ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સુજાના મુવાડા ખાતે આવેલી એક ખાનગી કંપનીની સાયકલો – એસેસરીઝ દિલ્હી NCR માં વેચવાના બહાને હરીયાણાનાં દંપતીએ જુદા જુદા મોડલની 373 નંગ સાયકલો તેમજ 545 નંગ એસેસરીઝનો ઓર્ડર મેળવી લઈ રૂપિયા 22 લાખ 40 હજારનું ફુલેકું ફેરવી દીધુ હતું. જે મામલે રખીયાલ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દહેગામ તાલુકાના સુજાના મુવાડા ખાતે આવેલી ખાનગી કંપનીના લીગલ એડવાઈઝર પાર્થસારથીએ ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ – 2017 થી કંપની સાયકલો એસેસરીઝ બનાવે છે. કંપનીમાં અંદાજીત બે હજાર જેટલા ડીલરો છે.
જેનાં થકી ભારતભરમાં સાયકલો અને તેની એસેસરીઝનું વેચાણ કરવામાં આવતું હોય છે. વર્ષ 2017 થી કંપનીમાંથી ગુડગાવ ખાતે આવેલ રોડ રાઇડર કંપનીના ભાગીદાર સોનીયા તુલી તથા તેના સંજય તુલી સાયકલો તથા તેની એસેસરીજ ખરીદતા આવ્યાં છે. વર્ષ – 2021માં સોનીયા સંજય તુલી તથા સંજય રાજેન્દ્ર તુલીએ કંપનીને જણાવેલ કે, અમો વીસેક વર્ષથી સાયકલોનું દીલ્લી એન.સી.આર.માં વેચાણ કરીએ છીએ. તમે અમને તમારી કંપનીના ઓથોરાઇઝ ડીલર બનાવો તો તમારી સાયકલોનું દીલ્લી એન.સી.આર.માં વેચાણ કરીશું.
જેથી તમારી કંપનીનું નામ થઈ જશે તેવો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. જેનાં પગલે કંપનીએ દંપતીને ઓથોરાઇઝ ડીલર તરીકે નિમણુંક કરી હતી. ત્યારબાદ દંપતી કંપનીના માણસો મારફતે સાયકલો તથા સાયકલોની એસેસરીજનો ઓર્ડર લખાવ્યાં મુજબ માલ મોકલી આપવામાં આવતો હતો. આવી રીતે એપ્રિલ 2022 થી જુદી જુદી સાયકલો – એસેસરીઝનો મોટો ઓર્ડર મંગાવીને દંપતીએ મંદી ચાલતી હોવાનું બહાનું બતાવ્યું હતું.
જે બાદ પણ ડિસેમ્બર 2022 સુધીમાં તેમણે 373 સાયકલો તેમજ 545 એસેસરીઝ મંગાવી લીધી હતી. જે પેટે 23 લાખ 98 હજાર 749 ની ઉઘરાણી કરતા તેમણે 1 લાખ 58 હજાર 705 ચૂકવી અન્ય પૈસા પછીથી આપવાની બાંહેધરી આપી હતી. જો કે, આજદિન સુધી બાકી નીકળતા 22 લાખ 40 હજારનું પેમેન્ટ નહીં કરી દંપતીએ અવનવા બહાના બતાવી હાથ અધ્ધર કરી લીધા હતા. આખરે આ મામલે રખીયાલ પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500