હિંદુસ્તાન ઝીંક કંપની મામલે સોમવારે ડોસવાડામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે,આદિવાસી સમાજ દ્વારા પ્રદૂષણ તેમજ જમીનના હક્કોના મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને સુનાવણી રદ કરવાની માંગ કરવામાં આવી હતી. ઝીંક કંપનીના વિરોધમાં હાઇવે પર હજારોની સંખ્યામાં ઉતરી આવેલા ટોળાએ ઉગ્ર વિરોધ કર્યો હતો.
પ્રદર્શનકારીઓની માંગ હતી કે,જીપીસીબીની લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવે અને આ વિસ્તારમાં પર્યાવરણને નુકસાન પહોંચે નહીં એટલે આ પ્લાન્ટ અહીંયા સ્થાપવામાં ન આવે. લોકોના વિરોધ જોતા સુનાવણી રદ કરવામાં આવી હતી. જોકે જિલ્લા કલેકટર પાસેથી લેખિત બાંહેધરીનો આગ્રહ રાખી પ્રદર્શનકારીઓએ હાઇવે-જામ કરી દેતા સમજાવવા દોડી આવેલી પોલીસ પર હાઇવેની સામેથી એકાએક પથ્થરમારો કરવામાં આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે બેકાબૂ ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના રાઉન્ડ છો઼ડ્યા હતા, લોકોમાં એટલો બધો આક્રોશ હતો કે પોલીસ પર પથ્થરમારો કરી પોલીસની ગાડીઓને પણ ઉંધી વાળી દેવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આ હિંસક ઘટનામાં ડીવાયએસપી,પીઆઈ,સિપિઆઇ અને મહિલા પીએસઆઈ સહિત કુલ 14 પોલીસઅધિકારીઓ/કર્મીઓને ઓછીવત્તી તેમજ ગંભીર ઈજાઓ પહોચી હતી તેમજ કુલ 10 જેટલા સરકારી વાહનોમાં તોડફોટ કરી ભારે નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘર્ષણ બાદ સ્થળ પરથી પ્રદર્શનકારીઓના મળી આવેલા વાહનો પોલીસે જપ્ત કર્યા હતા.તમામ વાહનોને ટેમ્પોમાં ભરી સુરક્ષિત સ્થળ પર લઇ જવામાં આવ્યા હતા.
આ હિંસક મામલે પોલીસે આશરે 250 જેટલા પ્રદર્શનકારીઓ સામે ઈપીકો કલમ 307,332,333,353,143,149,269,188,427,440 તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(બી) તથા પબ્લિક પ્રોપર્ટી ડેમેજીસ એક્ટ 1984ની કલમ 3 મુજબ ગુનો નોંધી ફૂટેજન આધારે હુમલાખોરોને ઓળખી તેઓને શોધવાની તજવીજ હાથ ધરી છે.
સુત્રો અનુસાર આ મામલે સુરતના રેંજ આઈજી શ્રી રાજકુમાર પાંડીયાનની હાજરીમાં તાપી પોલીસે વ્યારા સર્કીટ હાઉસ ખાતે ગણ્યાગાંઠ્યા પત્રકારોને બોલાવી એક પત્રકાર પરિષદ પણ યોજી હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500