દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઇ છે મેહુલિયો સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં અનરાધાર વરસી રહ્યો છે હજુ આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો જાણે ધરતી ને તરબતર કરવા તૈયાર હોય તેમ જણાઈ રહ્યા છે. અનરાધાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના બનાવો પ્રકાશમાં આવ્યા હતા જ્યારે લાંબા વિરામ બાદ મેઘાના મંડાણ થતાં દક્ષિણ ગુજરાતની લોક માતાઓમાં નવા નીરની શરૂઆત થઈ છે બીજી તરફ મેઘરાજાનું આગમન થતાં ની સાથે જ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
મેઘરાજાઍ ગઈકાલે બપોર પછી જાણે આક્રમક વલણ અપનાવ્યુ હોય તેમ સુરત થી ડાંગ સુધીમાં અઢી ઈંચથી લઈને સાત ઈંચ જેટલો વરસાદ ઝીંકાયો હતો. જેમાં સર્વાધિક ગણદેવીમાં વરસાદ નોંધાયો હતો જ્યારે જલાલપોર અને નવસારીમાં છ-છ ઈંચ વરસાદ ખાબક્યો હતો સુરત જિલ્લાના ઓલપાડ ચોર્યાસી અને સુરતમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.
તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા વરસ્યા હતા.
હવામાન વિભાગ દ્વારા મોન્સુન એક સપ્તાહ વહેલુ શરુ થવાની આગાહી કરી હતી,આ વખતે ગુજરાતમાં વરસાદનું આગમન વલસાડથી થયું હતુ, ત્યારબાદ વરસાદે ઉઘાડ લીધો હતો. વરસાદ ખેચાઈ જવાને કારણે ધરતીપુત્રોમાં ચિંતામાં મુકાયા હતા. હવામાન વિભાગે પાંચ દિવસમાં ભારે વરસાદ પડવાની કરેલી આગાહી વચ્ચે પહેલા દિવસે છુટોછવાયો વરસાદ નોધાયા બાદ ગઈકાલે મેઘરાજાએ મનમુકીને વરસવાની શરુઆત કરી હતી. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જયારે ડાંગ અને તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા વરસ્યા હતા. જેના કારણે રોડ રસ્તા તેમજ નીચાણવાળા વિસ્તારો ગોઠણ સમા પાણી ભરાવાને કારણે જળબંબાકાર બન્યા હતા.
નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો
ગુરુવારે સાંજે છ વાગ્યાથી શુક્રવારના સાંજે છ વાગ્યા સુધીના પુરા થતા ચોવીસ કલાકમા પડેલા વરસાદની વાત કરવામાં આવે તો સોથી વધુ વરસાદ વલસાડ અને નવસારી જિલ્લામાં પડ્યો હતો. જેમાં નવસારીના ગણદેવીમાં સાત ઈંચ, વલસાડમાં પોણા ચાર ઈંચ, પારડીમાં પોણા પાંચ ઈંચ , ઉમરગામમાં પાંચ ઈંચ, વાપી માં ત્રણ ઈંચથી વધુ ધરમપુરમાં બે ઇંચ. કપરાડામાં દોઢ ઈંચ, જ્યારે પારડીમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ખેરગામમાં પોણા ચાર ઈંચ. જલાલપોર છ ઈંચ. ગણદેવી સાત ઇંચ. નવસારી છ ઈંચ અનરાધાર વરસાદ વરસ્યો હતો. નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે પરંતુ બંનેએ જિલ્લાઓમાંથી પસાર થતી લોક માતાઓના ઉપરવાસમાં હજુ જોઈએ તેટલો વરસાદ વરસ્યો નથી જેથી લોક માતાઓમાં ધીરે ધીરે નવા દિવસની શરૂઆત થઇ છે.
તાપી જિલ્લાના વ્યારા વાલોડ અને ડોલવણ તેમજ ડાંગ જિલ્લાના આહવા વઘઇ સુબીર અને સાપુતારામાં હળવી ધારે વરસાદ વરસ્યો
બીજી તરફ તાપી જિલ્લાના વ્યારા વાલોડ અને ડોલવણ તેમજ ડાંગ જિલ્લાના આહવા વઘઇ સુબીર અને સાપુતારામાં હળવી ધારે વરસાદ વરસ્યો છે ત્યારે તાપી જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદ ની ગેરહાજરી વચ્ચે વાવણી માટે ખેડૂતોએ હજુ રાહ જોવી પડે તેમ જણાઈ રહ્યું છે. આમ આ વખતે ટ્વેન્ટી ટ્વેન્ટી ની જેમ પ્રારંભિક સમયગાળામાં જ મેઘરાજાએ ધમાકેદાર પ્રારંભ કર્યો છે આજે પણ દક્ષિણ ગુજરાતમાં સૂર્ય દેવતા ઘટાટોપ વાદળો માં છવાયેલા રહ્યા હતા અને હજુ તો આદ્રા નક્ષત્ર સહિત આખું ચોમાસું બાકી છે હાલના તબક્કે નોંધપાત્ર વરસાદ વરસતા ચોમાસુ સારું જવાની આશા બંધાઈ છે અને જગતનો તાત પણ સારો વરસાદ વરસતા ખુશીથી ઝૂમી ઉઠ્યો છે અને વાવણીના શ્રી ગણેશ કર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500