ડિરેકટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ મુંબઈ એરપોર્ટ પર રૂપિયા 100 કરોડથી વધુ કિંમતનું 16 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ મામલામાં ઘાનાની મહિલા અને એક પ્રવાસીની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીની હોટેલમાંથી આ મહિલા આરોપીને ઝડપી લેવામાં આવી હતી. બંને આરોપી પાસેથી તેમના અન્ય સાથીદારની માહિતી મેળવવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
આફ્રિકન દેશ માલાવીથી કતાર થઈ મુંબઈ આવી રહેલો એક પ્રવાસી ભારતમાં ડ્રગ્સની દાણચોરીનો પ્રયાસ કરી રહ્યો હોવાની જાણ થઈ હતી. આથી DRI અધિકારીઓની એક સર્વેલન્સ અને ટ્રેકિંગ ટીમ એરપોર્ટ પર ગોઠવવામાં આવી હતી. તેમણે શંકાનાં આધારે એક પ્રવાસીને તાબામાં લીધો હતો. તેના સામાનની તપાસ કરતા 16 કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રોલી બેગમાં વિશેષ જગ્યા બનાવીને આ નશીલો પદાર્થ સંતાડવામાં આવ્યો હતો એમ એક અધિકારીએ કહ્યું હતું.
આ હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા 100 કરોડથી વધુ છે. આરોપી પ્રવાસીની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને DRIની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. આ પ્રવાસીની પૂછપરછના આધારે દિલ્હીની હોટલમાંથી ઘાનાની એક મહિલાને પકડી હતી. દિલ્હીમાં તે ડ્રગ્સની ડિલીવરી લેવા આવી હતી તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીની કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા ટ્રાન્ઝિટ રિમાન્ડ પર તેને મુંબઈ લાવવામાં આવી હતી. મુંબઈ એરપોર્ટ પર પકડાયેલો પ્રવાસી મૂળ કેરળનો રહેવાસી અને ડ્રગ્સની દાણચોરી માટે તેને એક હજાર અમેરિકન ડોલરનું કમિશન આપવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500