કર્ણાટકમાં મંદિરોમાં ચાલી રહેલા વિકાસ કાર્યોને રોકવાના આદેશને લઈને ઉગ્ર વિવાદને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસ સરકારે તાત્કાલિક ધોરણે કેટલાક આદેશ જાહેર કર્યાં હતા. અગાઉ રાજ્યના મુઝરાઈ વિભાગે જે વિવાદાસ્પદ પરિપત્ર બહાર પાડ્યો હતો તે પાછો ખેંચી લીધો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે આગામી સૂચના ન મળે ત્યાં સુધી મંદિરોના તમામ વિકાસ કામો સદંતર બંધ રાખવા જણાવાયું હતું.
મુખ્ય વિરોધ પક્ષ ભાજપે આ મુદ્દે સરકાર સામે અવાજ ઉઠાવવાની ધમકી આપી હતી અને હિન્દુ સંગઠનોએ આ પરિપત્રને ‘હિંદુ વિરોધી’ ગણાવ્યો હતો. જ્યારે મુઝરાઈના પ્રધાન આર રામલિંગા રેડ્ડીએ સ્પષ્ટ કર્યું કે સરકારનો ક્યારેય મંદિરોમાં વિકાસના કામને રોકવાનો ઈરાદો નથી. તેમણે માત્ર ચાલુ કામનો સ્ટેટસ રિપોર્ટ આપવા જણાવ્યું હતું.કર્ણાટકના મુઝરાઈ પ્રધાને મુઝરાઈ વિભાગને ગત ભાજપ સરકારના શાસનમાં દરેક મંદિર માટે મંજૂર કરાયેલા ભંડોળની રકમ, અત્યાર સુધી જાહેર કરાયેલા ભંડોળની રકમ અને 30 ઓગસ્ટ સુધીમાં વિગતવાર અહેવાલ માંગ્યો છે. પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિનો અહેવાલ માંગવામાં આવ્યો હતો.
14 ઓગસ્ટના રોજ મુઝરાઈ વિભાગે એક આદેશ જાહેર કરીને વિભાગના તમામ ડેપ્યુટી કમિશનરો અને જિલ્લા અધિકારીઓને સરકારના કાર્યક્ષેત્રમાં આવતા મંદિરોમાં ચાલી રહેલા વિકાસ કાર્યોને રોકવા માટે કહ્યું હતું. આ સમગ્ર વિવાદ પર પ્રતિક્રિયા આપતા મુઝરાઈ પ્રધાન રેડ્ડીએ કહ્યું કે ‘ઓર્ડર પાછો ખેંચી લેવામાં આવ્યો છે’. અમે ફક્ત નવીનીકરણના કામ માટે ફાળવવામાં આવતા ભંડોળની સ્થિતિ જોઈ રહ્યા હતા. મંદિર પરિસરમાં ચાલી રહેલા કામને રોકવાનો અમારો કોઈ ઈરાદો નહોતો.
જ્યારે મુઝરાઈ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે સ્ટેટસ રિપોર્ટની માંગણીના પ્રધાનના ખોટા અર્થઘટનને કારણે મંદિરોમાં તમામ વિકાસ કાર્યો ઠપ્પ થઈ ગયા. ત્યારે ભાજપ અને હિન્દુ સંગઠનોએ સરકાર પર ‘આસ્થા સાથે રાજનીતિ રમવાનો’ આરોપ લગાવ્યો હતો.સરકારની કાર્યવાહી પર આકરા પ્રહારો કરતાં, બેલગાવીમાં મુઝરાઈ વિભાગના ભૂતપૂર્વ પ્રધાન શશિકલા જોલેએ દાવો કર્યો હતો કે તેમના સમયમાં મંદિરોના જીર્ણોદ્ધાર માટે ભંડોળનો પ્રથમ હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો. પરંતુ મે મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને માર્ચમાં અમલી આદર્શ આચારસંહિતાના કારણે બીજો હપ્તો બહાર પાડી શકાયો નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500