નેતાજી સુભાષચંન્દ્ર બોઝની ૧૨૬મી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકારના ગૃહ મંત્રાલય અને ગુજરાત સરકારના ઉપક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તા.૧૯/૦૧/૨૦૨૩નાં રોજ ‘આઈકોનિક’ કાર્યક્રમો યોજાશે. જેના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ૯૩મી બટાલિયન BSF-બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ પર તૈનાત સીમા સુરક્ષા દળના જવાનો દ્વારા ઉપયોગમાં લેવાતા તમામ આધુનિક શસ્ત્રોને જાહેર જનતા માટે પ્રદર્શન અર્થે મૂકવામાં આવ્યા છે.
આ પ્રદર્શનમાં બટાલિયન સ્તરના તમામ શસ્ત્રોનો સમાવેશ થાય છે, જેમ કે, પ્લાટૂન સ્તરના હથિયારોમાં INSAS શ્રેણીના શસ્ત્રો, AK શ્રેણીના શસ્ત્રો, એક્સપોઝર રાઇફલ, ૫૧ એમએમ મોર્ટાર અને રોકેટ લોન્ચર પ્રદર્શિત કરાયા છે. તેમજ સ્પોર્ટ વેપન્સ (લોંગમાર્ક કેપેસિટીના હથિયારો)માં ૮૧ એમએમ મોર્ટાર, મીડિયમ મશીનગન વગેરે સામેલ છે. સાથોસાથ દુશ્મન પર દિવસ-રાત બાજનજર રાખવા માટે ઉપયોગમાં લેવાતા વિશેષ ઉપકરણો પણ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બી.એસ.એફ બ્રાસ બેન્ડ, શસ્ત્ર પ્રદર્શન, નાગાલેન્ડ, ડાંગી નૃત્ય, માધવપુર(પોરબંદર)ની નૃત્યમંડળી, ઓડિસા જગન્નાથમ દર્શનમ, મણિપૂરી અને બંગાળી નૃત્યો જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત સુભાષબાબુના જીવનસંઘર્ષ આધારિત દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન તેમજ શસ્ત્ર પ્રદર્શન, બી.એસ.એફ બ્રાસ બેન્ડની સાથે વ્યસનમુક્તિ ‘નો ડ્રગ્સ’નું થીમ પ્રદર્શિત કરાશે.
બપોરે ૧૨:૦૦ વાગે વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેશન હોલ ખાતે નેતાજી સુભાષચંન્દ્ર બોઝના જીવન વિશે વકતવ્યનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વક્તા તરીકે સાહિત્યકાર વિષ્ણુંભાઇ પંડ્યા અને જય વસાવડા વકતવ્ય આપશે. આ ઉપરાંત સવારે ૭:૦૦ વાગે હરિપુરાગામે પ્રભાતફેરી તેમજ સુભાષબાબુની પ્રતિમાને પુષ્પાજંલિ અને ૫૦૦ યુવાનોની સાઇકલ રેલીને પ્રસ્થાન કરાશે જે બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે સમાપન થશે.તેમજ બારડોલી ખાતે સુભાષચંન્દ્ર બોઝને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાનો વિશિષ્ટ કાર્યક્રમ પણ યોજાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500