ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં જામન્યામાળ ગામ ખાતે ૬ જેટલા વ્યક્તિઓ ડાકણ વિધિ કરી રહ્યા હતાં. તેમજ તેમાં તેમણે ત્રણ જેટલી મહિલાઓને ડાકણ તરીકે દર્શાવી હતી અને ત્રણેય મહિલાઓને સમાજ તથા ગામમાં બદનામ કરી હતી. જેમાંથી એક મહિલાને માઠું લાગી આવતા આ મહિલા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે આત્મહત્યા બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને આ છ વ્યક્તિઓ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્યેરણા આપવા બદલ ફરિયાદ નોંધવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સુબીર તાલુકાના જામન્યામાળ ગામ ખાતે રહેતા ધનજુભાઈ જાનુભાઈ વાઘમારેનાં પુત્ર રમણભાઈ ઘણા સમયથી બીમાર હોય જેથી તેમની તબિયત સારી કરવા માટે ધનજીભાઈ તથા તેમનો છોકરો પંકજ ઉર્ફે રાજુ વાઘમારે તથા સતિષભાઈ રમણભાઈ વાઘમારેએ તા.૦૪/૦૨/૨૦૨૫નાં રોજ રાત્રીના આશરે આઠેક વાગ્યાના સુમારે કડમાળ પામનાં ભગત ગનાભાઈ તથા તેની પત્નિ જમાબેન ગનાભાઈ તથા બીજો ભગત સોનીરાવભાઈને બોલાવી તેમના ઘરે ડાકણ વિધિ કરાવેલ હતી અને આ ડાકણ વિધિમાં તેઓએ જામન્યામાળ ગામના તેમના વાઘમારે કુળ પરિવારના ભાઈઓ તથા બહેનોને હાજર રહેવા જણાવેલ હતું અને તેમા દેવલીબેન બુધ્યાભાઈ વાઘમારે પણ હાજર હતાં.
તે વખતે રાત્રીના સમયે ભગત ભુવાઓએ તેમજ ધનજુભાઈએ તેના ઘરના ઓટલા ઉપર આખી રાત ડાકણ વિધી કરેલ હતી. જે ડાકણ વિધીમાં દેવલીબેન તથા પાનકીબેન તથા કાળથાબેનને ડાકણ તરીકે બહાર કાઢી તેઓને કબુલાત કરાવતા હતાં કે, તેઓએ જ ધનજુભાઈના છોકરા રમણને બીમાર કરેલ છે. પરંતુ દેવલીબેન તથા પાનકીબેન તેમજ કાળથાબેને તેઓની વાત માનવાનો ઇક્નાર કરેલ હતો. તેમ છતા તેઓએ આખી રાત અલગ-અલગ વિધીઓ કરી સવાર પાડી દીધેલ હતી અને તા.૦૫/૦૨/૨૦૨૫નાં રોજ સવારના સમયે તેઓને જામન્યામાળ ગામે આવેલ નદીના કિનારે સ્મશાન પાસે લઈ ગયેલ અને ત્યાં આગળ પણ ભગત ભુવાઓ દ્વારા અલગ અલગ વિધીઓ કરી ત્યાર પછી તેઓને ઘરે મોકલી દીધેલ હતી.
ત્યાર બાદ દેવલીબેન તેના ઘરે એકલી હતી. ત્યારે અહીં ધનજુભાઈ જાનુભાઈ વાઘમારે, પંકજ ઉર્ફે રાજુભાઈ ધનજુભાઈ વાઘમારે, સતિષભાઈ રમણભાઈ વાઘમારે (ત્રણેય રહે. જામન્યામાળ, તા.સુબીર, જી. ડાંષ) તથા ગનાભાઈ સુર્યાભાઈ પવાર, જમાબેન ગાનાભાઈ પવાર, સોનીરાવ મોતીરામભાઈ પવાર (ત્રણેય રહે.કડમાળ, તા.સુબીર, જિ.ડાંગ) નાઓએ એકબીજાની મદદગારી કરી દેવલીબેન તથા પાનકીબેન તેમજ કાળઘાબેનને તેમના ઘરે બોલાવી, ડાકણ વિધી કરીને ત્રણેય મહિલાઓને ડાકણ તરીકે દર્શાવી સમાજમાં બદનામ કરેલ હોય જેથી આ બાબત દેવલીબેનને ખોટુ લાગી જતા અને સમાજમાં બદનામ થવાના ડરથી તેમના ઘરના અંદરના રૂમમાં લાકડાની પાટલી સાથે નાયલોનના દોરડા વડે ગળે ફાંસો ખાઈ મરણ ગયેલ હોય અને આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા હોય તેવા આક્ષેપ સાથે દેવલીબેનના પુત્રએ સુબીર પોલીસ મથકે આ ૬ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500