સંઘપ્રદેશ દાદરા નગર હવેલીનાં સેલવાસ બાલદેવી ખાતે ચાર રસ્તા પાસે રાત્રિના 11.30 કલાકે દુકાન બંધ કરી ઘરે જઈ રહેલા મોટરસાઈકલ સવારે યુવક ઉપર કોઈ અજાણ્યા શખ્સે બે રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. યુવકને બે ગોળી વાગી છે અને તે વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દાદરા નગર હવેલીના બાલદેવી દાંડુલ ફળિયા ખાતે સોની મોબાઈલ નામની દુકાન ચલાવતા 26 વર્ષે યુવાન આનંદ શેશપાલ શેઠ બુધવારે રાત્રિના 11.30 કલાકના સોમવારે દુકાન બંધ કરી પોતાની મોટરસાઈકલ ઉપર ઘર તરફ જતા હતા.
ત્યારે બાલદેવી ચાર રસ્તા પાસે કોઈ અજાણ્યા ઈસમે તેમની ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં આનંદ શેઠને છાતીમાં જમણી બાજુએ તથા પેટના ભાગે એમ બે ગોળીઓ વાગી હતી અને તે લોહી-લુહાણ થઈ ત્યાં જ બાઈક ઉપરથી પડી ગયો હતો તે અરસામાં તેના પિતાનો ફોન તેના મોબાઈલ ઉપર આવતા તેને પોતાના ઉપર ફાયરિંગ થયું હોવાનું અને તે રસ્તા ઉપર પડયો હોવાનું પિતાને જણાવતા પિતા તાત્કાલિક ત્યાં ધસી ગયા હતા અને અન્યનો સહારો લઈ મોટરસાઈકલ ઉપર જ આનંદને બેસાડી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તાત્કાલિક સારવાર શરૂ કરાવી હતી.
જ્યાં તેને બે ગોળી વાગી હોવાનું નિદાન થયું હતું. ભોગ બનનાર યુવક મૂળ બિહારના વતની છે, પરંતુ ઘણા સમયથી સેલવાસ ખાતે પ્રધાનમંત્રી આવાસ હેઠળ મળેલા આવાસમાં પરિવાર સાથે રહેતા હોવાની જાણકારી મળી રહી છે. આ ઘટનાની જાણ ભોગ બનનારના પિતાએ સેલવાસ પોલીસને કરતા સેલવાસ પોલીસે અજાણ્યા હુમલાખોર સામે આર્મ્સ એક્ટની વિવિધ કલમ તથા જાનથી મારી નાખવાનો પ્રયાસ અને રેડ વિથ 34 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500