સુરતના મહિધરપુરા હીરા બજારના વેપારી પાસેથી શરૂઆતમાં રોકડેથી સીવીડી હીરા ખરીદી વિશ્વાસ કેળવ્યા બાદ ટુક્ડે-ટુક્ડે 11 થી 15 દિવસમાં પેમેન્ટના વાયદે કુલ રૂ.37.82 લાખના હીરા ખરીદી રાતોરાત હીરા બજારમાં પોતાનું કેબિન ઉપરાંત ઘરને તાળું મારી ફોન બંધ કરી ભુગર્ભમાં ઉતરી જનાર મુસ્લિમ વેપારી વિરૂધ્ધ મહિધરપુરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે.
સુરતના મહિધરપુરા હીરા બજારમાં પોલીસ ચોકીની સામે કેબિન નં. 5 માં હીરાનો વેપાર કરતા વિરલ સુરેશ શાહ (ઉ.વ. 40 રહે. સુર્યકૃતિ એપાર્ટમેન્ટ, દિવાળી બાગ કોમ્યુનિટી હોલની સામે, રાંદેર રોડ) એ જુલાઇ 2023 માં હીરા બજારના દાલગીયા મહોલ્લામાં ડીડીબી બિલ્ડીંગમાં કામ અર્થે ગયા હતા. જયાં પોતાની કેબિનની સામે ચશ્માની ફ્રેમ વેચવાનો ધંધો કરતા પરિચીત એઝાઝ ફારૂક મેમણ (રહે. અરમાન રેસીડન્સી, ટુંકી સ્ટ્રીટ, રામપુરા, સુરત) સાથે મુલાકાત થઇ હતી અને પોતે પણ સીવીડી હીરાનો ધંધો કરતો હોવાનું કહ્યું હતું.એઝાઝે શરૂઆતમાં ટુક્ડે-ટુક્ડે લાખ્ખો રૂપિયાના સીવીડી હીરા રોકડેથી લઇ વિરલ સાથે ધંધો શરૂ કર્યો હતો.
દરમિયાનમાં તા. 28 જુલાઇથી 21 ઓગસ્ટ દરમિયાન મારી પાસે સીવીડી હીરાની ડિમાન્ડ છે એમ કહી ટુક્ડે-ટુક્ડે 11 થી 15 દિવસના પેમેન્ટના વાયદે કુલ રૂ. 37.82 લાખના સીવીડી હીરા ખરીદયા હતા. પરંતુ ત્યાર બાદ નિયત સમયમાં પેમેન્ટના બદલે વાયદા પર વાયદા કર્યા હતા અને હીરા બજાર ખાતે પોતાનું કેબિન પણ બંધ કરી દીધું હતું. જેથી વિરલે તેના ઘરે જઇ તપાસ કરતા સાત દિવસમાં પેમેન્ટ ચુકવવાનો વાયદો કર્યા બાદ રાતોરાત ફોન બંધ કરી દીધો હતો અને ઘરને પણ તાળું મારી રફુચક્કર થઇ ગયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500