Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જંગલ ઉપરનું ભારણ ઘટાડવા સાથે જંગલમાં વસવાટ કરતા પરિવારોનો આર્થિક સહારો બનતી વન વિભાગની વાડી યોજના

  • August 08, 2023 

જંગલ ૫રનું ભારણ ઘટાડવા સાથે જંગલ વિસ્તારમાં વસતા પ્રજાજનોને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે, ડાંગ જિલ્લાના વન વિભાગ દ્વારા વાડી યોજનાનો સુપેરે અમલ કરીને યોજનાનો મૂળભુત હેતુ સિદ્ધ કરાયો છે. વન વિભાગ દ્વારા પ્રતિ વર્ષે વાડી યોજના અંતર્ગત એક રેંજ પસંદ કરવામાં આવે છે. જેમાં ખેડુત લાભાર્થીઓને આંબાકલમ, કાજુ કલમ, સિતાફળની કલમ, અંજીરની કલમ, જમરૂખની કલમ જેવી વિવિઘ કલમોનું વિતરણ કરી ખેડુતોને તેના વાવેતર માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ચાલુ વર્ષ એટલે કે સને ૨૦૨૩-૨૪માં ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકની બરડીપાડા રેંજ, વાડી યોજના માટે ૫સંદ કરવામાં આવી છે. જેમાં બંઘપાડા, બરડીપાડા, ઘુલદા, કસાડબારી, ખોખરી, મહાલ, સાજુપાડા, ઢોંગીઆંબા, હાડોળ, ઇસખંડી અને લહાનકસાડ જેવા ગામોને આવરી લેવામાં આવ્યા છે.



આ ગામોમાં સર્વે આઘારિત સર્વાંગીણ વિકાસના તબક્કાવાર જુદા જુદા કાર્યક્રમો હાથ ઘરી, સ્થાનિક સ્તરે જ આદિવાસી ૫રિવારોના આર્થિક ઉત્કર્ષના પ્રયાસો હાથ ઘરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા વાડી પ્રોજેક્ટ હેઠળ ૨૩૦ જેટલા ખેડુત લાભાર્થીઓને ફળાઉ રોપા આંબાકલમ, કાજુ કલમ, સિતાફળની કલમ, નિલગીરી, વાંસ, અને ખેતીના ઓજારમાં ત્રિકમ, પાવડો, કોદાળી, દાતાળો, દાતરડું જેવા ખેડુતોને ખેતીમાં ઉપયોગી થાય તેવા સાઘનોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ યોજનાનો હેતુ વનોની આસપાસ રહીને વાડી યોજનાનું અમલીકરણ કરવા સાથે, વન અઘિકારના કાયદા હેઠળ ખેડુતો પોતાનો આર્થિક વિકાસ સાધી શકશે, અને અન્ય સ્થળે રોજગારી માટે તેમણે સ્થળાંતર કરવાની જરૂરીયાત ઉદભવશે નહી. જેને પરિણામેં આ શ્રમજીવી પરિવારો તેમના બાળકોને સાતત્યપૂર્ણ શિક્ષણ પણ આપી શકશે, અને તેમના કુટુંબ કબીલાનું ધ્યાન પણ રાખી શકશે.



ઉલ્લેખનીય છે કે, ઉત્તર ડાંગ વન વિભાગની વાડી યોજના હેઠળ સને ૨૦૨૩/૨૪ દરમિયાન કુલ ૨૩૦ લાભાર્થીઓને ૪૬૦૦ ફળાઉ રોપા, સને ૨૦૨૨/૨૩ દરમિયાન ૧૦૦ લાભાર્થીઓને ૨૦૦૦ રોપા, અને સને ૨૦૨૧/૨૨ દરમિયાન ૪૧૭ લાભાર્થીઓને ૮૩૪૦ રોપા મળી, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ ૭૪૭ લાભાર્થીઓને ૧૪,૯૪૦ જેટલા ફળાઉ રોપાનું વિતરણ કરાયું છે. ઉત્તર વન વિભાગના વાડી પ્રોજેકટ હેઠળ અગાઉના વર્ષોમાં કરાયેલા ફળાઉ રોપાઓના વિતરણ બાદ તેની ફળશ્રુતિ રૂપે ૩૦૦ મણ જેટલી કેરીનું ઉત્પાદન મળવા પામ્યું હતુ. આમ, વન વિભાગની વાડી યોજના થકી વનોના વિકાસ સાથે વનોમાં વસતા પરિવારનો પણ વિકાસ શક્ય બની રહ્યો છે. તાજેતરમાં ડાંગ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા વન પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળભાઇ બેરાના હસ્તે, વાડી યોજનાના ખેડુત લાભાર્થીઓને આંબાકલમ, કાજુ કલમ અને ખેડુત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application