સોનગઢના ચકવાણ ગામે રહેતાં એક મજૂર દંપતી મજૂરી નું કામ પૂર્ણ કરી બાઈક લઈ પરત ઘરે ફરી રહ્યા હતાં ત્યારે એક ટ્રક ચાલકે બાઈક ને અડફેટે લીધી હતી. આ બનાવમાં ઇજાગ્રસ્ત દંપતી પૈકી પત્ની નું મોત થયું હતું જ્યારે પતિ ને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ સોનગઢના ચકવાણ ગામના દાદરી ફળિયામાં રહેતાં ગુલાબભાઇ મોહનભાઈ કોટવાળીયા એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે ગુલાબ ભાઈ કોટવાળીયા અને તેમના પત્ની વર્ષા બહેન કોટવાળીયા(ઉ.વ.૨૭) બાઈક લઈ ગામમાં જ શેરડી કાપવાની મજૂરી અર્થે ગયા હતાં. તેઓ બપોરે મજૂરી કામ પૂર્ણ કરી બાઈક પર બેસી સરૈયા ટેમકા રોડ પર થઈ ચકવાણ ગામ તરફ જવા નીકળ્યાં હતાં.
આ બાઈક ચકવાણ ગામ નજીક પહોંચી હતી ત્યારે પાછળથી એક ટ્રક નંબર જીજે/૧૮/એક્સ/૯૩૬૯ ના ચાલકે તેની ટ્રક પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી બાઈક ને જોરદાર ટક્કર મારતાં બાઈક સવાર ગુલાબ ભાઈ અને તેમના પત્ની વર્ષા બહેન રોડ પર ફેંકાઈ ગયા હતાં. આ અકસ્માતમાં વર્ષાબહેનનું મોત નિપજ્યું હતું જયારે ગુલાબભાઇ ને સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500