ગુજરાતમાં ફરી એકવાર વરસાદ આફત બની ગયો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ફરી એકવાર લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રવિવારે પડેલા ભારે વરસાદને કારણે નર્મદા અને અન્ય નદીઓમાં પાણીનું સ્તર વધ્યું હતું,નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને અનેક ગામડાઓનો સંપર્ક કપાઈ ગયો હતો. આ સમયગાળા દરમિયાન પાંચ જિલ્લામાંથી 10 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ગુજરાતમાં વરસાદથી વિકટ બનેલી પરિસ્થિતિને કાબૂમાં લેવા તાપી નદી પર બનેલા ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. તાપી નદીના કિનારાના અનેક ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ માટે 'રેડ એલર્ટ' જારી
હવામાન વિભાગ (IMD) એ પંચમહાલ, દાહોદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં મંગળવાર સવાર સુધી અતિ ભારે વરસાદ માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. IMDએ આવતા સપ્તાહે ગુરુવાર સુધી ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદમાં રવિવારે સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકના ગાળામાં 76 મીમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સત્તાવાળાઓએ સાવચેતીના પગલા તરીકે તમામ અંડરપાસ ટ્રાફિક માટે બંધ કરી દીધા છે.
સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા
ભારે વરસાદના પગલે સરદાર સરોવર ડેમ (SSD)ના 30માંથી 23 દરવાજા શનિવારે ખોલવામાં આવ્યા હતા અને 5.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. નર્મદા નદીમાં જંગી માત્રામાં પાણી છોડવાને કારણે નર્મદા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સરદાર સરોવર ડેમ આ ચોમાસામાં પ્રથમ વખત રવિવારે સવારે 138.68 મીટરના પૂર્ણ સંગ્રહ સ્તર (FRL) પર પહોંચ્યો હતો. પૂરથી પ્રભાવિત કુલ 9,613 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા,જ્યારે નર્મદા,ભરૂચ,વડોદરા,દાહોદ અને પંચમહાલ જિલ્લામાં 207 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
દરમિયાન, નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં કેટલાંય ગામોમાં પૂરના અહેવાલોને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા વહીવટીતંત્રે સોમવારે શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. નર્મદા જિલ્લા અધિકારી શ્વેતા તેવટિયાએ જણાવ્યું હતું કે બચાવ પ્રયાસો ચાલુ છે અને ડેમ (સરદાર સરોવર)માંથી પાણી છોડવાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ પર વહીવટીતંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે. નર્મદાના જળસ્તરમાં વધારો થતા જિલ્લામાં SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારનો હવાઈ સર્વે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500