વ્યારાના કરંજવેલ ગામે ખખડિયા ફળિયામાં નટુભાઇ ગામીતે પોતાની પત્ની, દીકરો અને વહુને ડંડા વડે ફટકારતા દીકરો અને વહુને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઘરના જ સભ્યોને લોહીલુહાણ કરી દેતાં પિતા વિરુદ્ધ પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુબ વ્યારા તાલુકાના કરંજવેલ ગામે ખખડિયા ફળિયામાં રહેતા અયુબ નટુ ગામીત તા. તા.૧૭/૦૩/૨૦૨૩ના રોજ સવારે આઠેક વાગેના અરસામાં વ્યારા એમ.બી.પાર્ક સોસાયટીમાં સેન્ટિંગ કામની મજૂરી અર્થે ગયા હતા. સાંજે સાતેક વાગે પરત ઘરે આવ્યા ત્યારે તેના પિતા નટુભાઇ ખરબાભાઇ ગામીતે તેની માતા વિનતાબેનને ગાળો આપી ઝઘડો કરતા હોવાથી દીકરા અયુબે પિતા નટુભાઇને સમજાવ્યા હતા.
ત્યારબાદ બધા જમી પરવારીને રૂમમાં સૂવા જતા રહ્યા હતા. જોકે આશરે સાડા નવેક વાગે ફરી તેના પિતા નટુભાઇએ માતા વનિતાબેનને ગાળો બોલી ઝઘડો કરતા હોવાથી તેનો દીકરો અયુબ અને વહુ લુધીયાબેન પિતા નટુભાઇને સમજાવવા જતાં માતાને તેનાં પિતા હાથ તથા લાત વડે મારતા હોય અયુબ મમ્મીને કેમ મારો છો? કહી પિતાને સમજાવતો હતો, ત્યારે પિતા અચાનક ઘરમાંથી બહાર જઇ વાંસનો ડંડો લઇ આવી દીકરાના માથામાં સપાટો મારી દેતાં લોહી નીકળવા લાગ્યું હતું. તેની પત્ની લુધીયાબેનને પણ પિતાએ વાંસના ડંડા વડે માથામાં સપાટો મારી દેતાં તેને પણ લોહી નીકળવા લાગ્યું હતું.
પિતા જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોવાથી પુત્ર બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો બચાવ માટે દોડી આવ્યા હતા.દરમિયાન કોઈકે ઈમરજન્સી સેવા ૧૦૮ને જાણ કરતા તમામ ઇજાગ્રસ્તોને એમ્બુલન્સમાં હોસ્પિટલ ખસેડાયાં હતાં. આ મારામારીના બનાવમાં દીકરાની પત્નીની હાલત ગંભીર હોવાથી તેને સુરત રિફર કરવામાં આવી હતી.
બનાવ અંગે દીકરો અયુબભાઇ નટુભાઇ ગામીતની ફરિયાદના આધારે તા.૧૮/૦૩/૨૦૨૩ નારોજ વ્યારા પોલીસે પિતા નટુભાઇ ખરબાભાઇ ગામીત વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૩૨૩, ૩૨૪,૫૦૪,૫૦૬(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500