ડાંગ જિલ્લામાં વરસાદનું જોર ઓછું થતાં તમામ કોઝ-વે કમ પુલો પરથી પાણી ઓસરી જતાં ફરી જનજીવન ધબકતુ થયું હતું. ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ ખાબકતા અંબિકા, પૂર્ણા, ગીરાઅને ખાપરી નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી બંને કાંઠે વહેતી થઈ હતી. જેના પગલે 15થી વધુ કોઝ-વે કમ પુલ પર પાણી ફરી વળતા 30થી વધુ ગામ પ્રભાવિત થયા હતા. આ સાથે આહવા-સાપુતારા રાષ્ટ્રીય ધોરી માર્ગમાં પણ ભેખડો ધસી પડતા માર્ગ બંધ થયો હતો. માર્ગ મકાન વિભાગ દ્વારા રાત-દિવસની જહેમત બાદ આહવા-સાપુતારા માર્ગ ફરી યાતાયાત કરાયો છે. જોકે શનિવારે ડાંગનાં સુબીરમાં વરસાદ નોંધાયો હતો. જ્યારે સાપુતારા, આહવા અને વઘઇ પંથકમાં વરસાદી જોર ધીમુ પડતા ગતરોજ ગરક થયેલ તમામ કોઝ-વે કમ પુલો પરથી પાણી ઓસરી ગયા હતા.
ત્રીજા દિવસે વરસાદે પોરો ખાતા જન જીવને હાશકારો અનુભવ્યો હતો. ગિરિમથક સાપુતારા સહિત વઘઇનાં ગીરાધોધ પર શનિવારે પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડતા ઠેરઠેર જામનાં દ્રશ્યો દેખાયા હતા. શનિવારે હળવા વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ઠેર-ઠેર હાઉસફુલનાં પાટિયા ઝૂલી ઉઠ્યા હતા. સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલને લઈને સાપુતારાની તમામ હોટેલો, હોમસ્ટે, ટેન્ટ સિટીઓ હાઉસ ફુલ થઈ હતી. શનિવારે હળવા વરસાદી માહોલ અને ધુમ્મસ ભર્યા વાતાવરણમાં પ્રવાસીઓએ બોટીંગ સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યાનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન આહવામાં 14 મિમી, વઘઇમાં 14મિમી, સાપુતારામાં 11 મિમી જ્યારે સૌથી વધુ સુબીરમાં 41 મિમી (1.64 ઈંચ) વરસાદ નોંધાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500