એક બાજુ સરકાર' બેટી બચાવો બેટી પઢાવો' અને'ભણશે ગુજરાત તો બઢશે ગુજરાત' ના આવા અનેક નાના-મોટા નારા આપી રહી છે પરંતુ ગુજરાત અને ભારત સરકારને આજે ગુજરાતના જ લોકો પૂછી રહ્યા છે આમાં કેમ અને કેવી રીતે ભણશે ગુજરાત...! જર્જરિત બનેલી પ્રાથમિક શાળાઓને નોનયુઝ જાહેર કરી મોડેલ સ્કૂલો બનાવવાના ધોળા દિવસે સ્વપ્ના બતાવી સ્કૂલોને તોડી તો પડાય છે પણ નવા ઓરડા બનાવવામાં આવતા નથી અને સેકડો દિવસો સુધી આ દેશનું ભાવિ એવા નિર્દોષ ભૂલકાઓને ખુલ્લામાં બેસીને ભણાવવામાં આવે છે.
ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી છે સરકાર એક તરફ ગુજરાતના બાળકોને ભણાવવાની વાત કરે છે. અને ધોળા દિવસે ગુજરાતના નાગરિકોને રૂપકડા સ્વપ્નાઓ બતાવે છે બીજી તરફ કેટલાક ગામડાઓની શાળાઓ બંધ કરી અન્ય ગામની શાળા સાથે મર્જ કરવાની વાત કરે છે, હવે સરકારના આ નિર્ણય વચ્ચે એક સવાલ એ થઈ રહ્યો છે કે સરકાર શું ખરેખર દેશના ભાવિ નાગરિકો સમાન નિર્દોષ ભૂલકાઓને ભણાવવા ઇચ્છે છે કે પછી ખાલી ભણાવવાની તેમના ભાષણોમાં વાતો કરે છે. આ કહેવાનું કારણ એ છે કે ગુજરાતના કેટલાય ગામડાઓ એવા છે જે ગામડાના વિદ્યાર્થીઓ કાંતો ઝાડ નીચે બેસી અથવા તો ખુલ્લામાં બેસી, કે જ્યાં સૌચાલય કે પાણી અથવા તો પંખાની વ્યવસ્થા નથી હોતી એવી જગ્યાએ બેસીને ભણવું પડે છે.
એક રિપોર્ટ અનુસાર ઇડર તાલુકાના વિરપુર ગામની શેઠ ભીખાભાઈ જીવાભાઈ પ્રાથમિક શાળાની સ્થાપના સને ૧૯૬૦ માં થઈ હતી એક સમયે સમગ્ર પંથકમાં આ પ્રાથમિક શાળાની નામાંકિત શાળાઓમાં ગણના થતી હતી. સમયની સાથે વર્ષો જૂની આ શાળાના ઓરડાઓ જર્જરિત થતાં સરકારી તંત્રએ સલામતીના કારણોસર શાળાને નોનયુઝમાં મૂકી નવા ઓરડા બનાવવાનું જાહેર કરી અડીખમ ઉભેલી આ સ્કૂલના ઓરડાઓ તોડી પાડવામાં આવ્યા હતા અંદાજિત ચાર વર્ષથી બાળકો સરકારી પ્રાથમિક શાળામાં ઓરડાઓ વિના પટેલ સમાજની વાડીમાં ખુલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ સરકારે નવા ઓરડા બનાવવા આયોજન કોઈ કારણસર હાથ ધર્યું નથી અને જો હાથ ધર્યું હોય તો કોઈ અગમ્ય કારણસર ઘોંચમાં પડ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તો આ વિદ્યાર્થીઓના જીવન ને કઈ રીતે બહેતર બનાવી શકાશે...!
વધુ વિગતો મુજબ વિદ્યાર્થીઓને ગામની પટેલ વાડીમાં ખુલ્લામાં બેસાડીને ભણાવવામાં આવે છે જ્યાં બાળકોને બેસવા માટે બેન્ચની વ્યવસ્થા નથી. બ્લેક બોર્ડની પણ વ્યવસ્થા નથી હોતી. ત્યાં બીજી વ્યવસ્થા ની તો વાત જ છોડો ખુલ્લી છત નીચે ધોરણ એક થી પાંચ ના વિદ્યાર્થીઓ આવી કપરી પરિસ્થિતિમાં અભ્યાસ કરી રહ્યા છે પરિસ્થિતિનું વર્ણન સાંભળીને સામાન્ય માનવીને પણ એમ થાય કે આ તે કેવી શાળા....!! જ્યાં ક્લાસમાં બેન્ચ નથી કે પછી બ્લેક બોર્ડ વ્યવસ્થિત હોતું નથી આ પરિસ્થિતિમાં બાળકો કેવી રીતે અભ્યાસ કરશે...! શું આને કહેવાય વિકાસ ??
અત્રે ઉલ્લેખનીય છે કે વાતાનુકૂલિત ઓફિસમાં બેસીને ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવતી સરકારને ક્યાં ખબર છે કે ગામડાઓમાં શાળાઓ હજુ પણ ઓરડામાં નહીં ખુલ્લામાં ચાલી રહી છે ગુજરાતના બાળકોના સર્વાંગી વિકાસની જવાબદારી લઈને બેઠેલી ગુજરાત સરકાર ગાંધીનગર થી માત્ર ૯૦ કિલોમીટરના અંતરે આવેલ સાબરકાંઠાના ઇડર તાલુકામાં આવેલા વિરપુર ગામની તેમના જ અધિકારીઓએ જર્જરિત જાહેર કરી તોડી પડાયેલા પ્રાથમિક શાળાના છેલ્લા ચાર વર્ષથી ઓરડા બનાવી શકી નથી અને વિરપુર ગામના નાના ભૂલકાઓ આજે હજુ પણ ઓરડાઓના અભાવે ખુલ્લામાં ભણવામાં મજબૂર છે....!
સરકારના વર્ષોથી પ્રવેશોત્સવ, ગુણોત્સવ ના નાના-મોટા તાયફાઓ પછી પણ જર્જરિત મકાન માંથી નવા ઓરડાઓ બનાવી આપી શકી નથી પરંતુ સસ્તી પ્રસિદ્ધિ માટે કરોડો રૂપિયા ઉત્સવ પાછળ ઉજવણી કરવામાં વાપરી શકે છે....! તંત્ર એ તો જાણે હાથ જ અધ્ધર કરી દીધા હોય તેમ લાગી રહ્યું છે વિભાગના ઉચ્ચ અધિકારી પાસે લાગત પ્રશ્નને સંબંધિત હકીકત જાણવાનો પ્રયાસ કરાયો ત્યારે ગ્રાન્ટ નથી નો રૂપકડો જવાબ અધિકારીએ આપ્યો હતો. સરકારી અધિકારી ના જવાબો અને સરકારની લાલિયાવાડી ની ચરમસીમા ના કારણે ગામડાના બાળકો આજે પણ ખુલ્લામાં ભણવા મજબૂર છે.... અને સરકાર અને તેના મંત્રીઓ વિવિધ ઉત્સવોની ઉજવણી કરવામાં મશગૂલ છે.....! સવાલ એ થાય છે કે શું આ ગુજરાતનું ભાવિ અંધકારમાં નથી....! વિચાર કરો શું આને આપણે કહીશું વિકાસ....? જવાબ તો ગુજરાતની સરકાર અને તેના મંત્રીઓ અને એના સરકારી અધિકારીઓ જ આપી શકે તેમ છે...! (રવિભાઈ પટેલ/કામરેજ-સુરત)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application