રાયગઢ જિલ્લાના મહાડ તાલુકામાં આવેલ બોરગાંવમાં બનેલી એક કરુણ ઘટનામાં દારૂડિયા પતિ સાથે થતા સતત વિવાદથી કંટાળી 30 વર્ષની એક મહિલાએ તેના 2 થી 10 વર્ષની ઉંમરના 6 બાળકોને કૂવામાં ધકેલી દીધા હતા. ત્યારબાદ તેણે પણ આ કૂવામાં ઝંપલાવી દીધું હતું. આ ઘટનામાં મહિલાના 6 એ 6 બાળકોનાં ડૂબી જવાથી મોત થયા હતા. જોકે ગામવાસીઓએ મહિલાને બચાવી લીધી હતી. જયારે આ કરુણ ઘટના સોમવારે રાત્રે બની હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી રૂના સહાની મૂળ યુપીની રહેવાસી છે અને અહીં છેલ્લા થોડા વર્ષોથી તેના દારૂડિયા પતિ અને 6 બાળકો સાથે ખરવલી-બોરગાવના નાના ગામ ઢાલકાડીમાં રહે છે. તેનો પતિ દારૂનો બંધાણી હોઈ અવાર નવાર દારૂ પીને તેને ત્રાસ આપતો હતો. જોકે મહિલાની મહાશક્તિ ખૂટી પડતા તે તેની પાંચ પુત્રી અને એક પુત્ર સાથે ગામના કૂવા પાસે આવી હતી અને એક પછી એક તમામને કૂવામાં ધકેલી દીધા બાદ તેણે પણ કૂવામાં છલાંગ લગાવી દીધી હતી.
આ સમયે પાસેના આદિવાસી વિસ્તારના લોકોએ આ દ્રશ્ય જોવું અને તરત જ દોડી આવ્યા હતા. તેમણે ડૂબતી મહિલાને ભારે પ્રયાસ બાદ કૂવામાંથી બહાર કાઢી હતી. જોકે મહિલાએ હકીકત જણાવતા તમામને ભારે આંચકો લાગ્યો હતો. ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસ અને પ્રશાસનને કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્રથમ પોલીસે મહિલા રૂના સહાનીને તાબામાં લીધી હતી અને બાદ સ્થાનિક લોકો, પ્રશાસનની મદદથી પોલીસે છ બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. પાણીમાં ડૂબી જવાથી છ એ છ બાળકોના મોત થયા હતા. બાળકોના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
મહિલા રૂના આ ઘટના બાદ 'શોક'માં સરી પડી હતી. તે કાંઈ કહેવાની સ્થિતિમાં નહોતી. તેથી તેણે આવું પગલું શા માટે ભર્યું તે બાબતની માહિતી તેણે આપી નહોતી. જયારે આ કરુણ ઘટનામાં રૂના સહાનીના છ બાળકો રોશની સહાની (ઉ.વ.10), કરિમા (ઉ.વ.8), રેશમા (ઉ.વ.6), વિદ્યા (ઉ.વ.5), શિવરાજ (ઉ.વ.3) અને રાધા (દોઢ વર્ષ)ના મોત થયા હતા. જયારે રૂનાનો પતિ ચિમ્પુરી સહાની (ઉ.વ.32) કડિયા કામ કરે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500