બારડોલીના ધામડોદ ગામની સીમમાં આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાય જતાં સ્થાનિક રહીશો તેમજ ગ્રામ પંચાયત દ્વારા નગરપાલિકાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં બિલ્ડર દ્વારા દીવાલ બાંધકામ કરવામાં આવતા પાણીનો નિકાલ થતો ન હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ પડેલા ભારે વરસાદને કારણે બારડોલીને અડીને આવેલા ધામડોદ ગામની શિવ શકિત સોસાયટી, માન સરોવર સોસાયટી, કાછિયા પાટીદાર સમાજની વાડી, મણી નગર,શ્રી રંગ અવધૂત મંદિર સહિતના વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાય ગયા હતા.અગાઉના વર્ષોમાં આ વિસ્તારમાં ક્યારેય પાણી ભરાતા ન હતા.આથી સોસાયટીના રહીશો તેમજ ગ્રામ પંચાયત દ્વારા બારડોલી નગરપાલિકાને લેખિત ફરિયાદ કરી પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે તાકીદ કરવામાં આવી હતી.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે,નગરપાલિકા વિસ્તારમાં આચાર્ય તુલસી માર્ગ પર રુદ્ર ડેવલપર્સ દ્વારા બાંધવામાં આવેલી દીવાલને કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી.આથી વિસ્તારના ઘરોમાં પાણી ભરાય રહ્યા છે. મંગળવારના રોજ આખો દિવસ ખાડીનું પાણી શૌચાયલ વાટે ઘરોમાં આવી જતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. આથી ગંદુ પાણી ઘરમાં આવતા રોગચાળાની દેહશત પણ સ્થાનિકો સેવી રહ્યા છે.ત્યારે બિલ્ડરના લાભ માટે પાલિકા શાસકો અને અધિકારીઓએ બનાવેલી વરસાદી પાણીની લાઇન તેમજ બિલ્ડરે બનાવેલી દીવાલ ધામડોદ ગામની સોસાયટીઓ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500