ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં એક મોટરસાઈકલ પર સવાર ત્રણ અજાણ્યા ઈસમોએ વ્યારાનાં વેપારીની કારને આંતરી રૂપિયા ૬.૭૦ લાખ રૂપિયાની લુંટ ચલાવી હતી. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાનાં વ્યારા ખાતે રહેતા મહેશભાઈ શાંતિરામભાઈ ચિત્તે ડુંગળી તથા શાકભાજીનો વ્યાપાર કરે છે મહેશભાઈ ડુંગળીની ખરીદી પણ કરવાનાં હોવાથી નિફાડ (નાસિક) જવા માટે નીકળ્યા હતાં.
તેઓ વ્યારા, ઉનાઈ, વાંસદા, વઘઇથી સાપુતારા શામગહાન ત્રણ રસ્તાથી માંલેગાવ ચેકપોસ્ટની વચ્ચે ઘાટ સેકશનમાં પોતાની કાર નંબર જીજે/૦૫/જેએફ/૭૧૦૦ને લઈને સવારના મળસ્કે આશરે ૪થી ૫ વાગ્યાનાં અરસામાં પહોંચ્યા હતાં. જ્યાં ઢાળવાળો રસ્તો હોવાથી કારની સ્પીડ આશરે ૩૦ કિ.મી.ની આસપાસ હતી. તે સમયે પાછળથી કારના સાઈડ ગ્લાસ પર લાઈટનો પ્રકાશ આવતો હતો અને એક કાળા કલરની સ્પ્લેન્ડર મોટરસાઈકલ આ વેપારીની કારથી થોડે આગળ જઈ લાકડીનો ઈશારો કરીને કારને આંતરીને ઉભી રખાવી હતી.
મોટર સાયકલ ઉપરથી બે માણસો વેપારીની કાર પાસે આવેલા અને એકે ડ્રાઈવર સાઈડે આવીને દરવાજો ખોલાવ્યો હતો. ડ્રાઈવર સાઈટે સીટનાં નીચે મુકેલી રોકડા રૂપિયા ૬,૭૦,૦૦/- ભરેલી બેગ લુંટીને નાસી વઘઈ તરફ નાસી છૂટયા હતાં. ત્યારબાદ વેપારીએ લૂંટ થયા અંગેની જાણ ડાંગ જિલ્લાની પોલીસને કરતા પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. હાલમાં આ વેપારીએ સાપુતારા પોલીસ મથકે લૂંટ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500