદિજાતિના કુલ ૯૩૫ વિદ્યાર્થીઓ JEE તથા NEETમાં ઉત્તીર્ણ થયા છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧થી ૨૦૨૩ સુધીમાં કુલ ૪૫૨ આદિજાતિ વિદ્યાર્થીઓએ પ્રતિષ્ઠિત IIT, MBBS, BE/ B.Tech જેવા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ મેળવ્યો છે. ગુજરાત રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિના બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુથી કુલ ૧૦૫ શાળાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. વિદેશ ભણવા જવા માંગતા આદિજાતિ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે રાજ્ય સરકાર દ્વારા લોન સુવિધા પણ આપવામાં આવે છે.


વર્ષ ૨૦૨૩-૨૪માં અનુસૂચિત જનજાતિના ૪૮ વિદ્યાર્થીઓને વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે રૂપિયા ૬૪૧ લાખની લોન સહાય ચૂકવવામાં આવી છે. આદિવાસી વિસ્તારના બાંધવોના સ્વાસ્થ્યની ચિંતા કરી સિકલ સેલ એનીમિયાના દર્દીઓ માટે સરકાર વિશેષ ચિંતા કરી રહી છે. રાજ્ય સરકારે છેવાડાના આદિજાતિ વિસ્તારોમાં સતત વીજપુરવઠો મળી રહે તે માટે નવા સબ સ્ટેશનો ઉભા કરવામાં આવ્યા છે. વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ અમલીકરણમાં વર્ષ ૨૦૨૩-૨૪ દ૨મ્યાન ૧૦૩૬ દાવાઓની ૧૦૧૧ હેક્ટર વન જમીનના અધિકારોની મંજુરી આપવામાં આવી છે. જમીન સુધારણા, નાની સિંચાઈ, વીજળીકરણ, કૃષિ વૈવિધ્યકરણ તેમજ અન્ય આજીવિકાના ઉપાયો માટે વર્ષ ૨૦૨૩-૨૪માં જોગવાઈ મુજબ ફાળવેલ રૂપિયા ૩૯.૮૨ કરોડ સંદર્ભે ૧૭૦૮૦ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા છે.


આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસે આદિવાસી સમાજ વધુ સંગઠીત બને, વધુ ઉન્નતિ પામે તેવી આદિજાતિ બાંધવોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ પ્રસંગે ભરૂચના સાંસદએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય, દેશમાં અલગ અલગ ક્ષેત્રોમાં ઝડપભેર વિકાસ થઈ રહ્યો છે. તેમાં આદિવાસીઓ પણ વિકાસના વાહક બને અને રાજ્ય-કેન્દ્ર સરકારની યોજનાઓ થકી ખૂબ પ્રગતિ કરે તેવી આજના દિવસે શુભકામના પાઠવી હતી. અને સાંસદએ વધુમાં જણાવ્યું હતું કે, સ્વ.અટલ બિહારી બાજપેયીની સરકારમાં આદિવાસીઓ માટેનું અલગ મંત્રાલય ઊભું કરવામાં આવ્યું હતું.


જેના થકી આજે આપણને લાભ મળી રહ્યા છે. અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આદિવાસીઓના વિકાસની પુરેપુરી દરકાર કરી રહ્યા છે. આપણા સમાજ અને સંગઠનો પણ જાગૃત બની સરકારી યોજનાઓનો સુપેરે લાભ ઉઠાવે તેવી હિમાયત કરી હતી. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રેરક સંબોધન ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. મંત્રીશ્રી, સાંસદશ્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રે સિદ્ધી હાંસલ કરનાર આદિજાતિ તેજસ્વી તારલાઓને પ્રમાણપત્રો તેમજ આદિજાતિના લાભાર્થીઓને સહાયના મંજૂરી પત્રકો એનાયત કરાયા હતા. ત્યારબાદ શાળાના કેમ્પસમાં મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ કાર્યક્રમ બાદ આદિજાતિ આવાસ યોજનાના લાભાર્થી અને કાર્યકર્તાના ઘરે આદિવાસી ભોજનનો સ્વાદ પણ માણ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News