Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકરની ગુજરાતના નર્મદા જિલ્લાની મુલાકાત

  • May 27, 2023 

કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડૉ.સુબ્રમણ્યમ્ જયશંકર સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત બે દિવસીય નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. વિદેશ મંત્રીશ્રીએ તેઓશ્રીની મુલાકાતના બીજા દિવસે તા.૨૭મી મે, શનિવારના રોજ વહેલી સવારે રાજપીપલા સ્થિત છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજની મુલાકાત કરી હતી. જ્યાં મોર્નિંગ વોક માટે આવેલા સિનિયર સિટિઝન્સ સાથે ખુલ્લા-મોકળા મને ઔપચારિક ચર્ચા કરી સ્વસ્થ જીવન માટે કસરતનું અનેરૂં મહત્વ રહેલું છે જેથી નાગરિકોને ફિટ ઈન્ડિયાના સૂત્રને વળગી પોતાના જીવનમાં કસરતને આજીવન સ્થાન આપના અપીલ કરી હતી.



વિદેશ મંત્રીશ્રીએ નર્મદા જિલ્લાના ચાર ગામોને દત્તક લઈને તેમાં આરોગ્ય, શિક્ષણ, વીજળી-પાણી, યુવા રોજગાર જેવા વિષયોને ધ્યાનમાં રાખીને માળખાગત સુવિધાઓ ઉભી કરી ગામનો વિકાસ કરવાની નેમ સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ઉત્સાહભેર ઉપાડી છે. ખાસ કરીને બાળકો સ્વસ્થ હશે તો દેશનું ભવિષ્ય સ્વસ્થ અને તંદુરસ્ત હશે તેવા દ્રઢ સંકલ્પ સાથે રાજપીપલા ખાતે છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ખાતે જીમ્નાસ્ટિક થકી ઉત્તમ સુવિધાઓ ખેલાડીઓને ઉપલબ્ધ કરાવી શકાય તેવા શુભ આશય સાથે જીમ્નાસ્ટિક હોલનું તેમની ગ્રાન્ટમાંથી અપગ્રેડેશન કરવામાં આવી રહ્યું છે.


કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજના જિમ્નાસ્ટીક હોલની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં હાલમાં રાજ્યભરમાંથી આવેલા જિમ્નાસ્ટિકની અલગ-અલગ ઈવેન્ટના ખેલાડીઓ જેઓ અભ્યાસ કરી રહ્યા હતા તેનું નિરિક્ષણ કર્યું હતું. સૌ પ્રથમ જીમ્નાસ્ટીક બિગનર્સ(નાની વયના ખેલાડીઓ) સાથે વાર્તાલાપ કર્યો હતો. આ વેળા કોચશ્રી ગૌરીશંકર વિદેશ મંત્રીશ્રીને જરૂરી વિગતો પુરી પાડી હતી. બાદમાં અન્ય વિભાગોના ખેલાડીઓ જેઓ પોતાની પસંદગીની ગેમનો અભ્યાસ કરી રહ્યા હતા તેમના હેરતભર્યા કરતબો વિદેશમંત્રીશ્રીએ નિહાળી અભિભૂત થયા હતા. સમગ્ર હોલ અપગ્રેડેશન અને સ્પર્ધાઓ વિશેની વિગતો જિમ્નાસ્ટીક કોચ શ્રી હિમાંશુ દવેએ વિદેશ મંત્રીશ્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી.  

     

કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડો.એસ.જયશંકરે છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ખાતે આવેલા જૂના જિન્માસ્ટિક હોલના અપગ્રેડેશન અને અત્યાધુનિક સાધન સામગ્રી વસાવવા માટે રૂપિયા ૨ (બે) કરોડની ફાળવણી કરી છે. હોલની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. જેમાં હોલના અપગ્રેડેશન માટે અંદાજે રૂપિયા ૧.૩૦ કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે. હાલ ચાલી રહેલી કામગીરીનું વિદેશ મંત્રીશ્રીએ સ્થળ પર જાત નિરિક્ષણ કરી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી એસ.એચ.મોદી પાસેથી કામગીરી-પ્રગતિ અંગેની સમગ્ર વિગતો મેળવી હતી.


માધ્યમો સાથેના સંવાદમાં વિદેશ મંત્રીશ્રી ડો.એસ.જયશંકરે જણાવ્યું હતું કે, છેલ્લા થોડા વર્ષોમાં વિકાસ કાર્યો અને યોજનાઓ થકી જિલ્લામાં ઘણું પરિવર્તન આવ્યું છે. એકતાનગર કેવડિયામાં અગાઉ કરેલી મુલાકાત અને હાલની મુલાકાતને માત્ર આઠ મહિના જેટલો સમય થયો પરંતુ આટલા ટુંકા ગાળામાં પણ અનેક પરિવર્તનો આવ્યા છે જે મેં નજરે નિહાળ્યા છે. આજે સવારે રાજપીપલાની છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજની મુલાકાતે હું પ્રથમ વખત પહોંચ્યો ત્યારે કેટલીક દિકરીઓ અને યુવા ખેલાડીઓ જીમ્નાસ્ટીક કરી રહ્યા હતા. તેમનું ટેલેન્ટ અને ઉત્સાહ મેં નજરે જોયો. તેમને જો આપણે સુવિધાઓ પુરી પાડીશું તો યુવાઓમાં કેટલી પ્રગતિ થઈ શકે છે તેની આપણે કલ્પના શુદ્ધાં કરી શકતા નથી. હાલમાં રાજ્ય કક્ષાની જીમ્નાસ્ટીક તાલીમ અહીં ચાલી રહી છે તે આનંદ અને ગૌરવની વાત છે.


વધુમાં કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રીએ જણાવ્યું કે, કેટલાંક મારી ઉંમરના લોકો પણ કોલેજ કેમ્પસમાં સવારે વોકિંગ માટે આવ્યા હતા. તેમની સાથે મુલાકાત કરી ફિટનેશ અંગે વાર્તાલાપ કર્યો હતો. ફિટનેશની વાત કરીએ તો બાળપણથી જ તેની કાળજી લેવી પડે છે અને તેથી જ અમે આંગણવાડીના બાળકોથી જ સ્વાસ્થ્યની રમત-ગમતની ચિંતા કરી તે દિશામાં કામ કરી રહ્યા છીએ. શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારી તમામ બાબતોમાં ફિટનેશ-માઈન્ડ સેટની ખુબ જરૂર હોય છે. સ્વસ્થ બાળકોના ભવિષ્ય થકી જ કોમ્પિટીટીવ અને હેલ્ધી ભારતનું નિર્માણ થશે. એટલા માટે જ ડિગ્રી કોલેજમાં જિમ્નાસ્ટીક હોલનું એક્સ્પાન્સન નિર્માણ કાર્ય હાલ ચાલી રહ્યું છે તેનું પણ નિરિક્ષણ વિદેશમંત્રીશ્રીએ કર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application