દેશમાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે અને કેટલાક રાજ્યોમાં કોરોનાના પ્રવેશથી ફફડાટ ફેલાયો છે. નવા વેરિયન્ટ JN.1થી ડર ઉભો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે એક સમીક્ષા બેઠક યોજી હતી જેમાં તમામ રાજ્યોના આરોગ્ય મંત્રી સહિત અને લોકો સામેલ રહ્યા હતા. આ બેઠકમાં સ્વાસ્થ્ય સુવિધાઓ અને કોરોના કેસો સામેની તૈયારી તેમજ સંક્રમણ થતા રોકવાના ઉપાયોની ચર્ચા કરવામાં આવી હતી.
આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, આ એક બીજા સાથે મળીને કામ કરવાનો સમય છે અને સંપૂર્ણ સરકારી અભિગમ સાથે મળીને કામ કરવાનો સમય છે. આપણે એલર્ટ રહેવાની જરુર છે પરંતુ ગભરાવાની કોઈ જરુર નથી. તેમણે આગળ કહ્યું કે, હોસ્પિટલની તૈયારી, દેખરેખમાં વધારો અને લોકો સાથે અસરકારક સંચારની મોક ડ્રીલ સાથે તૈયાર રહેવું ખુબ જ મહત્વપૂર્ણ છે. દર ત્રણ મહિનામાં એકવાર જરૂર હોસ્પિટલોમાં મોકડ્રીલ થવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર તરફથી દરેક પ્રકારના સમર્થનની હું ખાતરી આપું છું. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 341 કેસ સામે આવ્યા છે. જેમાં કેરળમાં ત્રણ લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોનાના કેરળમાં 292, તમિલનાડુંમાં 13, મહારાષ્ટ્રમાં 11, કર્ણાટકમાં 9, તેલંગાણામાં અને પુડુચેરીમાં 4, દિલ્હી 3 અને ગુજરાતમાં 2 જ્યારે પંજાબ અને ગોવામાં એક-એક કેસો મળી આવ્યા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 2311 પર પહોંચી ગઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500