મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોલિવિયાની એક મહિલા પ્રવાસી પાસેથી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ 13 કરોડની કિંમતનું બ્લેક-કોકેન હસ્તગત કરી તેની ધરપકડ કરી હતી. આ વિદેશી મહિલા ઝડપાઇ તેની પૂછપરછને આધારે ગોવાથી એક નાઇજીરિયન ડ્રગ સપ્લાયરને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. બોલિવિયાની આ લેડી ડ્રગ સ્મગલર બ્રાઝીલથી 3.2 કિલો બ્લેક કોકેન લાવી હતી. કેફી દ્રવ્ય મુંબઇથી ગોવામાં એક નાઇજીરીયનને આપવાની હતી.
જયારે નાઇજીરીયન ડ્રગ્સને જુદા જુદા રાજ્યોમાં નશેડીઓને પહોંચાડવાનો હતો. જોકે આ પ્લાન સફળ થાય એ પહેલાં જ મહિલા ડ્રગ સ્મગલર ઝડપાઇ ગઇ હતી. તેણે આપેલી માહિતીને આધારે ગોવાથી નાઇજીરીયાના નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. એનસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસે કેફીદ્રવ્યોના દાણચોરોને સકંજામાં લેવાનું કામ પાર પડયું હતું. એવી બાતમી મળી હતી કે વિદેશી મહિલા બ્રાઝીલથી વિમાનમાર્ગે રવાના થઇ છે, તે રસ્તામાં ઇથિપોપિયા અને મુંબઇ થોડો સમય રોકાઇને પછી ગોવા જવાની છે એટલે એનસીબીએ બરાબરનો જાપ્તો રાખ્યો હતો.
વિદેશી મહિલા મુંબઇ એરપોર્ટથી ગોવાના પ્લેનમાં બેસવાની તૈયારી કરતી હતી એ જ વખતે તેને આંતરીને ઝડતી લેવામાં આવતા મેટલ-મોલ્ડ અને અસ્ફાલ્ટ (ડામર)ના સ્વાંગમાં સંતાડેલું બ્લેક કોકેન પકડાયું હતું. કોકેનને બીજા કેટલાક દ્રળ્યો ભેળવીને કાળા રંગનું કરી નાખવામાં આવે છે જે બ્લેક કોકેન તરીકે ઓળખાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500