અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણા અંતે એસીબીની ગીરફતમાં આવ્યા છે. થોડા સમય પહેલા 29મી જાન્યુઆરી 2024 ના રોજ સુનિલ રાણા સામે અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ કર્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સુનિલ રાણા પાસે અપ્રમાણસર મિલકત હોવાની અરજી એસીબીને મળી હતી. જેની તપાસ કરતા અલગ અલગ ત્રણ જેટલા મકાનો અને ફિક્સ ડિપોઝિટ સહિત કુલ 2 કરોડ 75 લાખ 18 હજારથી વધુ અપ્રમાણસર મિલકત મળી આવી હતી. જે મિલકત 1 એપ્રિલ 2010 થી 31 માર્ચ 2020 સુધીના સમયગાળા દરમિયાન સુનિલ રાણા એ પોતાના અને પત્ની તેમજ બાળકોના નામે વસાવી હતી. સુનિલ રાણા એ પોતાની આવક કરતા 306.11% વધુ અપ્રમાણસર મિલકત રાખતા તેની સામે ગુનો દાખલ કરાયો હતો. જે કેસમાં તપાસ કરતા વધુ 40.38 લાખની FD અને 9 સેવિંગ ખાતા માંથી 15 લાખ રકમ એમ કુલ 55 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે.
આ અંગે એસીબી ખાતે ગુનો નોંધાયા બાદ સુનિલ રાણા છુપાતો ફરતો હતો. તેણે સેશન્સ કોર્ટ તેમજ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી નામંજૂર તથા અંતે તે એસીબી સમક્ષ હાજર થતા તેની ધરપકડ કરી છે. તપાસ કરતા સુનીલ રાણા વર્ષ 1997 માં સબ વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે કોર્પોરેશનમાં જોડાયો હતો અને 2011 માં પ્રમોશન થયું હતું તેનો પગાર હાલ 1,21,000 ની આસપાસ છે. આ મામલે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. તે અત્યાર સુધી ક્યાં ફરાર હતો અને કોણે તેને મદદ કરી તે તમામ દશામાં પૂછપરછ માટે રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500