સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના વિશાળ જથ્થાને કારણે નર્મદા નદીમાં આવેલા પૂરથી પ્રભાવિત ભરૂચ જિલ્લાના ગામોમાં રાઉન્ડ ધ ક્લોક ચાલી રહેલ રાહત અને બચાવની કામગીરીને કારણે નાગરિકોની મુશ્કેલી આસાન થઇ છે. નર્મદા નદીમાં પાણી છોડવાના સંદેશા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શનિવારથી કરાયેલી આગોતરી તૈયારીઓને પગલે જિલ્લામાં ઝીરો કેઝ્યુઆલિટી મેનેજમેન્ટ થયું છે. ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાએ શુક્લતિર્થ તથા અંકલેશ્વરમાં આવેલા વિવિધ આશ્રય સ્થાનોની મુલાકાત લીધી હતી.
સ્થળાંતરિત નાગરિકોની દરકાર લઈ ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સાથે તેમણે આશ્રિતોને ધરપત આપી વહીવટીતંત્ર પર વિશ્વાસ રાખવાનો અનુરોધ કર્યો હતો. અંકલેશ્વર દિવારોડ પર આવેલ સોસાયટીઓમાં આોમપુરી, મંગલમૂર્તિ, સંસ્કારધામ, અંબીકા, મહાવીરનગર જેવી સોસાયટીમાં બોટ મારફતે મુલાકાત કરી હતી. હાજર જવાબદાર અધિકારીઓને વિવિધ સલાહ સૂચનો આપ્યા હતા.
આ વેળાએ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી અને જિલ્લા પોલિસ વડા તેમજ અમલીકરણ અધિકારી ગણ ઉપસ્થિત રહી ખડેપગે સેવા આપી હતી. જિલ્લા પ્રશાસન અને સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી આશ્રય સ્થાનોમાં આશ્રિત નાગરિકો માટે ભોજન, પાણી તેમજ આરોગ્ય વગેરે આનુષાંગિક વ્યવસ્થા સેવાઓ પૂરી પાડવામાં આવી રહી હતી તેનું નિરિક્ષણ કરી અત્યાર સુધીમાં જિલ્લામાં ૬૨૫૪ લોકોનો બચાવ કરી વિવિધ સ્થળોએ આશ્રય આપવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500