૧૮૧ નવસારી અભયમ હેલ્પલાઇન ટીમને વાંસદા પાસેના ગામમાંથી એક પરણિતા નો કોલ આવ્યો હતો કે તેના પતિ બાળકોની કાળજી લઈ શકે તેમ નથી જેથી મારી પાસે રાખું છું પરંતુ તેઓ અવારનવાર મને હેરાન કરે છે જેમાં મદદ કરવા વિનંતી કરતા અભયમ રેસ્ક્યુ ટીમ નવસારી તાત્કાલિક સ્થળ પર પહોંચી પતિ પત્નીને સમજાવવામાં સફળ રહયાં હતા.
૧૮૧ અભયમ હેલ્પલાઇન ટીમને મળતી માહિતી મુજબ વાંસદા તાલુકાની મહિલા ઉષાબેન (નામ બદલેલ છે) એ વિગતે માહિતી આપતા જણાવ્યું કે મારા લગ્નને આશરે ૧૩ વર્ષ થયા મારે સંતાનમાં એક ૧૦ વર્ષ દિકરી અને એક ૭ વર્ષનો દિકરો છે મારા પતિને પીવાની આદત છે તેથી કામધંધો કરતો નથી મારુ કે પરિવારનુ ભરણપોષણ કરતો નથી તેથી મે મજૂરી માટે જાઉં તો મારી પર વહેમ શંકા કરે છે અને મારપીટ કરે છે તેથી મે તેના ત્રાસથી કંટાળીને મારા બાળકોને લઇને મારા પિયર વલસાડ જિલ્લામા આવી હતી. ત્યાં પણ મારો પતિ વ્યસન કરી આવી ગાળગલોચ કરી ઝઘડો કર્યો હતો. જેથી તેમના પર પોલીસ કેસ કર્યો હતો. જેલમાંથી છૂટી આવ્યા બાદ મારા બે સંતાનોને લઇ ચાલી ગયા હતા. નારી અદાલતમાં કેસ થતાં બાળકોને આપવા જણાવેલ પરંતુ હવે તે આપવાની ના પાડે છે. મારા બાળકોને યોગ્ય શિક્ષણ અને કાળજી લઈ શકાય તે માટે મારી સાથે રાખવા માંગુ છું.
જેથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમે તેના પતિને સમજાવી તે કામધંધો કરે અને વ્યસન છોડી દેવા જણાવ્યું હતું. હાલ પૂરતા બાળકોની યોગ્ય કાળજી તથા ઉછેર લઈ શકાય તે માટે બાળકો તેમની માતા ઉષાબેન સાથે રહેશે આ ઉપરાંત તેઓ વ્યસન છોડી દેશે અને પરિવારની જવાબદારી સ્વીકારશે તો ઉષાબેન બાળકો સાથે સાસરીમાં આવવા તૈયાર છે તેમ સમજાવ્યું હતું. ઉષાબેનના પતિએ પત્નિ અને બાળકો સાથે શાંતિથી રહેવા સંમત થયા હતાં. આમ અભયમ કાઉન્સેલર ફાલ્ગુની પટેલ ના સફળતાપૂર્વકના પ્રયત્નથી સમાધાન કરી ઝઘડો શાંત કરવામાં સફળતા મળી હતી. પોતાને મળેલી મદદ બદલ ઉષાબેને નવસારી ૧૮૧ અભયમ ટીમ નો આભાર માન્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500