વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એક્સેસ મોર્ટાલિટી ડેટાના ગાણિતિક મોડેલના આધારે વિશ્વમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો જાહેર કર્યો હતો. એ પ્રમાણે કોરોનાથી દુનિયામાં 62 લાખ નહીં, પરંતુ 1.5 કરોડ કરતાં વધુ લોકોનાં મોત થયા હતા. આ અહેવાલમાં કોરોના મહામારીની અસરથી થયેલા મૃત્યુઆંકને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. ભારત સરકારના સત્તાવાર આંકડાંથી અનેક ગણો મોટો આંકડો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આપ્યો હતો. WHOનાં અહેવાલનું માનીએ તો ભારતમાં મહામારી દરમિયાન 47 લાખ જેટલાં લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હતાં.
વિશ્વમાં કોરોનાથી 62,70,326 લોકોનાં મોત થયા છે. 51 કરોડ કરતાં વધુ લોકોને કોરોનાનું સંક્રમણ થયું હતું. એમાંથી વિવિધ અહેવાલો પ્રમાણે 62 થી 63 લાખ લોકોએ જીવ ખોયો હતો. જોકે, હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ આંકડો 2 ગણો હોવાનું કહ્યું હતું. WHOનાં વડા ટેડ્રોસ એધનોમ ઘેબ્રેયસસના કહેવા પ્રમાણે દુનિયામાં 2020 અને 2021 એમ બે વર્ષ દરમિયાન દુનિયામાં દોઢેક કરોડ લોકોનાં કોરોનાથી મોત થયા હતા. અહેવાલમાં આ રેન્જ 1.33 કરોડથી 1.66 કરોડ સુધી આંકવામાં આવી હતી એનો અર્થ એ કે કોરોનાથી મૃત્યુઆંક ઓછામાં ઓછો 1 કરોડ 33 લાખ, વધુમાં વધુ એક કરોડ 66 લાખ સુધી હોઈ શકે છે.
કોરોનાથી સત્તાવાર મૃત્યુ આંક અત્યાર સુધી 62 થી 63 લાખ નોંધાયો છે. WHOનાં આ અહેવાલમાં કોરોના મહામારીની અસરથી થયેલા મૃત્યુને પણ ધ્યાનમાં લેવાયા છે. એટલે કે કોરોના મહામારી દરમિયાન કોરોના કોમ્પ્લિકેશન્સના કારણે પોસ્ટ કોવિડ ડેથને પણ ધ્યાનમાં લેવાયા હતા. તે ઉપરાંત કોવિડ મહામારી દરમિયાન અન્ય સારવાર કોરોનાના કારણે ન થઈ હોય તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. એક્સેસ મોર્ટાલિટી ડેટાના ગાણિતિક મોડેલના આધારે આ અહેવાલ રજૂ થયો હતો.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડાં પ્રમાણે સ્પેનિશ ફ્લુ વખતે 1918માં 10 કરોડ લોકોનાં મોત થયા હતા. કોરોના મહામારીમાં એટલો આંકડો થયો નથી તેને સદ્ભાગ્ય ગણાવ્યું હતું. જોકે, ઘણાં લોકો કોરોનાના કારણે અન્ય સારવાર લઈ શક્યા ન હોવાથી મૃત્યુ પામ્યા છે તે બાબતે ચિંતા વ્યક્ત કરીને એવો આંકડો ઘણો મોટો હોવાનું કહ્યું હતું. WHOને ભારતના આંકડાંને તો ક્યાંય વધારે ગણાવ્યો હતો. WHOનાં આંકડાં પ્રમાણે ભારતમાં 47 લાખ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હતા.
ભારતનો સત્તાવાર આંકડો 5.23 લાખ છે. WHOનાં વડાએ કહ્યું હતું કે, દુનિયામાં કોરોનાથી મૃત્યુઆંક માત્ર વધુ છે એ જ બતાવવાનો અમારો ઈરાદો નથી, પરંતુ સ્વાસ્થ્ય ક્ષેત્રને વિકસિત કરવાની દિશામાં કે એ ક્ષેત્રમાં વધુ રોકાણની જરૂરિયાત પર પણ અમે ભાર મૂકીએ છીએ. મહામારી જેવું સંકટ આવે ત્યારે વિશ્વનું સ્વાસ્થ્ય ક્ષેત્ર વધુ કાર્યક્ષમ રહે તે અતિ આવશ્યક છે. એ માટે સ્થાનિક સરકારી તંત્ર મજબૂત હોવું જોઈએ. એ દિશામાં વિશ્વના દેશોએ વિચારવાની જરૂર છે. WHOનાં અહેવાલ પછી ભારતે સ્પષ્ટતા કરી હતી. WHOની ડેટા કલેક્શનની પદ્ધતિ, વેલિડિટી મોડેલ સવાલોના દાયરામાં આવે તેમ છે.
આ ગાણિતિક મોડેલ મહામારીના સમગ્ર સમયગાળામાં લાગુ પાડી શકાય તેમ નથી. ભારતનો જે સત્તાવાર આંકડો છે તે યોગ્ય પદ્ધતિથી અને હોસ્પિટલોમાંથી મળેલા ડેટાના આધારે છે. ભારતના આંકડાંથી આટલો મોટો તફાવત સ્વીકારી શકાય તેમ નથી. કેન્દ્ર સરકારની સ્પષ્ટતામાં કહેવાયું હતું કે, દેશમાં જન્મ અને મૃત્યુની નોંધણીની એક ચોક્કસ પદ્ધતિ છે અને એ પદ્ધતિ કાયદાકીય છે. આ પદ્ધતિને ગાણિતિક મોડેલથી પડકારી શકાય નહીં. WHOએ બધા સભ્ય દેશોના આંકડાંનું સન્માન કરવું જોઈએ અને તેનો સ્વીકાર કરવો જોઈએ. ભારતને દ્વિતીય શ્રેણીમાં રખાયું છે. જે બિલકુલ યોગ્ય નથી. રાજ્યોની વેબસાઈટમાંથી કે અન્ય સ્ત્રોતમાંથી આંકડાં લેવા બાબતે પણ ભારતે WHO સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500