અફઘાનિસ્તાનમાં તાલિબાને મહિલાઓ પર આકરા પ્રતિબંધો મુક્યા બાદ હવે મીડિયા ઉપર પણ પ્રતિબંધો મુકવા લાગ્યું છે. હાલમાં જ તાલિબાને અફઘાનિસ્તાનમાં અમેરિકન, યુરોપિયન અને અન્ય દેશોના રેડિયો પ્રસારણ પર પ્રતિબંધ મુકી દીધો હતો. જેની ભારે ટીકા થઇ રહી છે અને પ્રતિબંધ હટાવવા માંગ ઉઠી રહી છે. ‘ધ વોઇસ ઓફ અમેરિકા’ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં વોઇસ ઓફ અમેરિકા, ફ્રી યૂરોપ, રેડિયો લિબર્ટી ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. તાલિબાને કહ્યું હતું કે, અમને રેડિયો અંગે ફરિયાદ મળી હોવાથી પ્રતિબંધ મુક્યો છે. જોકે શું ફરિયાદ મળી હતી તેની કોઇ જ વિગતો આપવામાં નથી આવી.
વોઇસ ઓફ અમેરિકા અને ફ્રી યૂરોપ રેડિયોને અમેરિકન સરકાર દ્વારા ફંડ મળે છે અને તે અફઘાનિસ્તાનમાં પણ પોતાની સેવા આપે છે. તાલિબાને અફઘાનિસ્તાનમાં અમેરિકા અને નાટો સૈન્ય હટતા જ સત્તા પોતાના હાથમાં લઇ લીધી હતી. આધુનિક અને સ્વતંત્ર નિયમોને લાગુ કરવાના બદલે તાલિબાન વધુ રુઢીવાદી અને કટ્ટરવાદી પ્રતિબંધો લગાવવા લાગ્યું છે. હાલમાં જ સમગ્ર અફઘાનિસ્તાનમાં શરિયા કાયદો લાગુ કરી દેવામાં આવ્યો હતો. રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, તાલિબાને સત્તા ઝૂંટવી લીધી ત્યારથી લઇને અત્યાર સુધી અફઘાનિસ્તાનમાં 40 ટકા મીડિયાનો વ્યવસાય ઠપ છે અને 60 ટકા પત્રકારોએ અફઘાનિસ્તાનમાં પત્રકારત્વ છોડી દીધુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500