Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હવે બાકી શું રહ્યું છે ?? ગુજરાતમાં ગાજ્યું નકલી બિયારણ કૌભાંડ

  • November 08, 2023 

ગુજરાતમાં નકલી બિયારણનું અને ખાસ કરીને બીટી કપાસનું નકલી બિયારણ ભારે પ્રમાણમાં વેચાતું હોવાની ખેડૂતોની ફરિયાદો મળતા ખોટી બાબતમાં પોતાના પક્ષના સાથીઓ પ્રત્યે પણ કડક વલણ અપનાવતા ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ એક પત્ર લખીને કૃષિ પ્રધાન રાઘવજી પટેલનું ધ્યાન દોરી ખેડૂતોને આ નકલીના સકંજામાંથી બચાવવા પગલાં લેવા જણાવ્યું હતું.



પ્રાપ્ત વિગતોનુસાર ગુજરાતમાં સક્રિય બિયારણ માફિયાઓને લઇને ભાજપના સાંસદે કૃષિ પ્રધાનને પત્ર લખ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે તેમને અનેક ખેડૂતોની રજૂઆતો મળી હતી અને તેની જાણ કરી યોગ્ય પગલા લેવામાં આવે તે માટે તેમણે કૃષિ પ્રધાન સાથે વાત કરીને બાદમાં પત્ર લખી રજૂઆત કરી હતી. કેન્દ્ર અને રાજય સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ બનાવી છે તેનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે, પરંતુ અમુક વેપારીઓ નકલી સર્ટિફાઇડ બિયારણ વેંચતા હોવાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થતું હોવાનું તેમણે જણાવ્યું હતું. એક પત્ર લખી બિયારણ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા અને તેમનું લાઇસન્સ રદ્દ કરવાનું પણ તેમણે પત્રમાં જણાવ્યું હતું. જેથી સરકારે તેમના પત્રને ધ્યાનમાં રાખી બિયારણ માફિયા અંગે કાર્યવાહી કરવા તાત્કાલિક બેઠક બોલાવી હોવાનું જાણવા મળ્યું છે.



ઉલ્લેેખનીય છે કે, નકલી બિયારણ મુદ્દે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાના પત્ર બાદ ગાંધીનગરમાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે તેમણે વધુમા જણાવ્યું હતું કે હું પણ ખેડૂત પુત્ર છું અને કૃષિ પ્રધાન રાઘવજી પટેલ સાથે મારે વાત થયા પછી જ પત્ર લખ્યો હતો. નકલી બિયારણ વેંચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાના સૂચનની સાથે સાથે કડક કાયદો બનાવી આવા વેપારીઓના લાઇસન્સ પણ રદ્દ કરવા જોઈએ એવું મોકરિયાએ પત્રમાં લખ્યું હતુ.



એટલું જ નહીં જે વેપારી પકડાય તેની પાસેથી ખેડૂતોના નુકસાનની પણ ભરપાઈ કરાવવી જોઈએ એવો ઉગ્ર મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો. ઉત્તર ગુજરાતમાં નકલી બિયારણ વેચાતુ હોવાનું થોડું ધ્યાનમાં આવ્યું હોવાનો નિર્દેશ તેમણે કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘સરકારની આંખ અને કાન બનીને મને જાણ થાય એટલે હું સરકારમાં રજૂઆત કરૂં છું, ખાદ્ય પદાર્થોમાં પણ ભેળસેળ અંગે મેં સરકારમાં રજૂઆત કરી છે. ખેડૂતોને નકલી બિયારણને કારણે નુકસાન જાય છે, પાણીનો બગાડ અને મહેનત તેમજ સમયનો વ્યય થાય છે. મારી રજૂઆત અંગે સરકાર પણ પગલાં લે છે તેથી મને સંતોષ છે. ૨૩ ઓક્ટોબરના મેં આ પત્ર લખ્યો હતો. સરકારે તાત્કાલિક અસરથી બેઠક બોલાવી છે.’




રામ મોકરિયાના નકલી બિયારણના પત્ર મામલે કૃષિ પ્રધાન રાઘવજી પટેલે અધિકારીઓની બેઠક બોલાવી છે. નકલી બિયારણ પકડવા અંગેની કામગીરી અને આવેલી ફરિયાદ સંદર્ભે આ બેઠકમાં ચર્ચા થશે. ખેડૂતોને પણ બિલ વગર કોઈ બિયારણ ન ખરીદવા અપીલ કરવામાં આવી છે.આ પૂર્વે પણ એક સિનિયર નેતા મારા કરોડો રૂપિયા ચાઉં કરી ગયા એવા આક્ષેપો સાથેની તેમની પોસ્ટે રાજકારણમાં ભારે ખળભળાટ મચાવ્યો હતો. હવે તેમણે નકલી બિયારણ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો છે. નકલી બિયારણના વેચાણના તેમના એક પત્રના પડઘા ગાંધીનગરમાં પડ્યા છે. આ પત્ર બાદ કૃષિ મંત્રી દ્વારા તાત્કાલિક બેઠક બોલાવાઈ છે.મોટા ભાગે બી.ટી કપાસનું નકલી બિયારણ વેચાતું હોવાથી ખેડૂતોને નુકસાન જાય છે. કપાસ પકવતા ખેડૂતો જ નકલી બિયારણની જાળમાં ફસાતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application