વિજ્ઞાનિકોએ ભારતમાં ભૂકંપની શક્યતા વ્યક્ત કરી છે. હિમાલયન રેન્જમાં પૃથ્વીનાં પેટાળમાં સતત હિલચાલ થઈ રહી હોવાથી દેશમાં ગમે ત્યારે ભૂકંપ આવી શકે છે. ખાસ તો પૂર્વોત્તર રાજ્યો પર ભૂકંપનો ખતરો વધારે છે. ભારત-પાકિસ્તાન અને ચીન ભૂકંપથી પ્રભાવિત થઈ શકે છે. દેહરાદૂન સ્થિત વાડિયા હિમાલયન જિયોલોજી ઈન્સ્ટિટયૂટના વિજ્ઞાનિકોએ દહેશત વ્યક્ત કરી છે કે, ભારતમાં ગમે ત્યારે ભૂકંપ આવી શકે છે.
હિમાલયનાં પેટાળમાં એનું એપી સેન્ટર હોઈ શકે અને તેની અસર સમગ્ર ભારત સહિત વિશેષ પૂર્વોત્તરના રાજ્યોમાં થઈ શકે છે. જોખમ ઘટાડવા લોકોમાં જાગૃતિ આવે એ દિશામાં કામ કરવાની જરૂરિયાત પર વિજ્ઞાનિકોએ ભાર મૂક્યો હતો. આ ઈન્સ્ટિટયૂટનાં સીનિયર સાયન્ટિસ્ટ ડૉ.અજય પોલે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં તાજેતરમાં આવેલા ભૂકંપનું એપી સેન્ટર ખૂબ પેટાળમાં હતું. તેના કારણે એની અસર બહુ બધા દેશોમાં થઈ હતી. આ આખો વિસ્તાર સિસ્મિક ઝોન-5માં હોવાથી ભૂકંપની દહેશત હંમેશા રહે છે. હિંદકુશ પર્વતમાળા, હિમાલયન પર્વતીય રેન્જ અને કારાકોરમમાં સેંકડો ફોલ્ટલાઈન છે.
તેના આંતરિક ટકરાવથી પેટાળમાં અસ્થિરતા રહે છે અને તે ભૂકંપનું કારણ બને છે. આ ફોલ્ટલાઈનમાં થોડી ઘણી હિલચાલ થાય તો પણ ભારતમાં અસર થયા વગર રહેતી નથી. વિજ્ઞાનિકોનાં કહેવા પ્રમાણે હજુય ઈન્ડિયન-યુરેશિયન-તિબેટિયન પ્લેટમાં ઘર્ષણ થાય છે. આ ટેકટોનિક પ્લેટ્સ એકબીજાને ધક્કો મારે છે અને તેના કારણે પૃથ્વીના ઉપરના પડ તીવ્રતાથી ધુ્રજી ઉઠે છે. ટેકટોનિક પ્લેટ્સમાંથી પ્રેશર રિલિઝ થાય ત્યારે ભૂકંપના આંચકા આવે છે. ભારતીય ઉપખંડમાં ધરતીકંપની શક્યતા દિવસે દિવસે વધતી જતી હોવાથી વિજ્ઞાનિકોએ સાવધાન રહેવાની ચેતવણી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500