માતર તાલુકાનાં હાડેવામાં પરિણીત પ્રેમિકાએ પ્રેમી સાથે જવા ઇનકાર કરતાં આવેશમાં આવી પ્રેમીએ ગળું દબાવી પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી હતી. બનાવ અંગે લીંબાસી પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કરમસદ જીઆઇડીસીમાં નવાપુરામાં રહેતા કૈલાશબેન ચીમનભાઈ ઠાકોરની દીકરી હિરલબેનના લગ્ન 10 વર્ષ પહેલા (નાવડ તા.બોરસદ) મેલાભાઇ શનાભાઇ ઠાકોર સાથે થયા હતા.
જોકે આ લગ્નજીવન દરમ્યાન બે સંતાનો ધુ્રવલ (ઉ.વ.8) અને દેવાંશી (ઉ.વ.4) હતા. છતાં 6 માસ અગાઉ હિરલ પોતાના ઘરેથી નીકળી જઈ ખંભાતના પૃથ્વીરાજ અગરસિંહ રાઓલ સાથે પ્રેમ સંબંધ હોવાથી બંને હાડેવામાં રાજુભાઈ લાલુભાઈ શેખના ખેતરમાં પતિ પત્ની હોવાનું કહી રહેતા હતા. પરંતુ બંને પતિ પત્ની ન હોવાની જાણ થતા રાજુભાઈ શેખ યુવતીને સમજાવી કરમસદ ખાતે તેણીની માતાના ઘરે મૂકી આવ્યા હતા. ત્યારબાદ રવિવારે હિરલ તેની માતા કૈલાશબેનને સાથે લઈ રીક્ષામાં રાજુભાઈની ખબર અંતર પૂછવા હાડેવા જવા નીકળ્યા હતા, ત્યારે પૃથ્વીરાજ અગરસિંહ રાઓલ પ્રેમિકાને મળવા પીછો કરી હાડેવા ગયો હતો.
આ દરમિયાન હિરલ બહેનપણીને મળવાનું બહાનું કાઢી થોડીવારમાં આવું છું કહી પ્રેમીને મળવા રાજુભાઈના ઘરેથી નીકળી હતી. બાદમાં હિરલ ઘરે ન આવતા તપાસ કરતાં ગામ નજીક આવેલી મેજિક ફેક્ટરીના ગાર્ડરૂમના ઓટલા પર પૃથ્વીરાજ બેઠો હતો. જ્યારે હિરલ મૃત હાલતમાં મળી આવી હતી. ઘટના અંગેની જાણ લીંબાસી પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ પૃથ્વીરાજ રાઓલની અટક કરી પૂછપરછ કરતા હિરલે સાથે જવા ના પાડતા પૃથ્વીરાજે આવેશમાં આવી પ્રેમિકા હિરલનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હોવાની કબુલાત કરી હતી. લીંબાસી પોલીસે આ આરોપીને કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500