સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવક ને લઈને મોખરે સ્થાન ધરાવે છે 8 દિવસ માર્ચ એન્ડિંગ ની રજાઓ પૂર્ણ થતાં વિવિધ જણસીની આવક શરૂ કરાતા માર્કેટીંગ યાર્ડ જણસી ની આવક થી ઉભરાયું હતું. યાર્ડમાં બે દિવસ પહેલા થી આવક શરૂ કરવામાં આવી હતી. યાર્ડ બહાર બન્ને બાજુ વિવિધ જણસી ભરેલ વાહનો ની 4 થી 5 કી.મી. લાંબી લાઈનો લાગી જવા પામી હતી. જેમાં મરચા, ધાણા, ઘઉં, ચણા, ડુંગરી, કપાસ, લસણ સહિતની જણસીની વિપુલ પ્રમાણમાં આવક નોંધાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડ જણસી થી ખચોખચ ભરાય જવા પામ્યા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા જણાવ્યું હતું કે યાર્ડમાં માર્ચ એન્ડિંગ ની રજાઓ તેમજ હિસાબી વર્ષ પૂર્ણ થતાં તમામ જણસી ની આવક શરૂ કરવામાં આવી હતી.
આજ થી યાર્ડ રેગ્યુલર ફરી ધમધમવા લાગ્યું છે. છેલ્લા બે દિવસમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ મહામહેનતે પકાવેલ પોતાના માલનો ઘોડાપુર આવ્યું હતું. સૌરાષ્ટ્રભર ના ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડને પોતાનું યાર્ડ માને છે. ત્યારે એક જ દિવસની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 60 થી 65 હજાર ભારી મરચા, 55 થી 60 હજાર ગુણી ધાણા તેમજ 50 હજાર થી વધુ ઘઉં ની ગુણી અને 45 હજાર ગુણી ચણા ની આવક નોંધાઈ હતી. વિપુલ પ્રમાણમાં જણસીની આવક નોંધાતા મરચા, ઘઉં, ધાણા ની યાર્ડ ના સત્તાધીશો દ્વારા આગામી જાહેરાત ના થાય ત્યાં સુધી બંધ કરવામાં આવી હતી.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગ ની 8 દિવસની રજાઓ પૂર્ણ થતાં સવાર થી વિવિધ જણસી ની હરાજી શરૂ કરવામાં આવી હતી. જેમાં મરચાના 20 કિલોના ભાવ રૂ. 1500/- થી રૂ. 2500/- સુધી ના બોલાયા હતા. ગોંડલનું પ્રખ્યાત દેશી મરચાના 20 કિલોના ભાવ રૂ. 5500/- થી રૂ. 6000/- સુધીના બોલાયા હતા. અને ધાણા ના 20 કિલોના ભાવ રૂ. 1200/- થી રૂ. 2100/- સુધીના બોલાયા હતા.જ્યારે ધાણી ના 20 કિલોના ભાવ રૂ. 1400/- થી રૂ.2300/- સુધીના ભાવ બોલાયા હતા. ઘઉંના 20 કિલોના ભાવ રૂ. 470/- થી રૂ. 651/- સુધીના બોલાયા હતા. આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માલની હરાજીનું આજથી મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોનું તીર્થધામ માનવામાં આવે છે. અહીં ખેડૂતોએ પકાવેલ માલ નો પૂરતો ભાવ મળી રહે છે. એટલે જ સમગ્ર સૌરાષ્ટ્ર માંથી જેમ કે ભાવનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર સહિતના જીલ્લાઓ માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500