Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

150 સાંસદના સસ્પેન્શન પર કેમ ચર્ચા નહીં?: રાહુલ ગાંધીનો સવાલ

  • December 20, 2023 

સંસદના શિયાળુ સત્રમાં આજે તેરમા દિવસે પણ સંસદની સુરક્ષામાં ચૂક અને સાંસદોના સસ્પેન્શન મુદ્દે હોબાળો ચાલુ રહ્યો હતો. હવે આજે રાહુલ ગાંધીએ સંસદ સંકુલમાં TMC સાંસદ કલ્યાણ બેનરજીએ રાજ્યસભાના ઉપાધ્યક્ષ જગદીપ ધનખડની નકલ કરવાના મુદ્દે પ્રતિક્રિયા આપી છે.



બુધવારે પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ‘સાંસદ ત્યાં બેઠા હતા, મેં તેમનો વીડિયો શૂટ કર્યો. વીડિયો મારા ફોનમાં છે. મીડિયા તેને બતાવી રહ્યું છે. કોઈએ કશું કહ્યું નથી. અમારા 150 સાંસદોને (સદનમાંથી) બહાર ફેંકી દેવામાં આવ્યા છે, પરંતુ મીડિયામાં તેના પર કોઈ ચર્ચા થઈ નથી. અદાણી પર કોઈ ચર્ચા નથી, રાફેલ પર કોઈ ચર્ચા નથી, બેરોજગારી પર કોઈ ચર્ચા નથી. અમારા સાંસદો નિરાશ થઈને બહાર બેઠા છે. પરંતુ તમે તેની (રાજ્યસભાના ઉપાધ્યક્ષની મિમિક્રીની) ચર્ચા કરી રહ્યા છો.


નોંધનીય છે કે સંસદનું શીતકાલીન સત્ર શરૂ થયાના પહેલા જ દિવસથી જ તોફાની બની રહ્યું છે. છેલ્લા બે દિવસમાં સંસદમાં હંગામો કરવા બદલ 100થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં વિપક્ષના સાંસદો મંગળવારે સંસદ ભવનની બહાર બેસીને વિરોધ કરી રહ્યા હતા. દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનરજીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની નકલ કરવા માંડી હતી.


આ મિમિક્રી પર ઉપરાષ્ટ્રપતિએ નારાજગી વ્યક્ત કરી હતી. આ ઘટનાને શરમજનક ગણાવતા તેમણે કહ્યું હતું કે એક સાંસદ મજાક ઉડાવી રહ્યો છે અને બીજો સાંસદ તે ઘટનાનો વીડિયો બનાવી રહ્યો છે, તે હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય છે. હકીકતમાં જ્યારે કલ્યાણ બેનરજી ઉપરાષ્ટ્રપતિની નકલ કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી તેમના મોબાઈલથી તેમનો વીડિયો બનાવી રહ્યા હતા. હવે ભાજપના નેતાઓ રાહુલ ગાંધીના આ વલણને લઈને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધી રહ્યા છે.


ઉપાધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું હતું કે, મને મારી પરવા નથી, હું આ સહન કરી શકું છું, પરંતુ હું ખુરશીનો અનાદર સહન નહીં કરું. આ ખુરશીની ગરિમા જાળવવાની જવાબદારી મારી છે. મારી જાતિ, મારી પૃષ્ઠભૂમિ, આ ખુરશીનું અપમાન કરવામાં આવ્યું છે.

જોકે, આ આખા એપિસોડ મુદ્દે માફી માગવાના સવાલ પર કલ્યાણ બેનરજીએ ના કહેતા સ્પષ્ટતા કરી હતી કે મને ધનખડજી માટે ખૂબ જ સન્માન છે. તેઓ અમારા ભૂતપૂર્વ રાજ્યપાલ રહી ચૂક્યા છે. તેઓ અમારા ઉપરાષ્ટ્રપતિ છે. મિમિક્રી એ એક પ્રકારની કળા છે, જે મેં દર્શાવી છે. તાજેતરમાં જ પીએમએ લોકસભામાં જ મિમિક્રી કરી હતી. હું તમને તે બતાવી શકું છું. બધાએ મિમિક્રીને સામાન્ય રીતે લીધી છે. અમે તેને ગંભીરતાથી લીધી નથી.


વિપક્ષી સાંસદોએ સંસદ ભવનની બહાર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની નકલ કરી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં સંસદની કાર્યવાહી ઘણી વાર સ્થગિત કરવામાં આવી છે. કાયદા અને ન્યાય મંત્રાલયનો હવાલો સંભાળતા અર્જુન રામ મેઘવાલે પણ આ ઘટનાની નિંદા કરી હતી અને કલ્યાણ બેનરજીને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application