Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાઉદી અરેબિયા દ્વારા તેલ ઉત્પાદનમાં ઘટાડો કરવાની જાહેરાત સાથે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થશે

  • June 06, 2023 

સાઉદી અરેબિયા દ્વારા તેલ ઉત્પાદનમાં ઘટાડો કરવાની જાહેરાતથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલનાં  ભાવમાં ઘટાડો અટકી શકે છે. સાઉદી અરેબિયાએ કહ્યું કે, તે જુલાઈથી તેલના ઉત્પાદનમાં દરરોજ ૧૦ બેરલનો ઘટાડો કરશે. આમ સાઉદી અરેબિયાના તેલ ઉત્પાદનમાં ઘટાડાના નિર્ણયથી ભારતમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે. બીજી તરફ, ઓપેક  અને અન્ય ઉત્પાદકો વર્ષ-૨૦૨૪નાં અંત સુધી પુરવઠામાં કાપ લંબાવવા માટે સંમત થયા હતા. આ નિર્ણયને કારણે સોમવારે તેલના ભાવમાં બેરલ દીઠ એક ડોલરથી વધુનો વધારો થયો હતો.


બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ બેરલ દીઠ ૭૭.૬૪ ડોલર પર ટ્રેડ કરી રહ્યા હતા, જે બેરલ દીઠ ૭૮.૭૩ ડોલરની ઊંચી સપાટીને સ્પર્શ્યા બાદ શરૂઆતના વેપારમાં ૧.૫૧ ડોલર અથવા બે ટકા વધી રહ્યા હતા. આ વધારો ભારત માટે આયાતી ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈનો સામનો કરશે. ભૂતકાળમાં, ભારતે આયાતી તેલ માટે સરેરાશ ૭૨ ડોલર પ્રતિ બેરલનો દર ચૂકવવો પડતો હતો. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા હતી.


ઉદ્યોગનાં જાણકારોએ જણાવ્યું હતું કે, સાર્વજનિક ક્ષેત્રની ઓઈલ કંપનીઓ તેમના નુકસાનની ભરપાઈ કરી રહી છે. ગયા મહિને આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવ અને છૂટક વેચાણના ભાવ સમાન બની ગયા હતા. હવે ભાવ વધવાથી કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનો તફાવત ફરી આવશે. ભારત તેની ૮૫ ટકા તેલ જરૂરિયાતો આયાત દ્વારા પૂરી કરે છે અને ઇંધણના ભાવ આંતરરાષ્ટ્રીય દરોથી પ્રભાવિત થાય છે.


મે મહિનામાં ભારતની રશિયાથી સસ્તા ક્રૂડ ઓઈલની આયાત રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગઈ છે. ઇન્ડસ્ટ્રી ડેટા દર્શાવે છે કે રશિયામાંથી આયાત હવે સાઉદી અરેબિયા, ઇરાક, સંયુક્ત આરબ અમીરાત અને યુએસ પાસેથી સામૂહિક રીતે ઓઇલની ખરીદી કરતાં વધી ગઈ છે. એનર્જી શિપમેન્ટ ટ્રેકર વોર્ટેક્સાના ડેટા અનુસાર, ભારતે મે મહિનામાં રશિયા પાસેથી દરરોજ ૧.૯૬ મિલિયન બેરલ તેલની આયાત કરી હતી, જે એપ્રિલમાં અગાઉના ઉચ્ચ સ્તરથી ૧૫ ટકા વધારે છે.


હવે ભારતની કુલ ક્રૂડ ઓઈલની આયાતમાં રશિયાનો હિસ્સો વધીને ૪૨ ટકા થઈ ગયો છે. તાજેતરના વર્ષોમાં એક દેશ માટે આ સૌથી વધુ હિસ્સો છે. પશ્ચિમ એશિયાના પરંપરાગત સપ્લાયરોના ભોગે રશિયામાંથી ભારતની ક્રૂડ ઓઈલની આયાત વધી છે. મે મહિનામાં સાઉદી અરેબિયામાંથી તેલની આયાત ઘટીને ૫૬૦,૦૦૦ ટન થઈ હતી. ફેબ્રુઆરી ૨૦૨૧ પછી આ સૌથી નીચું સ્તર છે.

ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ-ઓપેકનો ભારતની ક્રૂડ આયાતમાં હિસ્સો મે મહિનામાં ઘટીને ૩૯ ટકાના સર્વકાલીન નીચા સ્તરે પહોંચી ગયો છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી ભારતની આયાતમાં રશિયન તેલનો હિસ્સો સતત વધી રહ્યો છે. આ સતત આઠમો મહિનો છે જ્યારે રશિયા ભારતનું સૌથી મોટું સપ્લાયર રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application